રાજસ્થાનમાં અકસ્માત, MPના એક જ પરિવારના ચાર લોકોના મૃત્યુ

- એક કારે ટ્રકને પાછળથી ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો
- અકસ્માતમાં કારમાં સવાર ચાર લોકો મૃત્યુ પામ્યા
- તમામ મૃતકો એક જ પરિવારના
બુંદી: રાજસ્થાનના બુંદી જિલ્લામાં નેશનલ હાઈવે-52 પર રવિવારે સવારે એક દુખદ માર્ગ અકસ્માત થયો હતો. અહીં હાઈવે પર જઈ રહેલી એક કારે ટ્રકને પાછળથી ટક્કર મારી હતી. કારની સ્પીડ વધુ હતી અને ટ્રકે અચાનક બ્રેક લગાવી દીધી હતી. જેના કારણે કાર કાબુ બહાર જઈને પાછળથી ટ્રક સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મૃત્યુ થયા હતા. તેમજ અન્ય એક વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં તેનું પણ સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. પોલીસ ફરાર ટ્રક ચાલકને શોધવામાં વ્યસ્ત છે.
તમામ મૃતકો એમપીના રહેવાસી હતા
રવિવારે સવારે NH 52 પર ભયાનક માર્ગ અકસ્માતમાં કારમાં મુસાફરી કરી રહેલા મધ્યપ્રદેશના એક જ પરિવારના ચાર સભ્યોના મૃત્યુ નિપજ્યા હતા. પોલીસે આ મામલાની માહિતી આપી છે. પોલીસે જણાવ્યું છે કે, આ અકસ્માત હિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયો હતો. પીડિત પરિવારના ચાર સભ્યો કારમાં પુષ્કર જઈ રહ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર મૃતકોની ઓળખ દેવી સિંહ (50), તેની પત્ની માનખોર કંવર (45), ભાઈ રાજારામ (40) અને ભત્રીજા જિતેન્દ્ર (20) તરીકે થઈ છે જેઓ મધ્ય પ્રદેશના અગર-માલવા જિલ્લાના ગંગુખેડી ગામના રહેવાસી છે.
કાર ટ્રકની પાછળ અથડાઈ
હિંડોલી પોલીસ સ્ટેશનના અધિકારી મનોજ સિકરવાલે જણાવ્યું કે, આ દુર્ઘટના રાત્રે લગભગ સાડા બાર વાગ્યે બની હતી. એસયુવીમાં ચાર લોકો મુસાફરી કરી રહ્યા હતા. દરમિયાન હિંડોલી શહેર નજીક એસયુવીએ એક ટ્રકને પાછળથી ટક્કર મારી હતી. સિકરવાલના જણાવ્યા અનુસાર, એસયુવીની ઝડપ કદાચ વધુ હતી. એવું લાગે છે કે આગળ વધી રહેલી ટ્રકે અચાનક બ્રેક લગાવી દીધી, જેના કારણે એસયુવી તે ટ્રક સાથે અથડાઈ. તેમણે કહ્યું કે ત્રણ લોકો ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા છે. જ્યારે અન્ય એકનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. ટ્રક ચાલક વાહન છોડીને સ્થળ પરથી ભાગી ગયો હતો. આરોપી ડ્રાઈવરને પકડવા પ્રયાસો હાથ ધરાયા છે. તેમણે કહ્યું કે હાલમાં ચારેય મૃતદેહોને શવગૃહમાં રાખવામાં આવ્યા છે. મૃતકોનું પોસ્ટમોર્ટમ તેમના સ્વજનો આવ્યા બાદ કરવામાં આવશે.
આ પણ વાંચો, સાળંગપુર મંદિરમાં 50થી વધુ વેપારી અગ્રણીઓએ લક્ષ્મીજી અને ચોપડા પૂજન કર્યું