ગુજરાતમધ્ય ગુજરાત

વડોદરામાં આજથી ટ્રાફિક પોલીસની ડ્રાઈવ, રોંગ સાઇડ ડ્રાઈવમાં પકડાશો તો 1500થી 5000 સુધીનો દંડ

Text To Speech

વડોદરાઃ ગુજરાતમાં ટ્રાફિક નિયમનો ભંગ કરતાં લોકોની બેદરકારીના કારણે કેટલીક વખત ગંભીર અકસ્માત સર્જાતાં હોય છે. ત્યારે હવે વાહન ચાલકો પાસેથી દંડના ઉઘરાણાં ફરી શરૂ થયાં છે. વડોદરામાં આજથી ટ્રાફિક પોલીસની મેગા ડ્રાઈવ શરૂ થઈ છે. વડોદરા શહેર પોલીસ દ્વારા આજથી રોંગ સાઈડમાં નીકળતા વાહનચાલકો સામે કાર્યવાહી થશે. તે ઉપરાંત CCTV વગરના 23 સ્થળો પર પણ પોલીસ કાર્યવાહી કરશે. આ ડ્રાઈવ હેઠળ નિયમ ભંગ બદલ 1500થી 5000 સુધીનો દંડ કરવામાં આવશે. આ મેગા ડ્રાઈવમાં 200થી વધુ પોલીસ જવાનો જોડાશે.

લોકોએ છેલ્લાં ત્રણ વર્ષમાં 186 કરોડથી વધુ દંડ ભર્યો
ગુજરાતમાં વાહન ચાલકો પાસેથી કરાતાં ઉઘરાણામાં જ સરકારની તિજોરી છલકાઈ છે. રજિસ્ટ્રેશન,લાઇસન્સ,વીમા, પીયૂસી વગર વાહન ચલાવવા જેવા કેસમાં કાર્યવાહી થઇ છે. ગુજરાતીઓએ લાઇસન્સ, પીયુસી, વીમો, રજિસ્ટ્રેશન વિના વાહન ચલાવવા તેમજ રોડ સેફ્ટીનું ઉલ્લંઘન કરવા સહિતના વિવિધ ગુનામાં છેલ્લાં ત્રણ વર્ષમાં 186 કરોડથી વધુનો દંડ સરકારને ભર્યો છે. વર્ષ 2020-21ના અરસામાં 1.05 લાખ કિસ્સામાં માંડવાળ પેટે 47.58 કરોડથી વધુની રકમના ઉઘરાણાં લોકો પાસેથી કરાયા છે જ્યારે વર્ષ 2022-23માં 1.23 લાખ કેસ સાથે 71.42 કરોડની રકમ સરકારી તિજોરીમાં જમા થઈ છે, આમ કોરોનાકાળની સરખામણીએ છેલ્લે સરકારી તિજોરીમાં 66 ટકાથી વધારે રકમ જમા થઈ છે.

માંડવાળ કેસોની સંખ્યા 3.66 લાખને પાર થઈ
રાજ્યના વાહન વ્યવહાર વિભાગના કહેવા પ્રમાણે, ઓવરલોડ, ઓવરડાઈમેન્શન, રજિસ્ટ્રેશન, ફિટનેસ, લાયસન્સ, વીમા, પીયુસી વગર વાહન ચલાવવું તદુપરાંત રોડ સેફ્ટી સંબંધિત ગુનાઈત પ્રવૃત્તિ બદલ કાર્યવાહી કરવામાં આવી છે. છેલ્લા ત્રણ વર્ષમાં 3.12 લાખથી વધુ વાહનો ડિટેઈન કરવામાં આવ્યા છે જ્યારે 6,381 જેટલા લાયસન્સ સસ્પેન્ડ કરાયા છે. માંડવાળ કેસોની સંખ્યા 3.66 લાખને પાર થઈ છે. એક પણ કિસ્સામાં એફઆઈઆર કરવામાં આવી નથી. આ અરસામાં ગુનાઈત વાહનોની સંખ્યા 5.26 લાખ કરતાં વધારે છે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં વાહન ચાલકો પાસેથી ઉઘરાવેલા દંડનો આંકડો જાણી રહેશો દંગ

Back to top button