અંજારઃ પિતા ટ્રાફિક પોલીસ તરીકે જ્યાં ફરજ પર ઉભા હતા ત્યાં જ ટ્રેલરે દીકરીને કચડી
અંજાર, 09 જુલાઈ 2024, આજે વહેલી સવારે અંજાર યોગેશ્વર ચોકડી પાસે ટ્રેલરે ટક્કર મારતા સ્કૂલ જઇ રહેલી બે કિશોરીઓને ગભીર ઈજાઓ પહોંચી હતી.ઇજાગ્રસ્ત બંને કિશોરીઓને સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જેમાંથી એક કિશોરીના સારવાર દરમિયાન પ્રાણ પંખેરૂ ઉડી ગયાં હતાં.જ્યારે અન્ય એક કિશોરી હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. અકસ્માત બાદ રોષે ભરાયેલા લોકોએ ચક્કાજામ કર્યો હતો. લોકોએ ઉભેલા ભારે વાહનોના ટાયરોમાંથી હવા કાઢી નાખી હતી. પોલીસે ટ્રાફિક ખુલ્લો કરવાનો પ્રયાસ કરતા મામલો ઉગ્ર બન્યો હતો.પોલીસે અકસ્માતે મૃત્યુની નોંધ લઇ વધુ તપાસ હાથ ધરી છે.
અકસ્માતથી અજાણ પિતા ટ્રાફીક વ્યવસ્થા સંભાળતા રહ્યા
સ્થાનિકોના કહેવા પ્રમાણે ભારે વાહનો માટે કલેક્ટરના જાહેરનામાનો ભંગ થતો હોવા છતાંય તંત્ર દ્વારા કોઈ પગલાં લેવાતા નથી. આ માર્ગ પર અકસ્માતોના કારણે અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. વારંવાર યોગેશ્વર ચોકડી નજીક સર્જાતા અકસ્માત બાદ લોકોએ તંત્રને જાહેરનામું યાદ અપાવ્યું હતું. ચક્કાજામ બાદ પોલીસને બળ પ્રયોગ કરવો પડ્યો હતો. વધુ કરૂણતા એ સર્જાઇ કે અકસ્માતમાં ઇજાગ્રસ્ત બનેલી કિશોરીનું સારવાર દરમિયાન મૃત્યુ થયું અને તેના અકસ્માતથી અજાણ પિતા ટ્રાફીક વ્યવસ્થા સંભાળતા રહ્યા હતા.
ખાનગી હોસ્પિટલમાં સારવાર બાદ કિશોરીનું મૃત્યુ
કલાકો સુધી ટ્રાફીકજામ રહ્યા બાદ પોલીસને બળપ્રયોગ કરી રસ્તો ખુલ્લો કરાવવો પડ્યો હતો. અકસ્માત બાદ લોકોના વિરોધને કારણે વાહન વ્યવહાર થંભી ગયો હતો. અકસ્માત સર્જાયા બાદ ટ્રેલર ચાલક ત્યાંથી ફરાર થઇ ગયો હોવાનું પ્રાથમીક તપાસમાં સામે આવ્યુ છે. સવારે અકસ્માત સર્જાયા બાદ ટ્રાફીક વિભાગમા ફરજ બજાવતા વનરાજસિંહ સોલંકીને ટ્રાફીક ખુલ્લો કરાવાની જવાબદારી સોંપાઇ હતી અને તેઓ તેની પુત્રીનું અકસ્માત થયું છે તેનાથી અજાણ હતા. જો કે ખાનગી હોસ્પિટલમાં સારવાર બાદ કિશોરીનું મૃત્યુ થતા તેના પિતાને જાણ કરાઇ હતી.પોલીસે હવે ટ્રેલર ચાલકને શોધવા સહિતની વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચોઃઅમદાવાદઃ નવી માતા અને નાનીએ 6 વર્ષના બાળક સાથે ક્રુરતાની હદ વટાવી