ઉત્તર ગુજરાત

ડીસામાં ધોધમાર વરસાદ, માર્ગો ઉપર પાણી રેલાયા

Text To Speech

પાલનપુર: છેલ્લા એક અઠવાડિયાથી બનાસકાંઠા જિલ્લામાં ભારે ગરમી પડી રહી હતી. લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ગયા હતા. ત્યારે બે દિવસથી વરસાદ શરૂ થયો છે. જેમાં સોમવારે બપોરે આકાશ કાળા ડિબાંગ વાદળોથી ગોરંભાયું હતું. અને બપોરે 3:30 વાગ્યાની આસપાસ ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો હતો. જેને પગલે માર્ગો ઉપર પાણી રેલાયા હતા. જ્યારે લોકોએ વરસાદને લઈ ને ઠંડકનો અહેસાસ કર્યો હતો. જોકે વરસાદ પડવા છતાં બફારા વચ્ચે વચ્ચે વરસાદી ઝાપટા પણ પડી રહ્યા છે.

ત્યારે હવામાન વિભાગે બનાસકાંઠા જિલ્લામાં સોમવારે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. એ જ રીતે મહેસાણા, સાબરકાંઠા અને ગાંધીનગર જિલ્લામાં પણ ભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. અત્યારે નોંધનીય છે કે, રવિવારે મોડી સાંજે વીજળીના કડાકા -ભડાકા વચ્ચે દાંતા નજીક પડેલી વીજળીમાં એક પશુપાલક અને ૫૦ જેટલા ઘેટાઓ મોતને ઘેટ્યા હતા. છેલ્લા 24 કલાકમાં જોઈએ તો સૌથી વધુ વરસાદ પાલનપુરમાં 39 મિ.મિ., લાખણીમાં 31 મિમિ, ધાનેરામાં 27 મિ.મિ., ડીસામાં 26 મિ.મિ. દિયોદરમાં 25 મિ.મી. અને બાકીના અમીરગઢ, કાંકરેજ, દાંતા, દાંતીવાડા, ભાભર,વડગામ, વાવ અને સુઈગામ તાલુકામાં બે થી 11 મિ.મિ. જેટલો વરસાદ નોંધાયો છે.

દાંતીવાડા ડેમના બે ગેટ ખોલાયા

બનાસકાંઠાજિલ્લામાં દાંતીવાડા તાલુકામાં આવેલો દાંતીવાડા ડેમ અત્યારે છલોછલ છે. રાજસ્થાનના ઉપરવાસમાં પડેલા વરસાદના પગલે દાંતીવાડા ડેમમાં ૪૭૮૦ ક્યુસેક જેટલા પાણીની આવક થઈ રહી છે. તેની સામે તેટલું જ પાણી બે ગેટ ખોલીને બનાસ નદીમાં છોડવામાં આવી રહ્યું છે. દાંતીવાડા ડેમમાં હાલમાં પાણીનો જથ્થો ૯૪.૧૪ ટકા સંગ્રહ થયો છે.

આ પણ વાંચો: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના કાર્યકાળને પ્રથમ વર્ષ પૂર્ણ થવા પર ત્રણ દિવસ આ રીતે થશે ઉજવણી

Back to top button