કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત

રાજકોટમાં તસ્કરોએ પણ તહેવાર ઉજવ્યો ! મકાન અને શો રૂમમાં કરી રૂ.14 લાખની ચોરી

Text To Speech

રાજકોટ શહેરમાં તસ્‍કરોએ તહેવારોની પોતાની સ્‍ટાઇલથી ઉજવણી કરી છે. શહેરના કોઠારીયા રોડ નિલકંઠ પાર્ક મેઇન રોડ પર રહેતા વકીલના રહેણાંક મકાન તેમજ ધર્મેન્દ્ર રોડ પર આવેલા એક શો રૂમમાંથી ચોરી કરવાની ઘટના સામે આવી છે. આ બંને બનાવમાં પોલીસે તપાસ શરૂ કરી છે.

વકીલ અને તેમનો પરિવાર જામનગર ફરવા ગયા હતા

આ ઘટના અંગે મળતી માહિતી મુજબ કોઠારીયા રોડ નિલકંઠ પાર્ક મેઇન રોડ પર આવેલા મકાનમાં રહેતાં અને વકિલાત કરતાં આનંદભાઇ ગુણવંતભાઇ પરમાર (ઉ.વ.૫૨)ના બંધ મકાનના તાળા તોડી તસ્‍કરો રૂા. ૯,૭૬,૫૦૦ની માલમત્તા ચોરી જતાં ભક્‍તિનગર પોલીસે ફરિયાદ નોંધી છે. એડવોકેટ આનંદભાઇ જી. પરમાર તથા તેમના પરિવારના સભ્‍યો ૧૮મીએ બપોરે ત્રણેક વાગ્‍યે ઘરને તાળા લગાવી જામનગર ફરવા ગયા હતાં. ગઇકાલે રાતે પરત આવ્‍યા ત્‍યારે ખબર પડી હતી કે ઘરમાં તસ્‍કરો પગલા પાડી ગયા છે. આનંદભાઇ પરમારને સોરઠીયા વાડી સર્કલ એંસી ફુટ રોડ પર ઓફિસ છે. ત્‍યાં બેસી પચ્‍ચીસ વર્ષથી વકિલાત કરે છે. તસ્‍કરો ઘરના તાળા તોડી કબાટમાંથી ૧ાા લાખ રોકડા, સોનાના દાગીના સહિત રૂા. ૯,૭૬,૫૦૦ની માલમત્તા ચોરી ગયાની ખબર પડતાં પોલીસને જાણ કરતાં હેડકોન્‍સ. પી. એન. ગોહિલે ફરિયાદ દાખલ કરાવી હતી. પીઆઇ એલ. એલ. ચાવડા અને નિલેશભાઈ મકવાણા સ્‍ટાફે તપાસ હાથ ધરી છે.

નવોલ્‍ટી શો રૂમમાં ચોથા માળે અગાશીના દરવાજેથી અંદર ઘૂસ્યા અને હાથફેરો કર્યો

બીજા બનાવમાં એ-ડિવીઝન પોલીસે જુની એસ્‍ટ્રોન સિનેમાવાળી જગ્‍યાની પાછળના ભાગે સરદારનગર-૧૮માં શ્રીનાથજી કૃપા ખાતે રહેતાં અને ધર્મેન્‍દ્ર રોડ પર કડિયા નવલાઇનમાં નવોલ્‍ટી ફેબ્રીક્‍સ નામે મોટા ભાઇ સાથે શો રૂમમાં બેસી વેપાર કરતાં જીતેશભાઇ લક્ષ્મીદાસભાઇ લાખાણી (ઉ.૫૫)ની ફરિયાદ પરથી ચોરીનો ગુનો નોંધ્‍યો છે. જીતેશભાઇએ જણાવ્‍યું છે કે અમારે બીજી દૂકાન ટીનીમીની ધ બેબી મોલ જે કડીયા નવલાઇન-૨માં છે. તે મારો મોટો દિકરો હર્ષિલ લાખાણી સંભાળે છે. તેમજ ત્રીજી દૂકાન સિયારામ ટ્રેડ લિંક જે રઘુવીરપરા-૪માં છે તે મારો ભત્રીજો વિશાલ સંભાળે છે. આ બંને દૂકાનો સાડા ચાર વર્ષ પહેલા ચાલુ કરી છે. આ બંને દૂકાનનો વકરો અને વેપારીઓ દ્વારા ચુકવાતા રૂપિયા અમે ભેગા કરી નોવેલ્‍ટી ફેબ્રીક્‍સ શો રૂમ ખાતે લાવીએ છીએ. બધા પૈસા ભેગા થયા બાદ બીજા દિવસે બેંકમાં જમા કરાવીએ છીએ. તા. ૧૪/૮ના રોજ અમે ત્રણેય દૂકાનના વકરાના અને પેમેન્‍ટના રૂા. ૪ લાખ ભેગા કરી નોવેલ્‍ટી ફેબ્રીક્‍સમાં કાઉન્‍ટરના ત્રીજા ડ્રોઅરમાં રાખી ડ્રોઅર લોક કરી દીધુ હતું એ પછી મે અને ભાઇ ઉર્વિલભાઇએ શો રૂમ બંધ કર્યો હતો. બીજા દિવસે ૧૫મીએ સવારે દસેક વાગ્‍યે મારા ભાઇ ઉર્વિલભાઇનો ફોન આવ્‍યો હતો કે ડ્રોરમાં રાખેલા રૂપિયા ૪ લાખ નથી અને ડ્રોઅર અડધા ખુલ્લા છે. હું તુરત શો રૂમ ખાતે પહોંચ્‍યો હતો. તપાસ કરતાં ખબર પડી હતી કે ચોર ઉપરના ચોથા માળેની અગાસીના દરવાજાથી અંદર આવી કાઉન્‍ટરના ડ્રોઅરમાંથી ૪ લાખની રોકડ ચોરી ગયો છે. જે તે દિવસે મારા દિકરાની તબિયત ખરાબ થઇ જતાં ફરિયાદ નોંધાવી નહોતી. હવે પોલીસને જાણ કરી હતી. પીઆઇ સી. જી. જોષી અને સ્‍ટાફે તપાસ હાથ ધરી છે.

Back to top button