ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ટ્રાઈના નામથી આવતા ફોન કે મેસેજથી સાવધ રહેવા TRAIની ચેતવણી

  • TRAI ગ્રાહકના કોઈપણ મોબાઇલ નંબરને અવરોધિત અથવા ડિસ્કનેક્ટ કરતું નથી

નવી દિલ્હી : ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI)એ લોકોને ટ્રાઈના નામે મોકલવામાં આવતા મેસેજ અને કોલથી સાવધાન રહેવાની સલાહ આપી છે. બુધવારે એક પ્રેસ રીલિઝમાં ટેલિકોમ સંસ્થાએ જણાવ્યું હતું કે, TRAI કોઈપણ વ્યક્તિગત ટેલિકોમ ગ્રાહકના કોઈપણ મોબાઇલ નંબરને અવરોધિત અથવા ડિસ્કનેક્ટ કરતું નથી. તેમાં કહેવામાં આવ્યું છે કે,  TRAI ક્યારેય મોબાઈલ નંબરના જોડાણને કાપી નાખવા માટે કોઈ સંદેશ મોકલતું નથી અથવા કોઈ કૉલ કરતું નથી. TRAIએ કહ્યું કે, તેણે કોઈપણ એજન્સીને આવી પ્રવૃત્તિઓ માટે ગ્રાહકોનો સંપર્ક કરવા માટે અધિકૃત કર્યા નથી અને આવા તમામ કોલ છેતરપિંડીના હોય છે. પ્રેસ રીલીઝમાં ચેતવણી આપવામાં આવી હતી કે, TRAI તરફથી દાવો કરવામાં આવતો કોઈપણ કોલ અથવા મેસેજ સંભવિત રૂપે છેતરપિંડીનો હોય તેમ ગણવો જોઈએ.

 

TRAIના નામે કંપનીઓ, એજન્સીઓ અને વ્યક્તિઓ દ્વારા છેતરપિંડી

ટ્રાઈ દ્વારા આ નિવેદન તેમની સમક્ષ નોંધાયેલી અનેક ઘટનાઓના પગલે બહાર પાડવામાં આવ્યું છે. કેટલીક કંપનીઓ, એજન્સીઓ અને વ્યક્તિઓ TRAI વતી ગ્રાહકોને ફોન કરીને “મોબાઈલ નંબર ડિસ્કનેક્ટ થઈ જશે કારણ કે નંબરનો કોઈ અન્ય વ્યક્તિની ઈચ્છા વગર મેસેજ મોકલવા માટે ઉપયોગ થઈ રહ્યો” હોવાનું કારણ જણાવી છેતરપિંડીનો ફોન કરવામાં આવી રહ્યો છે. આ કંપનીઓ, એજન્સીઓ અને વ્યક્તિઓ દ્વારા એવી પણ માહિતી આપવામાં આવી છે કે લોકોના આધાર નંબરનો ઉપયોગ સિમ કાર્ડ મેળવવા માટે કરવામાં આવ્યો હતો અને તેનો ઉપયોગ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ માટે કરવામાં આવી રહ્યો છે. TRAIએ કહ્યું કે, “આ કંપનીઓ, એજન્સીઓ અને વ્યક્તિઓ ગ્રાહકોને Skype વિડિયો કોલ પર આવવા માટે ફસાવવાનો પ્રયાસ પણ કરી રહી છે જેથી કરીને મોબાઈલ નંબર ડિસ્કનેક્ટ ન થાય.”

 

ભોગ બનનાર વ્યક્તિ તરત જ કરી શકે છે ફરિયાદ

TRAIએ વધુમાં માહિતી આપી હતી કે, ભોગ બનનાર વ્યક્તિઓ સર્વિસ પ્રોવાઇડર સાથે તેમના સંબંધિત ગ્રાહક સેવા કેન્દ્ર નંબરો પર સીધો જ આ મામલો પહોંચાડી શકે છે તેમજ તેઓ નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ પર પણ આવી ઘટનાઓની જાણ કરી શકે છે.

આ પણ જુઓ :બજાજ ફાઇનાન્સ વિરુદ્ધ RBIની કડક કાર્યવાહી: લોનનું વિતરણ રોકવામાં આવ્યું

Back to top button