આજે બીજુ નોરતુઃ માં દુર્ગાની બ્રહ્મચારિણી સ્વરૂપે કરો પુજા
માં બ્રહ્મચારિણીના નામમાં જ તેમની શક્તિઓનું વર્ણન મળી જાય છે. બ્રહ્મનો અર્થ થાય છે તપસ્યા અને ચારિણીનો અર્થ થાય છે આચરણ કરનારી. તપનું આચરણ કરનાર શક્તિને આપણે વારંવાર નમન કરીએ છીએ. માતાના આ સ્વરૂપની પુજા કરવાથી તપ, ત્યાગ, સંયમ, સદાચારમાં વધારો થાય છે. જીવનના કઠિનથી કઠિન સમયમાં માણસો પોતાના પથથી વિચલિત થતા નથી.
આવું છે માંનુ સ્વરૂપ
નવરાત્રિના બીજા દિવસે પુજિત બ્રહ્મચારિણી આંતરિક જાગરણનું પ્રતિનિધિત્વ કરે છે. માં સૃષ્ટિમાં ઉર્જાના પ્રવાહ, કાર્યકુશળતા અને આંતરિક શક્તિમાં વિસ્તારની જનની છે. બ્રહ્મચારિણી આ લોકના સમસ્ત જગતને વિદ્યા આપે છે. તેનું સ્વરૂપ શ્વેત વસ્ત્રોમાં લપેટાયેલી કન્યાના રૂપમાં છે. જેના એક હાથમાં અષ્ટદળની માળા અને બીજામાં કમંડળ છે. તે અક્ષયમાલા અને કમંડલ ધારિણી બ્રહ્મચારિણી નામની દુર્ગા શાસ્ત્રોના જ્ઞાનને અર્પણ કરનારી છે.ભક્તોને તે પોતાની સર્વજ્ઞ સંપુન્ન વિદ્યા આપીને વિજયી બનાવે છે. બ્રહ્મચારિણીનું સ્વરૂપ ખુબ જ સાદુ અને ભવ્ય છે. અન્ય દેવીઓની તુલનામાં તે અતિસૌમ્ય, ક્રોધ રહિત અને તુરંત વરદાન આપનારી દેવી છે.
આ છે માં બ્રહ્મચારિણીનો પૂજા મંત્ર
માતા બ્રહ્મચારિણીને તપની દેવી માનવામાં આવે છે. હજારો વર્ષોના કઠિન તપ બાદ માતાનું નામ બ્રહ્મચારિણી પડ્યુ હતુ. તપસ્યાની આ અવધિમાં તેમણે ઘણા વર્ષો સુધી નિરાહાર વ્રત કર્યુ. જેના કારણે દેવોના દેવ મહાદેવ પ્રસન્ન થયા હતા. શિવજીએ પ્રસન્ન થઇને માતા પાર્વતીનો પત્નીના રૂપમાં સ્વીકાર કર્યો હતો.
या देवी सर्वभूतेषु मां ब्रह्मचारिणी रूपेण संस्थिता.
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः..
दधाना कपाभ्यामक्षमालाकमण्डलू.
देवी प्रसीदतु मयि ब्रह्मचारिण्यनुत्तमा.
दधाना करपद्माभ्याम्, अक्षमालाकमण्डलू।
देवी प्रसीदतु मयि, ब्रह्मचारिण्यनुत्तमा।।
બ્રહ્મચારિણી સ્વરૂપની પૂજા કેવી રીતે કરશો?
બ્રહ્મચારિણી માતાની પૂજા શાસ્ત્રીય વિધિથી કરવામાં આવે છે. સવારે શુભ મુહુર્તમાં માં દુર્ગાની ઉપાસના કરો અને માંની પુજામાં પીળા કે સફેદ રંગના વસ્ત્રનો ઉપયોગ કરો. માતાજીને સૌથી પહેલા પંચામૃતથી સ્નાન કરાવો, ત્યારબાદ અક્ષત અને ચંદન અર્પિત કરો. જમણા હાથમાં જળ, અક્ષત, ફૂલ લઈ માતાનું આહવાન કળશ પર કરવું જોઈએ. આહવાન પછી ધૂપ, દીપ, અક્ષત, જળ, અને નૈવેદ્યથી માતાનું પંચોપચાર પૂજન અર્પિત કરવું. માં બ્રહ્મચારિણીની પુજામાં કમળનો ઉપયોગ કરો. માતાજીને દુધમાંથી બનેલી ચીજવસ્તુઓનો જ ભોગ લગાવો. આ સાથે મનમાં માતાના મંત્રો લલકારતા રહો.
આ પણ વાંચોઃ ચૈત્રી નવરાત્રી પહેલો દિવસઃ આજે માંની શૈલપુત્રી સ્વરૂપે પુજા, જાણો પુજનવિધિ