અમદાવાદમાં વેપારીઓનો કોન્ટ્રાક્ટર પર આક્ષેપ: વધુ કમાવાની લાલચે કરવામાં આવે છે હેરાનગતિ
અમદાવાદ, 19 મે 2024, અમદાવાદના ઠક્કરબાપાનગર ઓવરબ્રિજની નીચે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પે એન્ડ પાર્કિંગ આપેલું છે. આ પે એન્ડ પાર્કિંગમાં બ્રિજની નીચે બનાવેલી નાની RCCની દિવાલને આજે કોન્ટ્રાક્ટર દ્વારા તોડવાની કામગીરી કરવામાં આવતા ન્યુ ઇન્ડિયા કોલોની વેપારી એસોસિએશન અને દુકાનદારો દ્વારા કોન્ટ્રાક્ટરની કામગીરીને અટકાવવામાં આવી હતી. વેપારીનો આક્ષેપ છે કે કોન્ટ્રાક્ટર દ્વારા ત્યાં વધારે ફોર વ્હીલર પાર્ક કરાવી અને તેની કમાણી વધારવાનો પ્રયાસ છે. બ્રિજ નીચે ફોર વ્હીલર મૂકવામાં આવે તો વેપારીઓના વાહનો ક્યાં પાર્ક થશે? જેથી બ્રિજ બન્યા ત્યાર બાદ જે પરિસ્થિતિમાં છે તે યથાવત રાખવાની માગ કરાઈ છે.
ડેપ્યુટી કમિશનર સાથે ચર્ચા કરી નિર્ણય લેવાશે
ઉત્તર ઝોનના ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર વિક્રમ કટારીયાએ વાતચીતમાં જણાવ્યું કે, પે એન્ડ પાર્કિંગના કોન્ટ્રાક્ટર દ્વારા નાની આરસીસીની દિવાલ તોડવાની કામગીરી કરવામાં આવી હતી. પાર્કિંગના કોન્ટ્રાક્ટરને વધારે ફોર વ્હીલર પાર્ક થાય તેના માટે આ દિવાલ તોડવાની કામગીરી શરૂ કરાઈ હતી. જોકે હાલમાં આ કામગીરી બંધ કરવા માટેની સૂચના આપી દેવામાં આવી છે અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સાથે આ બાબતે ચર્ચા કરી દિવાલ રાખવી કે તોડવી તે અંગે નિર્ણય લેવામાં આવશે. આ દિવાલ તોડવા અંગે કોઈ લેખિતમાં પરવાનગી છે કે કેમ તે માંગી હતી. જેથી કોન્ટ્રાક્ટરના માણસો દ્વારા કોઈ લેખિત પરવાનગી ન હોવાથી તેમને અમે આ દિવાલ તોડવાની ના પાડી હતી.
કોઈ લેખિતમાં પરવાનગી હોય તો જ તોડવા જણાવાયું
અધિકારીઓને સાથે રાખી કામગીરી કરવા કહ્યું વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, જો ગાડીઓ પાર્કિંગ કરવાની શરૂઆત કરશે તો ખૂબ સાંકડો રોડ હોવાના કારણે ગાડી બહાર નીકળવા સમયે અકસ્માતની પણ ખૂબ સંભાવનાઓ રહેલી છે. જેથી વર્ષોથી બ્રિજ બન્યા તે સમયે ભૂતપૂર્વ ધારાસભ્ય વલ્લભ કાકડીયા અને સ્થાનિક કોર્પોરેટરોએ કહ્યું હતું કે, આ જગ્યા પર પાર્કિંગમાં દુકાનદારો પોતાના વાહનો ત્યાં મૂકશે. આજે નાની દિવાલ તોડવાની કામગીરી કરતા પોલીસને પણ બોલાવવામાં આવી હતી. જેથી કોઈ લેખિતમાં પરવાનગી હોય તો જ તોડવા જણાવ્યું હતું. કોર્પોરેશનના અધિકારીઓને સાથે રાખી અને આ કામગીરી કરવા માટે કહ્યું હતું.
હવે કોન્ટ્રાક્ટર સામે શું પગલાં લેવાશે?
અગાઉ એક રિપોર્ટમાં જાણવા મળ્યું હતું કે, કોન્ટ્રાક્ટર સુમન એન્ટરપ્રાઇઝના માણસો દ્વારા પે એન્ડ પાર્કિંગમાં ટૂ-વ્હિલરનો ઓછામાં ઓછો ચાર્જ પાંચ રૂપિયા હોવા છતાં પણ દરેક પાસેથી રૂ.10નો ચાર્જ લેવામાં આવતો હતો. જ્યારે ફોર વ્હિલરનો રૂ.30 ચાર્જ લેવામાં આવે છે. લોકોની પાસેથી કોર્પોરેશનના નિયત કરેલા દર કરતાં વધારે ચાર્જ વસૂલ કરવામાં આવતો હતો. ત્યાર બાદ હવે કોન્ટ્રાક્ટર દ્વારા પોતાની મનમાની કરી અને વધારે કમાણી કરવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના તંત્રની જાણ બહાર કોર્પોરેશનની જ દિવાલને તોડવાની કામગીરી કરતા હવે કોન્ટ્રાક્ટર સામે શું પગલાં લેવાય છે તે હવે જોવાનું રહ્યું છે.
આ પણ વાંચો..ગુજરાત: ચાની લારી ચલાવતા વ્યક્તિને રૂ.49 કરોડની પેનલ્ટી ભરવા ITની નોટિસ, જાણો સમગ્ર મામલો