ઝાલોદ-સુખસર હાઇવે પર ગમખ્વાર અકસ્માત; બે પુત્રો સહિત માતા-પિતાના ઘટનાસ્થળે મોત; બે પુત્રીઓ ઇજાગ્રસ્ત, એકની હાલત નાજુક
દાહોદઃ ફતેપુરા તાલુકાના સુખસર પંથક સાંજના પાંચેક વાગ્યાની આસપાસ ઝાલોદથી સુખસર જતાં હાઈવેની બાજુમાં ઘાણીખુટ ગામે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. નવા બનાવવામાં આવેલા શોપિંગ સેન્ટર આગળ માટી પુરાણ કરતા જેસીબીના ચાલકે બેદરકારીથી કામ કરતા હાઈવે માર્ગ ઉપરથી પસાર થઇ રહેલા મોટરસાયકલ સવાર એક જ પરિવારના 6 સભ્યોને જેસીબીની આગળની સૂંઢ વાગતા ઘટનાસ્થળે બે પુત્રો સહિત તેના માતા-પિતાનું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય ત્રણ જણાં ઇજાગ્રસ્ત થયા હતા. તેમને સુખસર સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જ્યારે 10 વર્ષીય પુત્રીની હાલત નાજુક હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. તેમજ એક 8 વર્ષીય પુત્રીને સામાન્ય ઇજા પહોંચી હોવાનું જાણવા મળે છે.
બે પુત્રો સહિત માતા-પિતાના મોત
મળતી માહિતી મુજબ, ઝાલોદ તાલુકાના ધારાડુંગર ગામના સંજયભાઈ ખડિયા તથા તેમનો પરિવાર વતનથી મોટરસાયકલ ઉપર બહારગામ મજૂરી અર્થે જવા નીકળ્યા હતા અને તેઓ ઝાલોદથી સુખસર તરફ આવી રહ્યા હતા. તેવા સમયે ઘાણીખુટ ગામે હાઈવે માર્ગની બાજુમાં નવા બનાવવામાં આવેલા શોપિંગ સેન્ટરનું પુરાણ કરી રહેલા જેસીબીના ચાલકે પોતાના કબજાના વાહન ઉપર લાપરવાહીથી કામગીરી કરતા હાઈવે માર્ગ ઉપરથી 2 પુત્રો તથા 2 પુત્રીઓ સહિત પત્ની સાથે પસાર થઇ રહેલા પરિવાર ઉપર જેસીબીની આગળની સુંઢ મોટરસાયકલ સવાર પરિવાર ઉપર ત્રાટકતા 2 પુત્રો સહિત 2 પુત્રીઓ અને પત્નીને ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેમાં 2 પુત્રો અને તેના પિતા સંજયભાઈ ખડિયાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મોત નીપજ્યું હતું.
એક દીકરીની હાલત નાજુક
સંજયભાઈના પત્ની કમળાબેન સંજયભાઈ ખડિયા ઉંમર વર્ષ ૩૫, પુત્રી રંજનબેન સંજયભાઈ ખડીયા, ઉંમર વર્ષ 10ને ગંભીર ઇજાઓ પહોંચી હતી.જ્યારે મધુબેન સંજયભાઈ ખડિયા ઉંમર વર્ષ 8ને હાથે સામાન્ય ઈજા પહોંચી હતી. જેથી કમળાબેન, રંજનબેન તથા મધુબેનને તાત્કાલિક 108 દ્વારા સુખસર સરકારી દવાખાનામાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં કમળાબેન ખડીયાને ડોક્ટરે મૃત ઘોષિત કર્યા હતા. જ્યારે રંજનબેનની હાલત નાજુક છે અને મધુબેનની સારવાર હાલમાં ચાલી રહી છે.
પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી
આ ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે, અકસ્માત સર્જાતા જ જેસીબીચાલક વાહન ઘટનાસ્થળે જ મૂકીને ફરાર થઈ ગયો હતો. આ મામલે પોલીસે હાલ ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.