સાવરકુંડલામાં સાવજે કર્યો બાળકનો શિકાર, પરિવારની હાજરીમાં ઉઠાવી ગયો બાળકને


અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં શિકારની શોધમાં 3 વર્ષના બાળકને સિંહ ઉઠાવી ગયો હતો. પરિવારજનો સાંજના સમયે વાડીએથી આવી રહ્યા હતા ત્યારે બાળક પણ સાથે જ હતું. આ દરમિયાન પરિવારના સભ્યોની હાજરીમાં નીતિન રાકેશભાઈ મેહડા નામના બાળકને દબોચીને સિંહ લઈ ગયો હતો. સાવરકુંડલા વન વિભાગને ઘટનાની જાણ થતાં તેમનો કાફલો દોડી આવ્યો હતો. વન વિભાગની ટીમે શોધખોળ હાથ ધરતાં મધરાત્રે બાળકનો માથાનો ભાગ અને પગ મળી આવ્યાં હતા.
વન વિભાગે સિંહને પાંજરે પૂરવા કવાયત
સાવરકુંડલાના ઘનશ્યામનગરમાં એક 3 વર્ષના બાળકનો પરિવારજનોની હાજરીમાં સિંહે શિકાર કર્યો હતો. ધારી ગીર પૂર્વ DCF સહિત સ્થાનિક આર.એફ.ઓ.સહિતના વનકર્મીઓ દ્વારા આ બાળકની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જુદા- જુદા વિસ્તારમાં સિંહને પકડવા માટે પાંજરાં પણ ગોઠવી દેવામાં આવ્યાં છે. જોકે સિંહે બાળકને ઉઠાવી દૂર સુધી લઈ ગયો હતો. વન વિભાગને શોધખોળ દરમિયાન માત્ર બાળકના અવશેષો મળી આવ્યા હતા. હજુ સુધી સિંહ પાંજરે પુરાયો નથી, જેને કારણે લોકોમાં ભયનો માહોલ છવાયો છે.