અમદાવાદગુજરાત

અમદાવાદના વેપારીને ભરોસો ભારે પડ્યો, કોરોનાકાળમાં ખરીદેલા 30 લાખના માસ્ક નકલી નીકળ્યા

અમદાવાદ, 1 ફેબ્રુઆરી 2024, શહેરમાં ઓનલાઈન છેતરપિંડીના અનેક બનાવો પ્રકાશમાં આવી રહ્યાં છે. તે ઉપરાંત પૈસાની લેતી દેતીમાં પણ ઠગો લોકોને છેતરી રહ્યાં છે. ત્યારે કોરોના કાળમાં શહેરના એક વેપારીને માસ્ક વેચીને 30 લાખની ઠગાઈ કરી હોવાનો કિસ્સો પોલીસ ચોપડે નોંધાયો છે. ઠગ વેપારીએ ફરિયાદીના ગ્રાહકને નકલી માસ્કનો જથ્થો મોકલીને 30 લાખ પડાવી લીધા હતાં અને ત્યાર બાદ માત્ર ચાર લાખ પાછા આપીને ફરિયાદીને જવાબ આપવાનું પણ બંધ કરી દીધું હતું. જેથી ફરિયાદીએ ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદએ એક લાખ માસ્કનો ઓર્ડર આપ્યો હતો
દિપક ગુપ્તા દવાઓ તેમજ પેરા મેડીકલ વસ્તુઓનો હોલસેલને લગતો વેપાર ધંધો કરે છે. કોરોનાકાળમાં તેમના મહારાષ્ટ્રના ગ્રાહક પરમ એસોસીયેટ્સે તેમને મોટા પ્રમાણમાં N95 માસ્કનો ઓર્ડર આપ્યો હતો. ઓર્ડર મુજબ માસ્કની જરૂરીયાત હોવાથી દિપક ગુપ્તાએ એ.જે.એસોસીયેટ્સ તથા એલો ઇન્ડીયાના પાર્ટનર અજીતભાઇ નોટવાણીને અરજન્ટમાં N95ના એક લાખ માસ્કની જરૂર છે એવું જણાવ્યું હતું. જેથી તેમણે ફરિયાદી દિપક ગુપ્તાને N95ના એક માસ્કની 89 રૂપિયા કિંમત નક્કી કરી હતી અને અજીત નોટવાણીએ અરજન્ટમાં માસ્કનો માલ મોકલી આપવા અંગે વિશ્વાસ આપતા ફરિયાદએ એક લાખ માસ્કનો ઓર્ડર આપ્યો હતો.

વેપારીએ ડુપ્લીકેટ માસ્કનો જથ્થો મોકલ્યો
ત્યાર બાદ સાત હજાર માસ્કના નંગનુ ઇનવોઇસ મોકલી આપેલું અને ફરિયાદીને જણાવ્યું હતું કે, હું તમને વીસ-વીસ હજારના માસ્કના પાંચ લોટ આપીશ અને તમારે દરેક લોટ પહેલા 50 ટકા પેમેન્ટ આપવું પડશે. જેથી ફરિયાદીએ ટુકડે ટુકડે 30 લાખ રૂપિયા અજીતભાઇ નોટવાણીના એકઉન્ટમાં ટ્રાન્સફર કરી દીધા હતાં અને માસ્કનો જથ્થો મુંબઈ મોકલવા જણાવ્યું હતું. ત્યારબાદ અજીતભાઈ નોટવાણીએ ફોન કરી જણાવેલ કે બે ડોકેટ પૈકી એક ડોકેટમાં 125 બોક્ષ અને દરેક બોક્ષમાં 160 મુજબ કુલ 40 હજાર નંગ માસ્ક છે.

40 હજારની જગ્યાએ 5920 નંગ માસ્ક મળ્યા
ત્યાર બાદ મુંબઈથી ફરિયાદીને તેમના ગ્રાહકનો ફોન આવ્યો હતો કે, 40 હજારની જગ્યાએ 5920 નંગ માસ્ક મળ્યા છે. આ તમામ માસ્ક બનાવટી અને હલકી ગુણવત્તાના છે. ત્યાર બાદ તેમણે માસ્કનો તમામ માલ પરત મોકલી આપ્યો હતો. ત્યાર બાદ ફરિયાદીને માસ્ક વેચનાર વેપારીએ કહ્યું હતું કે, બે ત્રણ દિવસમાં ઓરિજિનલ માસ્ક મોકલી આપીશ અને નહીં મેળ પડે તો પેમેન્ટ પરત આપી દઈશ. આ વેપારીએ ફરીયાદીને માત્ર ચારેક લાખ રૂપિયા આપીને બાકીના રૂપિયા આપવામાં આના કાની કરતાં ફરિયાદીએ પોલીસ ફરિયાદ કરી હતી. પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચોઃજૂનાગઢ તોડકાંડ મદ્દે ગુજરાત ATSના PI તરલ ભટ્ટના ઘરે દરોડા, પરિવારની પુછપરછ

Back to top button