કાલે પીએમ મોદીનો જન્મદિવસ, રાજ્યભરમાં સેવાકીય કાર્યોની વણઝાર
આવતીકાલે વિશ્વના સૌથી સફળ નેતા અને ભારત યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે. જેની ઉજવણી આખો દેશ અલગ અલગ રીતે કરવાનો છે. ત્યારે ગુજરાતમાં પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા સેવાકીય કાર્યોની વણઝાર થકી જન્મદિનની ઉજવણી કરવામાં આવનાર છે.
પખવાડિયા સુધી ઉજવણી, કાલે બ્લડ ડોનેશન થકી વિશ્વ રેકોર્ડ બનાવાશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી અંગે પાર્ટીના ઉપાધ્યક્ષ ગોરઘન ઝડફીયાએ જણાવ્યું કે, વડાપ્રઘાનના જન્મદિવસ નિમિત્તે એક સેવા પખવાડિયા અંતર્ગત વિવિઘ સેવાકિય કાર્ય ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા કરવામાં આવશે. સમગ્ર દેશભરમાં ભાજપ દ્વારા વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસ નિમિત્તે સેવા પખવાડીયા થકી સેવાકીય કાર્યો કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત રાજ્યભરમાં કાલે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેના થકી વિશ્વ રેકોર્ડ બનાવવામાં આવનાર છે. જેના માટે કાર્યકર્તાઓ છેલ્લા ઘણા દિવસોથી મહેનત કરી રહ્યા છે. જેનું કાલે પરિણામ જોવા મળનાર છે.
કાલે સીએમ ચિત્ર પ્રદર્શનીનું કરશે ઉદ્ઘાટન, 20મી નમો કિસાન પંચાયત કાર્યક્રમ
આ ઉપરાંત વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદીના જુદા-જુદા પેઇન્ટીંગ જે દુબઇના ચિત્ર કલાકાર દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે તે ચિત્રોની પ્રદર્શની રવિશંકર આર્ટ ગેલેરી ખાતે રાજયના મુખ્યમંત્રીના હસ્તે ખુલ્લી મુકાશે. આ ગેલેરીનું પ્રદર્શન અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ ખાતે પણ રાખવામાં આવનાર છે. જ્યારે કે 20મી સપ્ટેમ્બરના રોજ કિસાન મોરચા દ્વારા રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાની ઉપસ્થિતિમાં તમામ 182 વિઘાનસભા બેઠકને આવરીલેતા નમો કિસાન પંચાયત કાર્યક્રમ રાજયના આશરે 14 હજારથી પણ વધુ ગામોમાં 30 તારીખ સુઘી બેઠકો યોજવામાં આવશે. આ બેઠકમાં સરકારના વિવિઘ કામોની માહીતી રજૂ કરવામાં આવશે.