ટ્રેન મોડી પડતા મુસાફરે 50 હજાર વળતર માગ્યું, જાણો રેલવેએ કેટલી રકમ ચૂકવવી પડી

અમદાવાદ, 20 જૂન 2024, ટ્રેન પાંચ કલાક લેટ થતાં અમદાવાદના બે વકીલોએ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં રેલવે સામે ફરિયાદ દાખલ કરી હતી. જેમાં શારીરિક અને માનસિક ત્રાસ પેટે 50 હજાર રૂપિયા વળતર આપવા માગ કરી હતી. ગ્રાહક તકરાર નિવારણ કમિશને અરજદાર અને રેલવેની રજૂઆતો સાંભળીને 7 મહિનામાં ચુકાદો આપતા 9 ટકાના વ્યાજ સાથે ટિકિટની રકમ અને કુલ 7 હજાર રૂપિયા 30 દિવસમાં રેલવેને અરજદારને ચૂકવવા હુકમ કર્યો હતો.
બંને વકીલોએ રેલવે પાસે ટિકિટનું રિફંડ માગ્યું હતું
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદના બે વકીલો સાબરમતી સ્ટેશનથી ઉજ્જૈન ગયા હતા. જ્યાંથી પરત અમદાવાદની ટુ ટિયર ACની બે ટિકિટ બુક કરાવી હતી. અમદાવાદમાં કોર્ટનું કામકાજ હોવાથી પરત આવવા તેઓ નિયત સમયે ઉજ્જૈન રેલવે સ્ટેશન પહોંચી ગયા હતા. ત્યાં જાણવા મળ્યું હતું કે, ટ્રેન 2 કલાક મોડી ચાલી રહી છે. ત્યારબાદ 5 કલાક મોડી ચાલી રહી હોવાનું ઓનલાઈન જાણવા મળ્યું હતું. બીજે દિવસે કોર્ટનું કામકાજ હોવાથી લગભગ 2.45 કલાક જેટલો સમય રાહ જોયા બાદ અરજદારે બીજી ટ્રેનના જનરલ ડબ્બાની ટિકિટ લેવી પડી હતી. જેમાં ઊભા ઊભા 7 કલાક મુસાફરી કરીને તેઓ સવારે અમદાવાદ પહોંચ્યા હતા. જે ટ્રેન લેટ પડી હતી તેને લઈને બંને વકીલોએ રેલવે પાસે ટિકિટનું રિફંડ માગ્યું હતું.
ટિકિટ, સ્ટેટ્સ વગેરે પૂરાવા કમિશન સમક્ષ મૂકાયા હતા
વકીલોની માગ રેલવેએ નકારી નાખતા જણાવ્યું હતું કે, તેમણે મોડી પડેલી ટ્રેનમાં મુસાફરી કરી હતી. સામે અરજદારે કહ્યું હતું કે, સીટ ખાલી હોય તો TC અન્યને બેસવા દેતા હોય છે. અરજદારને ટિકિટના પૈસા રિફંડ ના કરતા તેને રેલવેને લીગલ નોટિસ આપી હતી. બાદમાં 50 હજારનો દાવો અમદાવાદ ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં રેલવે સામે કર્યો હતો. જેમાં ટિકિટ, સ્ટેટ્સ વગેરે પૂરાવા કમિશન સમક્ષ મૂકાયા હતા.રેલવેએ કમિશન સમક્ષ તેની દલીલોમાં જણાવ્યું હતું કે, ટ્રેન કેન્સલ થઈ નહોતી તે લેટ આવી હતી. ટ્રેન ઉજ્જૈન સ્ટેશન ઉપર આવે તે પહેલાં અરજદારોએ અન્ય ટ્રેન પકડી લીધી હતી.
વ્યાજ સહિતની રકમ 30 દિવસમાં ચૂકવી આપવા હુકમ કર્યો
ઉજ્જૈનથી અમદાવાદ ટ્રેન ફક્ત 2:19 કલાક લેટ પહોંચી હતી. રેલવે એ એમ પણ જણાવ્યું હતું કે, ટ્રેન સમયસર આવશે કે જશે તેની કે તેનાથી ગ્રાહકને થતાં નુકસાનની જવાબદારી રેલેવે લેતું નથી. ટ્રેન બીજા ઝોનમાથી લેટ આવી હતી. જેની ઉપર પશ્ચિમ રેલવેનું નિયંત્રણ નથી. તે ઝોનને આ અરજીમાં પક્ષકાર બનાવવામાં આવેલ નથી. ગ્રાહક તકરાર નિવારણ કમિશને સુપ્રીમ કોર્ટમાં એક ચુકાદાને ટાંકતા જો ટ્રેન લેટ થવાની હોય તો તેનું કારણ પણ ગ્રાહકને જણાવવું પડે તેમ નોધ્યું હતું. ગ્રાહક તકરાર નિવારણ કમિશને રેલવે વિભાગને ગ્રાહકની ટ્રેનની ટિકિટ રૂપિયા 9 ટકા વ્યાજ સાથે, માનસિક ખર્ચના 5 હજાર રૂપિયા અને કાનૂની ખર્ચના 3 હજાર રૂપિયા 30 દિવસમાં ચૂકવી આપવા હુકમ કર્યો હતો.
આ પણ વાંચોઃવીરભૂમિ એક્સપ્રેસ ટ્રેનમાં રાજસ્થાનના બે મુસાફરો પાસેથી 12 કિલો ચાંદી ઝડપાઈ