કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝ

રાજકોટ અગ્નિકાંડમાં TPO મનસુખ સાગઠિયા અને ATPO મુકેશ મકવાણાને ફરજ મોકૂફ કરાયા

રાજકોટ, 03 જૂન 2024,  શહેરમાં TRP ગેમ ઝોનમાં લાગેલી આગમાં 27 લોકોના મૃત્યુ થયા હતા. જેમાં રાજકોટ મનપાના અધિકારીઓની ઘોર બેદરકારી સામે આવતા પોલીસ દ્વારા મનપાના ચાર અધિકારીઓની ધરપકડ કરવામાં આવી છે. જેને લઈ મનપા કમિશનર દ્વારા તત્કાલીન ટીપીઓ મનસુખ સાગઠિયા અને એટીપીઓ મુકેશ મકવાણાને ફરજ મોકૂફ કર્યા છે. જ્યારે અન્ય બે આરોપી ગૌતમ જોશી અને રોહિત વિગોરાને એક સપ્તાહ પૂર્વે રાજ્ય સરકારના સીધા આદેશથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. સાગઠિયા પાસે કરોડો રૂપિયાની સંપત્તિ છે જ્યારે તેનો પગાર તો 75 હજાર હોવાનું પ્રકાશમાં આવ્યુ છે.

બે અધિકારીઓને મહાનગર પાલિકાએ ફરજ મોકૂફ કર્યા
પ્રાપ્ત વિગતો પ્રમાણે રાજકોટ ગેમઝોનમાં આગની ઘટના બાદ બાદ સરકારના આદેશથી 7 જેટલા અધિકારીઓને સરકારે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ગતરાત્રે તત્કાલીન ટીપીઓ મનસુખ સાગઠિયા અને એટીપીઓ મુકેશ મકવાણાને મહાપાલિકાએ ફરજ મોકૂફીનો આદેશ કર્યા છે. મનસુખ સાગઠિયા છેલ્લા એક દાયકાથી ટાઉન પ્લાનિંગ શાખામાં કામ કરતા હતા. તેમના કાર્યકાળ દરમિયાન ગેમ ઝોનની દુર્ઘટના થતા 28 મેના રોજ એમની અટકાયત કરવામાં આવી હતી. મનપાની ચાલુ બેઠકમાંથી ક્રાઈમ બ્રાંચના અધિકારીઓ તેમને ઉઠાવી ગયા હતા અને પૂછપરછ હાથ ધરી હતી. કોઈ પણ અધિકારીના પોલીસ કસ્ટડીમાં 48 કલાક થાય એટલે તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવતા હોય છે. સાગઠિયા અને અગાઉ ટી.પી. શાખામાં કામ કરી વોર્ડ નં.10નો હવાલો સંભાળી ચૂકેલા અને હાલ અન્યત્ર કામગીરી કરતા મુકેશ મકવાણાની પણ અટકાયત થયાના 48 કલાક બાદ પોલીસે મનપાને બંનેને કસ્ટડીમાં લઈ રિમાન્ડ ઉપર લઈ પૂછપરછ કરવામાં આવી રહી છે તેવો પત્ર પાઠવ્યો હતો. આ પત્રને આધારે મહાપાલિકા દ્વારા બંને સામે કાર્યવાહી ધરવામાં આવી હતી.

TPO એમ.ડી.સાગઠિયાના ભાઈની ઓફિસ સીલ કરી દેવાઈ
આગની ઘટના બાદ સમગ્ર ગુજરાતમાં ફાયર એનએસીને લઈને કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. બીજી બાજુ મહાનગર પાલિકાના અધિકારીઓની સંપત્તિ સામે પણ સરકાર એક્શનમાં આવી છે. રાજકોટ મ્યુનિસિપાલિટીના તત્કાલિન TPO એમ.ડી.સાગઠિયાના ભાઈની ઓફિસ ક્રાઈમ બ્રાંચ દ્વારા સીલ કરી દેવાઈ છે. અગાઉ મહાનગર પાલિકાએ ઓફિસ સીલ કરતાં આ સીલ તોડી નાંખવામાં આવ્યું હતું. તપાસ કરતી સીટના તપાસનીશ અધિકારી બી.બી. બસિયા સહિતની ટીમ રવિવારે ટ્વિન ટાવર ધસી ગઈ હતી અને સાગઠિયાને સાથે રાખી આ ઓફિસમાં તપાસ કર્યા બાદ ઓફિસને સીલ મારી દેવામાં આવ્યા છે. આ ઓફિસની અંદર એક ભારેખમ તિજોરી છે તે તિજોરીમાં કેટલાક દસ્તાવેજો અને કેટલુંક સાહિત્ય પડ્યું હોય તેવી પણ ચર્ચા છે. ત્યારે ક્રાઈમ બ્રાન્ચે આ તિજોરી બાબતે હજુ સુધી કોઇ સ્પષ્ટતા કરી નથી.

આ પણ વાંચોઃરાજકોટ અગ્નિકાંડઃકેબિનેટ મંત્રી ભાનુબેન રડી પડ્યાં, મારુ નામ ખૂલશે તો જાહેર જીવન છોડી દઈશ

Back to top button