પાલનપુરમાં ઝેરી ઘાસચારો આરોગતા 21 ગાયોના કરુણ મોત
પાલનપુર: બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકામાં વાધણા ગામ આવેલું છે. જ્યાં એક પશુપાલક 132 ગાયો રાખીને પોતાનું ગુજરાન ચલાવે છે. ત્યારે ગાયોને ચરાવવા લઈ ગયેલા આ પશુપાલકની ગાયો ઝેરી ઘાસચારો ખાઈ ગઈ હતી. તેના કારણે ગાયોને ફૂડ પોઈઝનિંગની તીવ્ર અસર થઈ હતી.જેના કારણે 30 જેટલી ગાયો વારાફરતી બીમાર પડવા લાગી હતી. જેમાં 21 જેટલી ગાયોની સ્થિતિ અતિ ગંભીર બની હતી. અને તેના કારણે મોત નિપજયા હતા.
પશુપાલકના માથે આભ તૂટી પડ્યું
અચાનક 21 જેટલી ગાયોના મોતથી પશુપાલકના માથે આભ તૂટી પડ્યું હતું. આ ઘટનાને લઈને સરકારી તેમજ ખાનગી વેટરનરી ડોક્ટરોની 10 ટીમ તુરંત જ ઘટના સ્થળે પહોંચી હતી. જ્યાં બીમાર ગાયોની તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આવી હતી. આ સારવારના કારણે 10 જેટલી ગાયોના જીવ બચાવ્યા હતા. જ્યારે ગાયો રાખીને પરિવારનું ગુજરાન ચલાવતા ગરીબ પશુપાલક પરિવારને ભારે આર્થિક નુકસાન થયું હતું. જેથી પશુપાલકને તુરંત સહાય અપાય તેવી પણ માંગ ઉઠી હતી.
આ પણ વાંચો :સાબરડેરીએ સાડા ત્રણ લાખ પશુપાલકોને આપી મોટી ભેટ, દૂધના ભાવમાં કર્યો વધારો
આ અંગે પશુ પાલન વિભાગના સુત્રોએ જણાવ્યુ હતુ કે ખેતરમાં બટાકાના વાવેતરના ફરતે ઉગેલા પાંદડા ઝેરી હોય છે.જેથી પશુઓ બટાકાના ઉપર ઉગેલા પાન આરોગતા ખોરાકી ઝેરની અસર થઇ હતી.જેમાં 21 પશુઓ મોતને ભેટ્યા હતા.પશુ પાલકોને મૃત્યુ પામેલા પશુઓની સહાય મળે તેવી માંગ કરવામાં આવી છે.