હાલ દેશમાં મોંઘવારીના કારણે સામાન્ય માણસના ખિસ્સા પર ભારણ વધી રહ્યું છે ત્યારે 18 જુલાઈથી કૃષિના સામાન અને ખાદ્યપદાર્થો પર 5 ટકા સુધીનો જીએસટી લાગવા જઈ રહ્યો છે. જેની સામે વેપારીઓનો વિરોધનો સૂર શરૂ થઈ રહ્યો છે. દેશભરની 7300 કૃષિ મંડીઓ તેમજ 13,000 કઠોળની મિલો, 9,600 ચોખાની મિલો, 8,000 ચોખાની મિલો. અને 30 લાખ નાની મિલો બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે.
દેશભરમાં બિનબ્રાન્ડેડ સામે વિરોધ
આ અંગે બોર્ડ ઓફ ટ્રેડ ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રીની એક્ઝિક્યુટિવ મીટિંગમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે લગભગ ત્રણ કરોડ રિટેલ ટ્રેડર્સ પણ બિઝનેસ બંધમાં ભાગ લેશે. જો કેન્દ્ર સરકાર GST પાછો નહીં ખેંચે તો આંદોલન ઉગ્ર કરવામાં આવશે. સંસ્થાના રાષ્ટ્રીય અધ્યક્ષ બાબુલાલ ગુપ્તાએ જણાવ્યું હતું કે બિનબ્રાન્ડેડ ખાદ્યપદાર્થોને GSTના દાયરામાં લાવવા એ GSTની મૂળ ભાવનાની વિરુદ્ધ છે.
અમદાવાદમાં ચોખા સહિતના વેપારીઓમાં રોષ
પેક્ડ ફૂડ પર 5 ટકા GSTના વિરોધમાં વેપારીઓ શનિવારે હોલસેલ બજારો બંધ રાખશે. જ્યારે રાજ્યની રાઇસ મિલો અચોકસ મુદત સુધી ચોખાનું વેચાણ બંધ કરશે. કાલુપુર વેપારી મહાજન શનિવારે વેપાર ધંધા બંધ રાખી GSTનો વિરોધ કરશે. હવે નૉન-બ્રાન્ડેડ ચોખા અને લોટ પર ટેક્સ લાગશે. જેથી બન્ને મોંઘા થઈ જશે. અત્યાર સુધી માત્ર બ્રાન્ડેડ ચોખા અને લોટ પર GST હતો. પરંતુ, રાજ્યોના રેવેન્યૂ વધારવા માટે નૉન-બ્રાન્ડેડ ચોખા અને લોટની સાથે અન્ય વસ્તુઓ GSTના દાયરામાં લાવવાનો નિર્ણય કરાયો છે. જેને લઇને રાજ્યના દાળ, કઠોળ અને અનાજના વેપારીઓ શનિવારે બંધ પાળીને વિરોધ કરશે.
અમદાવાદના કાલુપુર ચોખા બજાર, લાટ બજાર, દાણાપીઠ સહિતના બજારો એક દિવસ માટે બંધ પાળીને અનાજ, કઠોળ ઉપર લાદવામાં આવેલા 5 ટકા GSTનો વિરોધ કરશે. ઉપરાંત રાજ્યની કેટલીક એપીએમસીઓમાં પણ વેપારીઓ બંધ પાળીને વિરોધ પ્રદર્શન કરશે. 5 ટકા GST નાબૂદ કરવા માટે સરકારને વિવિધ એસોસિએશન અને સંગઠનો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ મહાસંઘે 12 જુલાઇએ અમદાવાદમાં સમગ્ર રાજ્યના વેપારીઓની એક બેઠક બોલાવી હતી. પરંતુ ભારે વરસાદના કારણએ આ મીટિંગ રદ કરવામાં આવી હતી.
આ પણ વાંચો : ખાદ્ય સામગ્રીઓને GST દાયરામાં આવવાથી દૂધ સહિતની વસ્તુઓ થઈ શકે છે મોંઘી
રાજકોટમાં કઠોળના વેપારીઓનો વિરોધ
રાજકોટમાં કઠોળમાં જીએસટી નાંખવામાં આવતાં વેપારીઓમાં રોષ છે. દાણાપીઠના વેપારીઓ દાણાપીઠ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્ર સરકારે કઠોળમાં 5 % GST લગાવ્યો છે ત્યારે વેપારીઓમાં આક્રોશની લાગણી છે. આજે સવારથી રાજકોટના રાણાપીઠના વેપારીઓ દ્વારા સ્વયંભૂ દુકાનો બંધ રાખવામાં આવી છે. વેપારીઓના કહેવા મુજબ કઠોળ જીવન જરૂરિયાત ખાદ્ય સામગ્રી છે તેમાં GST ન હોવું જોઇએ. રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ પણ દાણાપીઠના વેપારીઓ સાથે છે.
અગાઉ શું હતી વ્યવસ્થા
જો કે ખાસ વાત એ છેકે ભૂતપૂર્વ નાણામંત્રી અરુણ જેટલીએ કહ્યું હતું કે આવશ્યક અને ખાદ્ય ચીજવસ્તુઓ પર GST લાગશે નહીં. પરંતુ હાલમાં સરકાર દ્વારા તેના પર GST લાગુ કરવાનો નિર્ણય કર્યો છે અને તેનાથી મોંઘવારી વધુ વધશે. આ વિરોધ દેશભરના વિવિધ રાજ્યો જેમકે મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, છત્તીસગઢ, બિહાર, કર્ણાટક, તમિલનાડુ, કેરળ, ઝારખંડ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, ઓરિસ્સા, પશ્ચિમ બંગાળ અને દિલ્હી જેવા રાજ્યોના વેપારીઓએ ભાગ લીધો હતો.