સુરતમાં કાપડના એક્સપોર્ટર ઉમર જનરલને ત્યાંથી 90 કરોડના બેનામી વ્યવહારો પકડાયા છે. જેમાં ઘર, ઓફિસ, ફેક્ટરી સહિત 14 સ્થળો અને બંગલાના 35 રૂમમાં તપાસ થઈ હતી. તથા ચોથા દિવસે છેક ઈન્કમટેક્સની તપાસ પૂર્ણ થઇ છે. તેમજ હવે જપ્ત કરાયેલા દસ્તાવેજની ચકાસણી થશે. અને છેલ્લા ચાર દિવસથી ઉમર જનરલને ત્યાં ચાલતી તપાસમાં એક કરોડની રોકડ મળી આવી છે.
આ પણ વાંચો: ગુજરાત: સાઇબર ગઠિયા સક્રિય, વીજ બિલ બાકી છે કહી ગ્રાહકો સાથે ઠગાઇ કરી
દરોડામાં 90 કરોડના બેનામી વ્યવહારો મળી આવ્યા
કાપડના એક્સપોર્ટર અને બિલ્ડિંગ વ્યવસાય સાથે સંકળાયેલા ઉમર જનરલને ત્યાં આઇટીએ પાડેલા દરોડામાં 90 કરોડના બેનામી વ્યવહારો મળી આવ્યા છે. તેમાં રિયલ એસ્ટેટમાં સ્વીકારેલી રોકડ થતા અન્ય પાસેથી લીધેલી લોન કાગળ પર દર્શાવી નહીં હોવાનું બહાર આવતા હવે બેનામી સંપત્તિના કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવનાર હોવાની વિગતો જાણવા મળી છે.
જપ્ત કરવામાં આવેલા દસ્તાવેજની હવે તપાસ શરૂ
ડીઆઇ વિંગના 100થી વધુ અધિકારીઓ અને ઇન્સ્પેક્ટરની ટીમ દ્વારા સોમવારે વહેલી સવારથી જનરલ ગ્રૂપના ઉમર જનરલ અને તેમની સાથે જોડાયેલા અન્ય લોકોના ઘર, ઓફિસ તથા ફેક્ટરી પર 14 સ્થળો પર સર્ચ કરવામાં આવી હતી. જેમાં રિંગરોડ પર આઇટીસી બિલ્ડિંગમાં આવેલી ઓફિસ, માંડવી ખાતેની ફેક્ટરી અને ઉમર જનરલના બંગલામાં 35થી વધુ રૂમમાં પણ અધિકારીઓએ તપાસ આદરી હતી. તપાસમાં રોકડમાં કરેલા દસ્તાવેજો, લોનના ડોક્યૂમેન્ટ, ડિજિટલ પુરાવાઓ તેમજ કન્સ્ટ્ર્ક્શન પ્રોજેક્ટમાં રોકડમાં કરવામાં આવેલા 90 કરોડના વ્યવહારો મળી આવ્યા છે. ઇન્કમટેક્સના અધિકારીઓએ તપાસ શરૂ કર્યાના ચોથા દિવસે સમગ્ર તપાસ પૂર્ણ કરી છે. તેમજ જપ્ત કરવામાં આવેલા દસ્તાવેજની હવે તપાસ શરૂ કરવામાં આવનાર છે.
એક કરોડની રોકડ મળી આવી
છેલ્લા ચાર દિવસથી ઉમર જનરલને ત્યાં ચાલતી તપાસમાં એક કરોડની રોકડ મળી આવી છે. આ રોકડ કોની પાસેથી આવી તેની પણ પૂછપરછ ઇન્કમટેક્સ વિભાગે શરુ કરી છે. જેથી એક કરોડની રોકડ આપનાર સામે પણ કાર્યવાહી થવાની શકયતા રહેલી છે. ઉપરાંત કંપનીના કર્મચારીઓના પણ નિવેદન પણ લેવાનું શરૂ થયું છે.