રાજકોટ : ભાજપ પ્રમુખે સવારે જાહેર કરેલી વોર્ડ પ્રમુખ અને મહામંત્રીની યાદી બપોરે સ્થગિત કરી દેવાઈ


રાજકોટ શહેર ભાજપ પ્રમુખ દ્વારા આજે શુક્રવારે સવારે શહેરના મહાનગરપાલિકાના તમામ વોર્ડના વોર્ડ પ્રમુખ તથા જુદા જુદા મોરચાના મહામંત્રીના નામોની યાદી જાહેર કરી હતી. આ યાદી જાહેર થતાની સાથે જ ભાજપમાં ભડકો થયો હતો અને ગણતરીના કલાકોમાં જ પ્રદેશ ભાજપ દ્વારા યાદીને સ્થગિત કરી દેવામાં આવી હતી. જેના કારણે શહેરના રાજકારણમાં ગરમાવો આવ્યો હતો અને ભાજપમાં આંતરિક કલેશ હોવાની ચર્ચા વહેતી થઈ હતી.
નવા શહેર પ્રમુખે હોદેદારો નીમ્યા હતા
ઉલ્લેખનીય છે કે, પ્રદેશ ભાજપ દ્વારા તાજેતરમાં જુદા જુદા શહેરોના પ્રમુખોની ટર્મ પૂર્ણ થતાં લોકસભાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખી નવા શહેર પ્રમુખની નિમણુંક કરી હતી. જેમાં રાજકોટ શહેર ભાજપ પ્રમુખ તરીકે મુકેશ દોશીની વરણી થઈ હતી. તેઓ સ્વચ્છ છબી ધરાવતા અને નિર્વિવાદીત તેમજ સામાજિક ક્ષેત્રે અનેક કર્યો સાથે જોડાયેલા હોય સૌ કોઈએ તેમની નિમણુંક આવકારી હતી. દરમિયાન તેમણે પદભાર સંભાળ્યા બાદ પોતાની ટીમની નવેસરથી રચના કરી હતી અને આગળનું કાર્ય આરંભ્યું હતું.
તમામ વોર્ડમાં પ્રમુખ – મહામંત્રીની જાહેરાત
ત્યારબાદ આજે પ્રમુખ મુકશેભાઈએ શહેરના તમામ વોર્ડના પ્રમુખ અને મોરચાના મહામંત્રીના નામો જાહેર કર્યા હતા. આ યાદી સવારે 11 કલાકે મીડિયા સમક્ષ રજુ કરવામાં આવી હતી જે બાદ તુરંત જ ભાજપમાં ભડકો થયો હતો અને કેટલાક અસંતુષ્ટ કાર્યકરોએ આ અંગે પ્રદેશ સુધી રજૂઆત કરતા ઉપરથી યાદી સ્થગિત કરવાની સૂચના આપતા ગણતરીની કલાકોમાં જ યાદી હાલ પૂરતી ફ્રીઝ કરવાની જાહેરાત કરવામાં આવી હતી.