ભારત સાથેના વ્યાપાર અંગેના કરાર શક્ય તેટલા ઝડપી પૂર્ણ કરાશે : પીએમ ઋષિ સુનક
બ્રિટિશ વડા પ્રધાન ઋષિ સુનકે કહ્યું છે કે તેમની સરકાર ભારત સાથે ચાલી રહેલી ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) વાટાઘાટોને શક્ય તેટલી ઝડપથી સફળ નિષ્કર્ષ તરફ કામ કરવા માટે કટિબદ્ધ છે. આ સંબંધમાં બંને દેશો વચ્ચે મોટાભાગની વાતચીત ગયા મહિનાના અંતમાં જ પૂર્ણ થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે, ગુરુવારે ઈન્ડોનેશિયામાં આયોજિત જી-સમિટની બેઠકના સંદર્ભમાં આયોજિત હાઉસ ઓફ કોમન્સના સત્ર દરમિયાન બ્રિટિશ પીએમે જણાવ્યું હતું કે પદ સંભાળ્યા બાદ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની પ્રથમ બેઠકમાં તેમણે વાટાઘાટો કરી હતી. ભારત સાથે મુક્ત વ્યાપાર કરાર અને પ્રગતિ અંગે ચર્ચા કરવામાં આવી છે.
સાંસદોના પ્રશ્નોના જવાબમાં સુનકે આપ્યો જવાબ
મહત્વનું છે કે, જી-20 સમિટ દરમિયાન ઇન્ડોનેશિયાના બાલીમાં 10 ડાઉનિંગ સ્ટ્રીટમાં ચાર્જ સંભાળ્યા બાદ ઋષિ સુનકે પ્રથમ વખત ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. સત્ર દરમિયાન, વિપક્ષી લેબર પાર્ટીના નેતા કીર સ્ટારમર અને સુનકની પોતાની કન્ઝર્વેટિવ પાર્ટીના સાંસદોએ તેમને ભારત સાથેના વેપાર સોદાની સમયરેખા અંગે પ્રશ્ન કર્યો હતો. સવાલોના જવાબ આપતા સુનકે કહ્યું, ‘મેં ભારત સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પર પીએમ મોદી સાથે ચર્ચા કરી હતી. અમે બંને આ કરારને વહેલી તકે અંતિમ સ્વરૂપ આપવા માટે કામ કરી રહ્યા છીએ. બંને દેશોની ટીમો વાટાઘાટોને સફળ નિષ્કર્ષ પર લાવવા માટે કામ કરી રહી છે.