- કૌટુંબીક સ્ત્રી મીત્ર સાથે ગોકુલ હોટલ જમવા ગયાને ઘટના બની
- આરોપી ન પકડાતા જિલ્લાભરના તબીબોમાં રોષની લાગણી
- વેપારીને બદનામ કરવાની ધમકી આપી રૂ. 3 લાખ પડાવ્યા
સુરેન્દ્રનગરની સી.યુ.શાહ મેડીકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં થોડા દિવસો પહેલા રાતના સમયે ચાર શખ્સોએ ડોકટરને માર મારવાનો બનાવ બન્યો હતો. ત્યારે આ કેસના મુખ્ય આરોપીનું વધુ એક કૃત્ય સામે આવ્યુ છે. જેમાં ગત એપ્રીલ માસમાં અમુલ પાર્લરના વેપારીને બદનામ કરવાની ધમકી આપી 2 શખ્સોએ રૂપિયા 3 લાખ પડાવી લીધા હતા. આ બનાવની બી ડીવીઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ છે. જોકે, હોસ્પિટલ કેસમાં પણ આ આરોપી હજુ ફરાર છે અને પોલીસ પકડથી દુર છે.
આ પણ વાંચો: BJPએ લોકસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ, આ રાષ્ટ્રીય નેતાઓને સોંપાઇ ગુજરાતની જવાબદારી
કૌટુંબીક સ્ત્રી મીત્ર સાથે ગોકુલ હોટલ જમવા ગયા
સુરેન્દ્રનગરની સંજીવની સોસાયટીમાં રહેતા 31 વર્ષીય દર્શન વિનોદભાઈ સોલંકી ઉપાસના સર્કલ પાસે અમુલ પાર્લર ચલાવે છે. તા.3 એપ્રીલના રોજ તેઓ તેમના કૌટુંબીક સ્ત્રી મીત્ર સાથે ગોકુલ હોટલ જમવા ગયા હતા. જયાંથી કારમાં આવી ઘર પાસે ઉભા હતા. અને વાતો કરતા હતા. ત્યારે કાળા કલરની ફોર્ચ્યુનર કારમાં કેવલ રબારી અને કાના ગમારા આવ્યા હતા. અને દર્શનભાઈને આ લેડીઝ કોણ છે તેમ પુછી 2-3 લાફા ઝીંકી દીધા હતા.
આ પણ વાંચો: અમદાવાદ: મારૂતિનંદન હોટલના કર્મચારીઓની દાદાગીરી સામે આવી
રૂપિયા 10 લાખની માંગણી કરી બદનામ કરી દેવાની ધમકી આપી
ત્યારબાદ તેઓની કારમાં બેસાડી દર્શનભાઈને આગળ લઈ જઈ રૂપિયા 10 લાખની માંગણી કરી બદનામ કરી દેવાની ધમકી આપી હતી. અને જો પૈસા ન આપે તો જાનથી મારી નાખવાની, રાતના 2 કલાકે આવી ઘરના કાચ તોડી નાંખવાની અને છરી બતાવી આંતરડા બહાર કાઢી નાંખવાની ધમકી આપી હતી. જેમાં દર્શનભાઈએ આટલા બધા રૂપિયા ન હોવાનું કહેતા અંતે 5 લાખની માંગણી થઈ હતી. અને ત્યારબાદ ઉછીના-પાછીના કરી રૂપિયા 3 લાખ દર્શનભાઈએ આ બન્નેને આપ્યા હતા. આ બન્ને શખ્સો માથાભારે હોઈ દર્શનભાઈએ પોલીસ ફરીયાદ કરવાનું ટાળ્યુ હતુ. પરંતુ તાજેતરમાં હોસ્પિટલમાં મારામારીના કેસમાં કેવલ રબારી સામે ફરીયાદ નોંધાતા તેઓને હિંમત મળતા તેઓએ બી ડીવીઝન પોલીસ મથકે કેવલ રબારી અને કાના ગમારા સામે ફરીયાદ નોંધાવી છે. બનાવની વધુ તપાસ પીએસઆઈ એમ.બી.વીરજા ચલાવી રહ્યા છે.
આરોપી ન પકડાતા જિલ્લાભરના તબીબોમાં રોષની લાગણી
સુરેન્દ્રનગરની સી.યુ.શાહ હોસ્પીટલમાં તા. 25ના રોજ રાત્રે 2 કલાકે કેવલ રબારી સહીતના ચાર શખ્સોએ ઈમરજન્સી વિભાગમાં ફરજ પરના ડોકટરને માર મારી હોસ્પિટલના સાધનોની તોડફોડ કરી હતી. આ ફરીયાદ નોંધાયાના 5 દિવસ થવા છતાં કેવલ રબારી ફરાર છે અને પોલીસ પકડથી દુર છે. ત્યારે તેની સામે વધુ એક ફરીયાદ નોંધાઈ છે. બીજી તરફ 5 દિવસ થવા છતાં આરોપી ન પકડાતા જિલ્લાભરના તબીબોમાં રોષની લાગણી ફેલાઈ છે.