રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર-કચ્છના ચૂંટણી અધિકારીઓની તાલીમ યોજાઇ


ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આગામી ડિસેમ્બર મહિના સુધીમાં યોજાવાની નિશ્ર્ચિત છે ત્યારે આ અંગે સરકારી તંત્ર સતર્ક બની ગયુ છે અને બેઠકો તેમજ તાલીમનો દૌર શરુ થઇ ગયો છે. દરમિયાન આજે રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર-કચ્છના ચૂંટણી અધિકારીઓની તાલીમનું આયોજન કરવામાં આવ્યુ હતુ જેમાં મુખ્ય ચૂંટણી અધિકારી સહિતના ઉચ્ચ અધિકારીઓ દ્વારા વીડિયો કોન્ફરન્સના માધ્યમથી માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ.
12 જિલ્લાના આશરે 90 જેટલા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા
મળતી માહિતી મુજબ આજે શહેરનાં હેમુગઢવી હોલ ખાતે મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીના માર્ગદર્શન તળે રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિધાનસભાની ચૂંટણી સંબંધિત સૌરાષ્ટ્ર-કચ્છના મતદાર નોંધણી અધિકારી અને નાયબ ચૂંટણી અધિકારીઓનો તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. કલેકટર અરૂણ મહેશ બાબુના અધ્યક્ષ સ્થાને યોજાયેલાં આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર કચ્છના 12 જિલ્લાના નાયબ ચૂંટણી અધિકારીઓ સહિત આશરે 90 જેટલા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ તાલીમ કાર્યક્રમમાં અમદાવાદ જિલ્લાના અધિક જિલ્લા ચૂંટણી અધિકારી સી.એ. ગાંધી દ્વારા પ્રેઝનટેશનના માધ્યમથી ચૂંટણી અધિકારીઓને મતદાર યાદી, નામ નોંધણી, નામ કમી, જરૂરી સુધારા વધારા, ઇપીએસસી સંબંધી પ્રશ્ર્નોના નિકાલ સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરીને માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું.