પાલનપુરમાં કોલેરાથી કુલ ચાર લોકોના મૃત્યુ, સાંસદ ગેનીબેન ઠાકોરે કલેક્ટર સાથે બેઠક યોજી
બનાસકાંઠા, 12 જૂન 2024, પાલનપુરમાં કોલેરાનો રોગચાળો વકર્યો છે. છેલ્લા બે સપ્તાહથી વિસ્તારમાં આરોગ્ય સહિતની સ્થાનિક ટીમો દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સફાઈ અને ગંદકી સહિતની ફરિયાદો મુદ્દે સ્થાનિકોએ પાલિકા સહિત સ્થાનિક તંત્ર પર આક્ષેપો કર્યાં છે. પાલનપુરમાં 300થી વધારે દર્દીઓ કોલેરા ગ્રસ્ત હોવાનું સામે આવ્યું છે. આરોગ્ય વિભાગની 25 સહિત 35 જેટલી ટીમો સ્થાનિક રોગચાળા વિસ્તારોમાં કામે લાગી છે.કોલેરાને લઈ મંગળવારે રાત્રે પણ એક મહિલાનું મૃત્યુ નિપજ્યું છે. અત્યાર સુધીમાં કોલેરાને લઈ ચાર લોકોના મૃત્યુ નિપજ્યા હોવાની વિગતો મળી છે. ત્યારે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર એક્શનમાં આવ્યાં છે અને કલેક્ટર કચેરીએ જઈને કલેક્ટર સાથે કોલેરા મુદ્દે બેઠક યોજી હતી.
કોલેરાગ્રસ્ત વિસ્તારોમાં નક્કર કાર્યવાહીની માંગ
પાલનપુરમાં કોલેરાનો રોગચાળો વકરવાને લઈ બનાસકાંઠાના સાંસદ સભ્ય ગેનીબેન ઠાકોર એક્શનમાં આવ્યા છે. તેઓએ પાલનપુરમાં જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એક બેઠક યોજી હતી. કોલેરાગ્રસ્ત વિસ્તારોમાં નક્કર કાર્યવાહીની માંગ સાથે મદદની રજૂઆત કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું. જ્યાં અધિકારીઓને મદદ માટે રજૂઆતો કરી હતી. પીવાના શુદ્ધ પાણીથી લઈને યોગ્ય કાર્યવાહી કરવા જણાવ્યું હતુ. લોકસભાની ચૂંટણીને લઈ સાંસદ ગેનીબેને કહ્યું હતુ કે, મતદારો જ મહાન છે. ગમે એટલા સંશાધનો હોય કે ગમે એટલી મશીનગરીનો દુરઉપયોગ કરવામાં આવે પરંતુ મતદારો જ મહાન હોય છે. આગામી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં પણ કોંગ્રેસ મેદાન મારશે એવો દાવો કર્યો હતો.
પાલનપુર શહેરના વોર્ડ નંબર 6 વિસ્તારને કોલેરા ગ્રસ્ત જાહેર કરાયો
પાલનપુર શહેરના વોર્ડ નંબર 6 વિસ્તારને કોલેરા ગ્રસ્ત જાહેર કરાયો છે. આ મામલે છેલ્લા 8 દિવસોમાં આરોગ્ય વિભાગની 50 જેટલી ટીમો દ્વારા 1200 જેટલા ઘરનો સર્વે હાથ ધરવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગ ટીમ દ્વારા દરેક ઘરને પીવાના પાણી ક્લોરિન વાળું આપવા પાલિકાને સૂચના આપવામાં આવેલી છે.આ ઉપરાંત વોર્ડ નંબર 6 એરિયામાં આવતા ખાણીપીણીની લારીઓ, શેરડી કોલાના ધંધાઓ બંધ કરવામાં આવ્યા છે. અત્યાર સુધી કુલ બે કોલેરા પોઝિટિવ કેસો સામે આવ્યા છે. નગરપાલિકા વિરોધ પક્ષના કોર્પોરેટરો દ્વારા કોલેરા ગ્રસ્ત વિસ્તારમાં ખૂટતી સુવિધા પૂરી પાડવા જિલ્લા કલેકટરને રજૂઆત કરવામાં આવી છે.
આ પણ વાંચોઃપાલનપુર-અમદાવાદ હાઈવે પર ત્રિપલ અકસ્માત, કારમાં સવાર ત્રણનાં મૃત્યુ