તમારી કાર ઘરે પાર્કિંગમાં પડી હોય છતાં ટોલટેક્સ કપાય છે? અનેક લોકો કરી રહ્યા છે આ ફરિયાદ


નવી દિલ્હી, 3 માર્ચ : શું તમારી સાથે ક્યારેય એવું બન્યું છે કે તમારી કાર ક્યાંક પાર્ક કરેલી હોય અથવા તમે ટોલ પ્લાઝામાંથી પસાર ન થયા હોય, છતાં FASTag વૉલેટમાંથી ટોલના પૈસા કપાયા હોય? અધિકારીઓનું કહેવું છે કે આવું થઈ શકે છે. તેનું કારણ એ છે કે કેટલીકવાર FASTag બરાબર વાંચી શકાતું નથી અને ટોલ કર્મચારીઓ વાહનનો નંબર ખોટી રીતે નાખે છે.
જેના કારણે અવ્યવસ્થા સર્જાય છે. વળી, કેટલીકવાર લોકો પોતાના વોલેટમાં FASTag રાખે છે, તો પણ આવું થઈ શકે છે. NHAI એ FASTag વૉલેટમાંથી ખોટી રીતે નાણાં કાપવાના કેસમાં કડકતા દાખવી છે. ઓછામાં ઓછા 250 કેસમાં ટોલ કર્મચારીઓને દંડ ફટકારવામાં આવ્યો છે. હાઈવે ઓથોરિટીની ટોલ મેનેજમેન્ટ કંપની IHMCLએ દરેક ભૂલ માટે 1 લાખ રૂપિયાનો દંડ વસૂલવાનું શરૂ કર્યું છે.
આટલા મોટા દંડને કારણે આવા કેસોમાં લગભગ 70%નો ઘટાડો થયો છે. હવે IHMCLને દર મહિને આવી લગભગ 50 ફરિયાદો મળે છે જ્યારે નેશનલ હાઈવે પરના તમામ ટોલ પ્લાઝા પર લગભગ 30 કરોડ FASTag વ્યવહારો થાય છે.
ક્યાં ફરિયાદ કરવી?
ઘણા લોકોએ સોશિયલ મીડિયા પર ખોટી ટોલ કપાતની ફરિયાદ કરી છે. IHMCLમાં પણ ફરિયાદ કરવામાં આવી છે. IHMCLના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે પૈસાની ખોટી કપાતના કિસ્સામાં, ગ્રાહકો 1033 પર કૉલ કરીને અથવા [email protected] પર ઇમેઇલ કરીને ફરિયાદ નોંધાવી શકે છે.
દરેક કેસની ઝીણવટભરી તપાસ કરવામાં આવે છે. જો ખોટી કપાત અથવા ખોટા મેન્યુઅલ ટ્રાન્ઝેક્શનની ફરિયાદ સાચી જણાય છે, તો તરત જ ગ્રાહકને પૈસા પાછા આપવામાં આવે છે. તેમજ જવાબદાર ટોલ ઓપરેટર પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવે છે.
આ પણ વાંચો :- ગુજરાતઃ 30,000થી વધુ હાઉસિંગ – હાઉસિંગ સર્વિસ સોસાયટીઓ માટે ટ્રાન્સફર ફી નક્કી, જાણો પૂરી વિગત