કચ્છમાં સર્જાઈ દુર્ઘટના : 50 ફૂટ ઉપરથી પથ્થરો ધસી પડતા 5 શ્રમિકો દટાયા
ભુજના ખાવડામાં પૈયા ગામ નજીક પથ્થર તોડવાની કામગીરી દરમિયાન ભેખડ ધસી પડતા દુર્ઘટના સર્જાઈ હતી. આ ઘટનામાં 5 જેટલા શ્રમિકો દટાયા હોવાની વિગતો સામે આવી છે. અહી પથ્થરોના ખનન દરમિયાન અચાનક મોટી શિલા નીચે ધસી પડતાં નીચે કામ કરી રહેલા મજૂરો દડાઈ જતા અરેરાટી વ્યાપી જવા પામી હતી.
આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ભુજથી 100 કિલોમીટર દુર આવેલા ખાવડા નજીક પૈયાના સીમાડે પથ્થર તોડવાની કામગીરી કરવામાં આવી રહી હતી. આ કામગીરી દરમિયાન એકાએક 40થી 50 ફૂટ ઊંચા ડુંગર પરથી મોટા પથ્થરો નીચે તૂટીને પડ્યા હતા. આ ઘટનામાં નીચે રહેલા હિટાચી મશીન અને ટ્રક અને નીચે કામ કરી રહેલા 5 શ્રમિકો તેમાં દટાઈ ગયા હતા.
ઘટનાના CCTV ફૂટેજ આવ્યા સામે
ભૂજમાં ઘટેલા આ દુર્ઘટનાના હાલ CCTV ફૂટેજ સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે પથ્થર ખનની કામગીરી દરમિયાન એકાએક મોટી ભેખડ ધસી પડે છે. અને નીચે રાખેલ હિટાચી મશીન અને ટ્રકની સાથે કામકરી રહેલા મજૂરો તેમાં દટાઈ જાય છે. હૈયું હચમચાવી નાખતા આ દ્રશ્યોના CCTV સામે આવતા લોકોમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી.
બચાવ કામગીરી હજૂ પણ ચાલુ
આ ઘટનાને પગલે આજૂબાજુ કામ કરી રહેલા અન્ય મજૂરોએ દોડી આવ્યા હતા. અને બચાવ કામગીરી માટે પોલીસને જાણ કરતા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહેંચ્યો હતો. અને બચાવ કામગીરી શરુ કરવામાં આવી હતી. જેમાં એક મજૂરનો મૃતદેહ મળી આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. અને સાથે અન્ય મજૂરોની શોધખોળ પણ ચાલી રહી છે.
આ પણ વાંચો : સૌરાષ્ટ્રના ખેડૂતો માટે આનંદના સમાચાર : નર્મદાનું પાણી પહોંચશે વધુ નજીક