સ્પામ કોલ્સ વિરુદ્ધ સપાટો: 50 કંપનીઓ બ્લેકલિસ્ટેડ, 2.5 લાખ ફોન કનેક્શન કપાયા
- કેન્દ્ર સરકારે ગરબડ કરનારા મોબાઈલ કનેક્શનને તાત્કાલિક અસરથી બંધ કરવાનું શરૂ કરી દીધું છે
નવી દિલ્હી, 4 સપ્ટેમ્બર: સરકાર સંપૂર્ણપણે એક્શન મોડમાં છે. કેન્દ્ર સરકારે સ્પામ કૉલ દ્વારા ગરબડ કરનારા મોબાઈલ કનેક્શનને તાત્કાલિક અસરથી બંધ કરવાનું શરૂ કરી દીધું છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા એટલે કે TRAIને વર્ષ 2024ના પ્રથમ છ મહિનામાં 7.9 લાખ ફરિયાદો મળી હતી. આ ફરિયાદો ફ્રોડ કૉલ્સ અને કૌભાંડો સંબંધિત હતી. આમાંના મોટાભાગના મોબાઈલ કોલ અનરજિસ્ટર્ડ ટેલિમાર્કેટર્સ (UTMs) માટે હતા. કડક પગલાં લેતા, TRAIએ 2.5 લાખ મોબાઈલ કનેક્શન્સ અને 50 એવી એન્ટિટીને 2 વર્ષ માટે બ્લેકલિસ્ટ કરી છે, જેઓ દેશમાં ફ્રોડ કૉલ્સ અને મેસેજને પ્રોત્સાહન આપતા હતા. TRAI દ્વારા એક જાહેરખબર જારી કરીને આ અંગેની માહિતી આપવામાં આવી છે.
TRAIએ શું માહિતી આપી?
સરકારે ટેલિકોમ રિસોર્સના દુરુપયોગ અને ફ્રોડ મેસેજ અને કૉલ્સ કરવા સાથે સંકળાયેલી લગભગ 50 સંસ્થાઓને બંધ કરી દીધી છે તેમજ 2.75 લાખ મોબાઈલ કનેક્શન સ્વીચ ઑફ કરવામાં આવ્યા છે. TRAI દ્વારા 3 સપ્ટેમ્બરના રોજ એક નિવેદન જારી કરીને આ બાબતની માહિતી આપવામાં આવી છે.
TRAIએ સૂચના જારી કરી હતી
TRAIએ 13 ઓગસ્ટના રોજ કડક સૂચના આપી હતી કે ટેલિકોમ ઓપરેટરોએ તાત્કાલિક અસરથી પ્રમોશનલ કોલ અને મેસેજ બંધ કરવા પડશે. જેમાં, એક્સેસ પ્રોવાઈડરને SIP, PRI અથવા અન્ય ટેલિકોમ્યુનિકેશન રિસોર્સનો ઉપયોગ કરીને અનરજિસ્ટર્ડ મેસેજ અને ટેલિમાર્કેટિંગ પ્રમોશનલ વૉઇસ કૉલ્સને તાત્કાલિક બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. TRAIએ કહ્યું હતું કે, નિયમોનું ઉલ્લંઘન કરનારા અનરજિસ્ટર્ડ ટેલિમાર્કેટર્સને બ્લેકલિસ્ટ કરવામાં આવે.
કનેક્શનને 2 વર્ષ માટે બ્લેકલિસ્ટ કરવામાં આવશે
ટ્રાઈના નિવેદન મુજબ, જો ટેલિકોમ નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવશે, તો તેને બંધ કરવામાં આવશે અને તમામ ટેલિકોમ રિસોર્સને બે વર્ષ સુધી બ્લેકલિસ્ટ કરવામાં આવશે. ટ્રાઈને આશા છે કે, આવી કડક કાર્યવાહીથી સ્પામ કોલ ઓછા થશે તેમજ આનાથી મોબાઈલ યુઝર્સને મોટી રાહત મળશે.
આ કામ ભૂલથી પણ ન કરો
- જો તમને કોઈ અજાણ્યા સોર્સથી મેસેજ મળે છે, તો તેને અવગણો. આને ચકાસવા માટે, તમે ટેલિકોમ કંપનીના સત્તાવાર કોલ સેન્ટર અથવા ગ્રાહક સંભાળ કેન્દ્ર પર કૉલ કરી શકો છો.
- કોઈપણ અજાણી લિંક પર ક્લિક કરશો નહીં.
- OTP અથવા વ્યક્તિગત માહિતી કોઈની સાથે શેર કરશો નહીં.
ચક્ષુ પોર્ટલ પર ફરિયાદ કરો
- વેબસાઇટ https://sancharsaathi.gov.in/Home/index.jsp ની મુલાકાત લો.
- આ પછી Citizen Centric Services ટેબ પર ક્લિક કરો.
- પછી રિપોર્ટ સસ્પેક્ટેડ ફ્રોડ કમ્યુનિકેશન ચક્ષુ પર ક્લિક કરો. આ પછી Continue for Reporting પર ક્લિક કરો.
- આ પછી એક ફોર્મ ભરવાનું રહેશે.
- આ ફોર્મમાં ફ્રોડ કોલ અને મેસેજના સ્ક્રીનશોટ જોડી શકાય છે. ફ્રોડના સમય વિશેની પણ માહિતી આપો.
- પછી તમારે તમારું નામ દાખલ કરવું પડશે.
- ત્યારબાદ તમારે OTP વડે વેરિફિકેશન કરવું પડશે. આ પછી તમારે સબમિટ બટન પર ટેપ કરવાનું રહેશે
આ પણ જૂઓ: Airtel બંધ કરશે Wynk Music, કરોડો ગ્રાહકોને પડશે ફટકો