ગુજરાતમાં સહકારી બેંકોના 3 હજાર કરોડના વ્યવહારો ખોરવાયા, જાણો શું છે કારણ
- સહકારી બેંકોમાં રોજના રૂ.700-800 કરોડના વ્યવહારો અટકી પડયા
- સહકારી બેંકોમાં RTGS અને NEFT સહિતના ડીજીટલ ટ્રાન્ઝેક્શન ખોરવાયા
- 15 જિલ્લામાં 148 સહકારી બેંકો અને 168 બેંકો TCSના C-Edge સોફ્ટવેર સાથે જોડાયેલી
ગુજરાતમાં સહકારી બેંકોના 3 હજાર કરોડના વ્યવહારો ખોરવાયા છે. જેમાં હવે TCSની સિસ્ટમ ઠપ થઇ છે. ટીસીએસના C-Edge સોફ્ટવેરમાં ખામી આવતા 148 સહકારી બેંકોને અસર થઇ છે. ટાટા કન્સલ્ટન્સી દ્વારા સિસ્ટમનું ઓડિટ ચાલુ છે. તેમજ આજથી રાબેતા મુજબ સેવાઓ શરૂ થવાની શક્યતા છે. ગુજરાતમાં 15 જીલ્લામાં 148 સહકારી બેંકો અને 168 બેંકો TCSના C-Edge સોફ્ટવેર સાથે જોડાયેલી છે.
આ પણ વાંચો: ગુજરાતમાં મેઘની ગતિ ધીમી પડી, જાણો કયારે આવશે ધોધમાર વરસાદ
સહકારી બેંકોમાં RTGS અને NEFT સહિતના ડીજીટલ ટ્રાન્ઝેક્શન ખોરવાયા
માઈક્રોસોફ્ટની જેમ ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS)ના C-Edge સોફ્ટવેરમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી ખામી સર્જાતા ગુજરાત સહિત દેશભરની સહકારી બેંકોમાં RTGS અને NEFT સહિતના ડીજીટલ ટ્રાન્ઝેક્શન ખોરવાયા છે. ગુજરાતની કો-ઓપરેટિવ બેંકો સાથે જોડાયેલા લોકોના જણાવ્યા પ્રમાણે TCSના બીલ પેમેન્ટ એપ્લીકેશન સોફ્ટવેરમાં ખામી સર્જાતા સહકારી બેન્કોના ડીજીટલ કામગીરીને અસર થઇ છે જેના કારણે અંદાજે રૂ.3,000 કરોડથી વધારેના વ્યવહારો ખોરવાયા છે. સહકારી બેંકોની કામગીરી મોટાભાગે તાલુકા અને ગ્રામ્ય સ્તરે વધારે હોય છે અને તેની સાથે ખેડૂતો સૌથી વધુ જોડાયેલા હોય છે.
ગુજરાતની સહકારી બેંકોમાં રોજના રૂ.700-800 કરોડના વ્યવહારો અટકી પડયા
ગત સોમવારથી ગુજરાતની સહકારી બેન્કોમાં ઓનલાઈન ચેક ક્લિયરન્સની કામગીરીને મોટાપાયે અસર થઇ હોવાથી અનેક ખેડૂતોનું પેમેન્ટ અટવાયું હોવાની સંભાવના છે. ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ બેન્કના CEO પ્રદીપ વોરાએ જણાવ્યું કે, ગુજરાતમાં 15 જિલ્લા સહકારી બેંકો સહિત 148 સહકારી બેંકો અને 168 બેંકો TCSના C-Edge સોફ્ટવેર સાથે જોડાયેલી છે. આ સોફ્ટવેરમાં ટેક્નિકલ ખામી આવતા ત્રણ-ચાર દિવસોથી RTGS, ચેક ક્લિયરિંગ અને NEFT સહિતના આઉટવર્ડ ટ્રાન્ઝેક્શનને અસર થઇ છે. આ રીતે ગુજરાતની સહકારી બેંકોમાં રોજના રૂ.700-800 કરોડના વ્યવહારો અટકી પડયા છે. વધુમાં જણાવ્યું કે, આ કોઈ સાઈબર એટેક નથી, સોફ્ટવેરમાં ટેક્નિકલ વાંધો આવ્યો છે. આ અંગે અમે ટાટા કન્સલ્ટન્સીના સંપર્કમાં છીએ અને બેન્કોની CBS સિસ્ટમ કે ખાતેદારો ઉપર કોઈ અસર પડી નથી. કંપની દ્વારા તેમની સિસ્ટમનું રીચેકિંગ અને ઓડીટ થઇ રહ્યું છે. ગુરુવારે સેવાઓ રાબેતા મુજબ શરૂ થવાની શક્યતા છે.