બનાસકાંઠામાં ધોધમાર વરસાદ, ડીસામાં ચાર કલાકમાં પોણા ત્રણ ઇંચ ખાબક્યો
પાલનપુર, 05 સપ્ટેમ્બર 2024, હવામાન વિભાગની આગાહીના પગલે બનાસકાંઠા જિલ્લાના ડીસા અને પાલનપુર સહિતના મોટાભાગના વિસ્તારોમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે. ભારે વરસાદના પગલે અનેક વિસ્તારો પાણીથી જળબંબોળ થઈ ગયા છે. જેમાં ડીસા તાલુકાના ચંદાજી ગોળીયામાં એક ખેડૂતના ઘરમાં વરસાદી પાણી ઘૂસી ગયા હતા. ખેડૂત પરિવાર ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયો હતો.
લોકોની સમસ્યામાં મદદરૂપ થવા કોઈ નેતા પહોંચ્યા નથી
ડીસામાં સવારે સાડા સાત વાગ્યાથી ચાર કલાક સુધીમાં પોણા ત્રણ ઇંચ જેટલો વરસાદ થયો છે. આકાશમાં ભારે વાદળો ગોરંભાયેલા છે. હળવા થી ભારે વરસાદી ઝાપટા હજુ વરસી રહ્યા છે. વરસાદના કારણે જનજીવન પણ પ્રભાવિત થયું છે. બજારોમાં પણ સુસ્તી જોવા મળી રહી છે. કેટલાક વેપારીઓએ વરસાદી વાતાવરણને લઈને પોતાની દુકાનો પણ ખોલી ન હતી. ખેડૂતના ઘરમાં પાણી ભરાતા ખેડૂત પરિવારના ઘરનો ચૂલો પણ સળગ્યો ન હતો. જેથી ગામ લોકોએ આ પરિવારના સભ્યોને માટે ભોજનની વ્યવસ્થા કરી હતી. જોકે વરસાદી પાણીથી મુશ્કેલીમાં મુકાયેલા આ વિસ્તારના લોકોની સમસ્યામાં મદદરૂપ થવા માટે કોઈ રાજનેતા પહોંચ્યા નથી, જેને લઇને લોકોમાં ભારે રોષ ની લાગણી જોવા મળી રહી છે.
પાલનપુર શહેરમાં 2 કલાકમાં પોણા બે ઇંચ વરસાદ
પાલનપુરમાં વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો હતો જેમાં આ વિસ્તારમાં સૌથી વધુ દાંતીવાડામાં ચાર કલાકમાં 56 એમએમ એટલે કે બે ઇંચ થી વધુ વરસાદ ખાબક્યો હતો જ્યારે પાલનપુર માં 44 એમએમ એટલે કે પોણા બે ઇંચ જેટલો વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા, જિલ્લાના 14 તાલુકાઓ પૈકી 11 તાલુકાઓમાં વરસાદ થયો હતો તેમજ અમીરગઢ, ભાભર અને સુઈગામ કોરા ધાકોર જોવા મળ્યા હતા.જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
બનાસકાંઠાના દાંતીવાડા ડેમ સહિત ત્રણ ડેમોની સ્થિતિ
* દાંતીવાડા ડેમની સપાટી 577.17 ફૂટ આવક: 6465 ક્યુસેક જાવક: નીલ ડેમની ભયજનક સપાટી 604 ફૂટ
* સીપુ ડેમની સપાટી 580.61 આવક: 268 અને જાવક: નીલ ડેમની ભયજનક સપાટી 611 ફૂટ
* મુક્તેશ્વર ડેમની સપાટી 645.18 ફૂટ આવક: 131 ક્યુસેક અને જાવક: નીલ ડેમની ભયજનક સપાટી 661.58 ફૂટ