વેપારીઓનું ક્ષત્રિયોને સમર્થનઃ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની સભા પહેલા સોનગઢ સજ્જડ બંધ
ભાવનગર, 26 એપ્રિલ 2024, રાજ્યભરમાં ક્ષત્રિય સમાજના વિરોધ વંટોળમાં ભાજપનો પ્રચાર સપડાઈ ગયો છે અને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ત્યારે આગામી 28મીએ શિહોર ખાતે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ જાહેર સભા સંબોધવા આવી રહ્યા છે તે પૂર્વે શિહોર તાલુકાના સોનગઢ ગામમાં ક્ષત્રિય સમાજની નારી શક્તિ સન્માનની લાગણીને ટેકો આપી સમસ્ત ગામે સ્વયંભૂ બંધ પાળી વિરોધ પ્રદર્શિત કર્યો હતો. રાજકોટના ઉમેદવાર રૂપાલાના વિવાદિત નિવેદન બાદ તેમની માફીને પણ માન્ય નહીં રાખી ક્ષત્રિય સમાજ દ્વારા ખુલ્લેઆમ ભાજપની વિરોધમાં પ્રચાર શરૂ કર્યો છે.
વેપારીઓએ ક્ષત્રિય સમાજની અસ્મિતાની લડાઈમાં સહકાર આપ્યો
ભાવનગર શહેરમાં ક્ષત્રિય સમાજ દ્વારા ભાજપના પ્રચાર કાર્યમાં અડચણ ઉભી કરવાનું શરૂ કર્યું હતું ત્યારે હવે ગ્રામ્ય કક્ષાએ પણ વિરોધમાં આક્રમકતા વધી છે. પાલીતાણા તાલુકાના નવાગામ બડેલી ખાતે ક્ષત્રિય સમાજ દ્વારા સૂત્રોચાર સાથે વિરોધ કરતા ભાજપના ઉમેદવારને પ્રચાર કર્યા વગર જ ત્યાંથી પસાર થઈ જવું પડ્યું હતું. ત્યારે શિહોર તાલુકાના સોનગઢ ગામે પણ ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ પ્રદર્શિત કર્યો હતો.ક્ષત્રિય સમાજ દ્વારા વેપારીઓને અપીલ કરતાં આજે વેપારીઓ દ્વારા પણ સ્વયંભૂ બંધ પળી ક્ષત્રિય સમાજની અસ્મિતાની લડાઈમાં સહકાર આપ્યો હતો.
શિહોર પંથકમાં ક્ષત્રિય સમાજનો વિરોધનો વાયરો શરૂ થયો
ગઈકાલે સોનગઢ ગામ રૂપાલાના વિરોધમાં સજ્જડ બંધ રહ્યું હતું. લોકસભાની ચૂંટણી માટે ગણતરીના દિવસો બાકી છે ત્યારે રાષ્ટ્રીય કક્ષાના ભાજપના નેતાઓ પ્રચાર કાર્યમાં નીકળવાના છે અને આગામી તારીખ 28મી એ સાંજે 7:00 કલાકે શિહોરમાં ક્રિકેટ છાપરી મેદાન ખાતે દેશના સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ જાહેર સભા સંબોધશે. રાજનાથસિંહની સભા પૂર્વે શિહોર પંથકમાં ક્ષત્રિય સમાજનો વિરોધનો વાયરો શરૂ થયો છે.
આ પણ વાંચોઃસુરતમાં ‘કુંભાણી વોન્ટેડ’ લખેલા પોસ્ટર લાગ્યા, AAPએ કહ્યું, BJPના વોશિંગ મશિનમાંથી બહાર આવશે