અમદાવાદમાં ટ્રાફિક પોલીસે ફરજિયાત બોડીવોર્ન કેમેરા પહેરવા પડશે, જાણો કેમ
- ટીઆરબી જવાનો અને પોલીસ ટ્રાફિકના નિયમનું પાલન કરાવે છે
- ટ્રાફિક પોલીસ ફરજ દરમિયાન કોઈપણ પ્રકારનો નિયમભંગ કરશે તો કાર્યવાહી થશે
- ફરજ દરમિયાન યુનિફોર્મ નહી પહેરવા પર દંડ તેમજ શિક્ષાત્મક કાર્યવાહી
અમદાવાદ શહેરમાં દરરોજ ટ્રાફિકની સમસ્યામાં વધારો થઈ રહ્યો છે. જેમાં હાઈકોર્ટે પણ ઘણીવાર ટ્રાફિક પોલીસને ફટકાર લગાવી છે. તેમ છતાં સમસ્યાનો કોઈ ઉકેલ દેખાતો નથી. ઘણીવાર તો એવું પણ જોવા મળે છે કે, ટીઆરબી જવાનો ચાર રસ્તા પર સિગ્નલ પર ઉભા તો હોય છે, પણ પોતાના ફોનમાં જ પડ્યા હોય છે. જેને લઈને હવે ટ્રાફિક પોલીસે કડક પગલાં લીધાં છે.
ટ્રાફિક પોલીસ ફરજ દરમિયાન કોઈપણ પ્રકારની ગફલત કરશે તો કાર્યવાહી થશે
ટીઆરબી જવાનો અને પોલીસ ટ્રાફિકના નિયમનું પાલન કરાવે છે કે નહીં તેની નજર રાખવા માટે ટ્રાફિક જેસીપી એન.એન.ચૌધરીએ સ્પેશિયલ મોનિટરિંગ સ્ક્વોડની રચના કરી છે. આ ટીમ દ્વારા જે પણ ટ્રાફિક પોલીસ કે ટીઆરબી જવાન ફરજ પર હશે તેમને ફરજિયાત બોડીવોર્ન કેમેરા પહેરાવશે. જેનું મોનિટરિંગ કંટ્રોલ રૂમમાં હાજર મોનિટરિંગ સ્ક્વોડ દ્વારા જ કરવામાં આવશે. જો કોઈ ટ્રાફિક પોલીસ ફરજ દરમિયાન કોઈપણ પ્રકારનો નિયમભંગ કરતા પકડાશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
ફરજ દરમિયાન યુનિફોર્મ નહી પહેરવા પર દંડ તેમજ શિક્ષાત્મક કાર્યવાહી
જેસીપી તથા ડીસીપી દ્વારા સ્પેશિયલ મોનિટરિંગ સ્ક્વોડની રચના સાથે ફરજ દરમિયાન યુનિફોર્મ નહી પહેરવા તેમજ દંડ તેમજ શિક્ષાત્મક કાર્યવાહી કરવા પર પણ ચર્ચા કરવામાં આવી હતી. જેમાં ફરજ દરમિયાન મોબાઈલ ફોન વાપરવો, ટોળા વળીને ઉભા રહેવું, રસ્તાની બાજુમાં રીક્ષા કે બાઇક પર બેસી રહેવું જેવી હરકતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જો કોઈપણ ટીઆરબી જવાન કે ટ્રાફિક પોલીસ આ પ્રકારની ઘટના કરતા જણાશે તો તેની સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો: ગુજરાતના આ શહેરમાં ઘી ખરીદનારા સાવધાન, નકલી ઘીનો જથ્થો ઝડપાયો