- મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતમાં યોજાશે કાર્યક્રમ
- ગાંધીનગર ખાતે મહાત્મા મંદિરમાં અપાશે નિમણુંક પત્ર
- 4000 ઉમેદવારોની કરાઈ પસંદગી
ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે આવતીકાલે તલાટી કમ મંત્રી અને જુનિયર કલાર્કમાં પસંદગી પામેલા ઉમેદવારોને નિમણુંક પત્રો આપવામાં આવનાર છે. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કુલ 4000 ઉમેદવારો ઉપસ્થિત રહેવાના છે. ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારે અગાઉ યોજેલી પરીક્ષામાં પાસ થઈને કુલ 3014 તલાટી કમ મંત્રી અને 998 જુનિયર ક્લાર્કની પસંદગી થઈ છે.
અગાઉ એપ્રિલ-મે મહિનામાં યોજાઈ હતી પરીક્ષા
ઉલ્લેખનીય છે કે, અગાઉ 9મી એપ્રિલે જુનિયર ક્લાર્કની પરીક્ષા લેવામાં આવી હતી. જ્યારે તલાટીની પરીક્ષા ગત 7મી મેના રોજ પરીક્ષા લેવામાં આવી હતી. જેનું ઝડપથી રાજ્ય સરકારના પંચાયત સેવા પસંદગી બોર્ડે આ અંગે પરિણામ જાહેર કરવામાં આવ્યુ હતું. જેને લઈ પરીક્ષા આપનારા લાખો ઉમેદવારોમાં ખુશી જોવા મળી હતી.
ઝડપી પરિણામ માટે સ્ટાફની જહેમત
પરિણામ ખૂબ જ ઝડપથી આવવાને લઈ લાખો ઉમેદવારોને બોર્ડની કાર્યપધ્ધતીથી આનંદ થયો હતો. સામાન્ય રીતે લાંબો સમય સુધી આતુરતા પૂર્વક ઉમેદવારો રાહ જોઈ રહ્યા હોય છે. આમ ઝડપી પરિણામ સામે આવવાને લઈ ઉમેદવારોને માટે મોટી રાહત સર્જાઈ હતી. ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડના ચેરમેન હસમુખ પટેલે આ માટેનો શ્રેય સ્ટાફને આપ્યો હતો. તેઓએ સ્ટાફ દ્વારા કરવામાં આવેલી મહેનતના ફળ સ્વરુપ ઝડપી પરિણામ શક્ય બન્યુ હોવાનુ કહ્યુ હતુ.