ઇન્ટરનેશનલ ડેસ્કઃ પાકિસ્તાનમાં એક દુ:ખદ અકસ્માતમાં લગભગ બે ડઝન લોકોના મોત થયા છે. જ્યારે 26 લોકો ગુમ છે. પાકિસ્તાનમાં પંજાબ અને સિંધ સરહદી વિસ્તાર નજીક સિંધુ નદીમાં બોટ પલટી જવાથી આ ઘટના બની હતી. અધિકારીઓએ જણાવ્યું કે, બોટ પલટી જવાની દુર્ઘટના સોમવારે સાંજે બની હતી. સ્થાનિકોએ 45 લોકોને બચાવવામાં સફળતા મેળવી હતી, જ્યારે ગુમ થયેલા લોકોને શોધવા માટે બચાવ કામગીરી ચાલી રહી છે.
આ ઘટનામાં 23 લોકોના મોત થયા છે અને 26 લોકો ગુમ થયા છે. પાકિસ્તાનના અખબાર ધ ન્યૂઝે મંગળવારે પોતાના અહેવાલમાં આ માહિતી આપી હતી. અધિકારીઓએ જણાવ્યું કે, બોટ ઓવર બોર્ડિંગને કારણે આ દુર્ઘટના બની હતી. બોટમાં મહિલાઓ અને બાળકો પણ હતા. પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, સોલંગી સમાજના હુસૈન કલાનું સરઘસ ખરોરવાળીના રોઝાન તાલુકાના મચ્છકાથી સરદારપુર જઈ રહ્યું હતું. ત્યારે આ અકસ્માત થયો હતો. દુર્ઘટનાની માહિતી જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓને મળતાની સાથે જ તેઓએ અધિકારીઓ અને પોલીસને ઘટનાસ્થળે મોકલ્યા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી.
અધિકારીઓએ જણાવ્યું હતું કે, શબાના (18), હમીદાન (22), અલ્લાહ દાની (14) સહિત કેટલાક મૃતકોની ઓળખ કરવામાં આવી છે, જ્યારે બચાવી લેવામાં આવેલા લોકોમાં મોહમ્મદ અકરમ, મોહમ્મદ રમઝાન, લુકમાન અને મુહમ્મદ અમીનનો સમાવેશ થાય છે.