ઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાત

અમરેલી-નવસારીમાં ધોધમાર વરસાદ; રાજ્યના 68 તાલુકાઓમાં મેઘમહેર

અમદાવાદ: રાજ્યમાં ચોમાસાના આગમન સાથે જ સારો એવો વરસાદ વરસી રહ્યો છે. આજે એટલે 12 જૂલાઇએ સવારથી સાંજ સુધીમાં રાજ્યભરમાં 68 તાલુકાઓમાં મેઘ મહેર થઈ હતી. આ દરમિયાન 20 તાલુકામાં 1 ઈંચ કે 1 ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. તો કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પણ પડ્યો છે. નવસારીના ચીખલી તાલુકામાં કડાકા ભડાકા સાથે થોડા જ કલાકોમાં સાડા ચાર ઈંચ વરસાદ ખાબક્યો છે. અમરેલી શહેરમાં સાંજના સમયે માત્ર બે કલાકમાં ત્રણ ઈંચ વરસાદ ખાબક્તા રસ્તાઓ બેટમાં ફેરવાઇ ગયા હતા. રાજ્યમાં 16 જુલાઈ બાદ વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થવાની હવામાન વિભાગે આગાહી કરી છે.

અમરેલી શહેરમાં 4 વાગ્યે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. સાંજના ચારથી છ વાગ્યા સુધીમાં શહેરમાં ધોધમાર ત્રણ ઈંચ વરસાદ વરસતા શહેરના રાજકમલ ચોક, ફોરવર્ડ સર્કલ, સેન્ટ્રલ પોઈન્ટ સહિતના વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઇ ગયા હતા. તો નવસારી જિલ્લામાં અને ઉપરવાસમાં વરસી રહેલા વરસાદના કારણે જિલ્લાની જીવાદોરી સમાન જૂજ અને કેલ્યા ડેમમાં પાણીની આવક થઈ છે.

નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં આવેલો કેલિયા ડેમ 65 ટકા જેટલો ભરાઈ ગયો છે. જણાવી દઇએ કે, કેલિયા ડેમમાંથી ચીખલી અને વાંસદા તાલુકાના કુલ 17 થી વધુ ગામોને પીવા માટે અને સિંચાઈ માટે પાણી પૂરું પાડવામાં આવે છે. તેવામા ડેમમાં પાણીની શરૂ થતાં સામાન્ય લોકો સહિત ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.

હવામાન વિભાગની શું છે આગાહી

રાજ્યમાં આગામી 4થી 5 દિવસ છૂટા છવાયા વરસાદની હવામાન વિભાગે આગાહી કરેલી છે. સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગમાં ભારે વરસાદ, સૌરાષ્ટ્ર- કચ્છમાં પણ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવેલી છે.

અમરેલી, ભાવનગર, બોટાદ, રાજકોટમાં સામાન્ય વરસાદની આગાહી કરી છે. આગામી તારીખ 16 જુલાઈ બાદ રાજ્યમાં મેઘરાજાનો વધુ એક ધમાકેદાર રાઉન્ડ શરૂ થવાની આગાહી કરવામાં આવી છે. આ સમય દરમિયાન વરસાદી ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાની શક્યતાઓ દેખાઇ રહી છે, જે રાજ્યમાં ધોધમાર વરસાદ લાવી શકે છે.

હવામાન વિભાગે 16,17,18 અને 19 જુલાઈ એ ભારે વરસાદની આગાહી કરી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ 16 જુલાઈ પછી સારો વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. ચોમાસાના પ્રથમ રાઉન્ડમાં જ સમગ્ર ગુજરાતમાં સિઝનનો 60 ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે. જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં સિઝનનો 86 ટકા વરસાદ નોંધાયો છે.

આ પણ વાંચો-રાજકોટના સગીરે બસમાં જ સગીરા સાથે શરીર સંબંધ બાંધ્યો, જાણો શું છે સમગ્ર ઘટના

Back to top button