ઓડિશા ફરી ટ્રેન દુર્ઘટના, જાજપુરમાં ટ્રેનની અડફેટે 6 મજૂરોના મોત
ઓડિશાના બાલાસોર જિલ્લામાં ભયાનક ટ્રેન દુર્ઘટના બાદ હવે જાજપુરમાં વધુ એક મોટો અકસ્માત થયો છે. આ અકસ્માતમાં 6 લોકોના મોત થયા છે. આ સાથે આસામમાં એક માલગાડી પણ પાટા પરથી ઉતરી ગઈ છે. રેલવે અધિકારીએ જણાવ્યું હતું કે આસામના કામરૂપ જિલ્લામાં માલગાડી પાટા પરથી ઉતરી ગઈ હતી. કોઈને ઈજા થઈ હોવાની કોઈ માહિતી નથી. આ અકસ્માતમાં બોકો નજીક સિંગરા ખાતે કોલસાથી ભરેલી ટ્રેનના 20 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા.
આ સિવાય ઓડિશાના જાજપુર રોડ રેલવે સ્ટેશન પર માલગાડીની ટક્કરથી છ મજૂરોના મોત થયા. આ અકસ્માતમાં અન્ય બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ભારે વરસાદથી બચવા માટે મજૂરોએ ઊભેલી ગુડ્સ ટ્રેનની નીચે આશરો લીધો હતો, જ્યારે અચાનક ગુડ્સ ટ્રેન એન્જિન વિના દોડવા લાગી અને મજૂરોને તેની નીચેથી બહાર નીકળવાનો મોકો મળ્યો નહીં.
ઓડિશામાં ફરી ટ્રેન દુર્ઘટના
રેલવે પ્રવક્તાએ જણાવ્યું કે અચાનક તોફાન આવ્યું. મજૂરો બાજુની રેલ્વે લાઇન પર કામ કરી રહ્યા હતા જ્યાં એક માલગાડી ઉભી હતી. તેઓએ તેની નીચે આશ્રય લીધો, પરંતુ દુર્ભાગ્યવશ માલગાડી જેનું એન્જિન ન હતું તે ચાલવા લાગી જેના કારણે અકસ્માત થયો. ઓડિશાના સીએમ નવીન પટનાયકે આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે જાજપુર રોડ સ્ટેશન ટ્રેન અકસ્માતના સમાચાર દુઃખદ છે. મૃત્યુ પામેલા લોકોના પરિવારજનો પ્રત્યે સંવેદના અને તમામ ઇજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તેવી શુભેચ્છા.
ઝારખંડમાં મોટી દુર્ઘટના ટળી
બીજી તરફ, ઝારખંડના બોકારોમાં મંગળવારે સંથાલડીહ રેલવે ક્રોસિંગ પાસે મોટી રેલ દુર્ઘટના ટળી હતી. નવી દિલ્હી-ભુવનેશ્વર રાજધાની એક્સપ્રેસ જ્યારે ત્યાંથી પસાર થઈ રહી હતી ત્યારે એક ટ્રેક્ટર ક્રોસિંગ નજીકના રેલવે ફાટક સાથે અથડાયું હતું, પરંતુ ટ્રેનના ડ્રાઈવરે સમયસર બ્રેક લગાવી દેતા મોટી દુર્ઘટના ટળી હતી. ભોજુડીહ રેલ્વે સ્ટેશન નજીક સંથાલડીહ રેલ્વે ક્રોસિંગ પર આ અકસ્માત થયો હતો.