વિશ્વની સાથે સાથે ભારત પણ છેલ્લા કેટલાક સમયથી કોરોના મહામારી સામે લડી રહ્યું છે. કોરોના મહામારી પછી મંકીપોક્સે વિશ્વભરમાં ચિંતા વધારી છે અને હવે એક નવી બીમારી દસ્તક આપી છે. હેન્ડ ફૂટ માઉથ ડિસીઝ (HFMD), જેને ટોમેટો ફ્લૂ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે સ્વાસ્થ્ય નિષ્ણાતો માટે ચિંતાનો વિષય બની ગયો છે કારણ કે તે બાળકોમાં ઝડપથી ફેલાય છે. લેન્સેટ રેસ્પિરેટરી જર્નલમાં એક અભ્યાસ અનુસાર કેરળમાં 6મે 2022ના રોજ ટોમેટો ફ્લૂનો પ્રથમ કેસ નોંધાયો હતો અને અત્યાર સુધીમાં 82 કેસ નોંધાયા છે. આ તાવ એકથી પાંચ વર્ષની વયના બાળકો અને નબળા રોગપ્રતિકારક શક્તિ ધરાવતા પુખ્તોને અસર કરે છે.
પાંચ વર્ષથી ઓછી ઉમરના બાળકોમાં વધુ ફેલાય છે ટોમેટો ફ્લૂ
લેન્સેટ અભ્યાસ જણાવે છે કે ટોમેટો ફ્લૂના લક્ષણો કોવિડ-19 વાયરસ જેવા જ છે. પરંતુ આ વાયરસ SARS-CoV-2 સાથે સંબંધિત નથી, તે સંપૂર્ણપણે અલગ છે. ચિકનગુનિયા અથવા ડેન્ગ્યુ તાવ પછી બાળકોમાં ટોમેટો ફ્લૂ થઈ શકે છે. આ ફ્લૂનું નામ ટોમેટો ફ્લૂ છે કારણ કે તે આખા શરીરમાં લાલ અને પીડાદાયક ફોલ્લાઓનું કારણ બને છે. આ ફોલ્લાઓનું કદ ટોમેટોના આકાર જેટલું પણ હોઈ શકે છે.
ટોમેટો ફ્લૂનું જોખમ કોને છે?
“બાળકોને ટોમેટો ફ્લૂના સંપર્કમાં આવવાનું જોખમ વધારે છે કારણ કે આ ઉંમરે વાઇરલ ઇન્ફેક્શન બાળકોમાં ઝડપથી ફેલાય છે. ડૉક્ટરોએ ચેતવણી આપી છે કે પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં ટોમેટો ફ્લૂ ઝડપથી ફેલાય છે. જો કે ટોમેટો ફ્લૂ ચેપી તો છે પરંતુ તેનાથી કોઈ જોખમ નથી.
ટોમેટો ફલૂના લક્ષણો શું છે?
ટોમેટો ફ્લૂ ધરાવતા બાળકોમાં જોવા મળતા પ્રાથમિક લક્ષણો ચિકનગુનિયા અથવા ડેન્ગ્યુ તાવ જેવા જ હોય છે. લક્ષણોમાં તાવ, ચકામા, સાંધામાં સોજો, ઉબકા, ઝાડા, ડિહાઇડ્રેશન, સાંધામાં તીવ્ર દુખાવોનો સમાવેશ થાય છે. અન્ય લક્ષણોમાં શરીરમાં દુખાવો, તાવ અને થાક છે જે કોવિડ-19 દર્દીઓ દ્વારા પણ અનુભવાયા હતા. કેટલાક કિસ્સાઓમાં દર્દીઓની ત્વચા પર ફોલ્લાઓનું કદ નોંધપાત્ર રીતે વધી જાય છે.
ટામેટાં ફ્લૂનું કારણ
વૈજ્ઞાનિકો હજુ પણ ટામેટા ફ્લૂના ચોક્કસ કારણને શોધવા માટે સંશોધન કરી રહ્યા છે. પરંતુ હાલમાં તેને વાયરલ ચેપનું એક સ્વરૂપ માનવામાં આવે છે. કેટલાકે એવું પણ સૂચવ્યું છે કે તે ડેન્ગ્યુ અથવા ચિકનગુનિયાની આડઅસર હોઈ શકે છે. વૈજ્ઞાનિકોના મતે તેનો સ્ત્રોત વાઈરસ છે, પરંતુ તે કયા વાઈરસને કારણે ફેલાઈ રહ્યો છે કે કયા વાઈરસથી સંબંધિત છે તે અંગે હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી?
લક્ષણો દેખાય તો ડોકટરનો સંપર્ક કરો
ટામેટાના ફ્લૂથી દૂર રહેવા માટે ડૉક્ટરો સ્વચ્છ રહેવાની ભલામણ કરે છે. આ વાયરસ પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે વધુ સંવેદનશીલ હોવાનું માનવામાં આવે છે. જો કોઈને તમારા બાળકમાં ઉપરોક્ત લક્ષણોમાંથી કોઈ દેખાય, તો શક્ય તેટલી વહેલી તકે ડૉક્ટરનો સંપર્ક કરો. બાળકો અથવા લોકો કે જેઓને ચેપ લાગ્યો છે તેઓએ જ્યાં ફોલ્લાઓ થયા છે ત્યાં ખંજવાળવું જોઈએ નહી. પાણી વધુ પીવું જોઈએ.