ગુજરાતટોપ ન્યૂઝમનોરંજન

આજે અભિનેતા અજય દેવગન ગુજરાતની મુલાકાતે, CM ભુપેન્દ્ર પટેલ કરશે મોટી જાહેરાત

Text To Speech

ગુજરાત ‘પોલિસી ડ્રિવન સ્ટેટ’ તરીકે દેશભરમાં મોડલ સ્ટેટ સાબિત થયું છે. છેલ્લા ૨૦ વર્ષોમાં રાજ્ય સરકાર દ્વારા વિવિધ ક્ષેત્રોને પ્રોત્સાહન પુરું પાડવા માટે વિવિધ પોલિસીઓ જાહેર કરવામાં આવી છે. આ દિશામાં વિકાસયાત્રા આગળ ધપાવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તા. ૧૦ સપ્ટેમ્બરના રોજ અમદાવાદ ખાતેથી ‘સિનેમેટિક ટુરિઝમ પોલિસી-૨૦૨૨-૨૦૨૭’ જાહેર કરશે. આ પ્રસંગે પ્રવાસન મંત્રી પૂર્ણેશભાઈ મોદી અને પ્રવાસન રાજ્યમંત્રી અરવિંદભાઈ રૈયાણી પણ ઉપસ્થિત રહેશે. જ્યારે અતિથિ વિશેષ તરીકે અભિનેતા અજય દેવગન ઉપસ્થિત રહેશે. આ ખાસ પ્રસંગે અભિનેતા અજય દેવગણને ખાસ આમંત્રણ આપવામાં આવ્યું છે. જેના પગલે આજે અજય દેવગન ગુજરાતની મુલાકાતે આવશે અને આ ખાસ પ્રસંગમાં હાજરી આપશે.

પોલિસીનો હેતુ ફિલ્મ શૂટિંગ માટે ઇકોસિસ્ટમને મજબૂત કરવાનો

તાજેતરમાં, રાજ્યના પ્રવાસન વિભાગે ફિલ્મ ઉદ્યોગ જગતમાં ગુજરાતને પ્રવાસન સ્થળ તરીકે પ્રમોટ કરવા માટે તેમજ સ્થાનિક ફિલ્મ ઉદ્યોગના વિકાસ માટે નવી ‘સિનેમેટિક ટુરિઝમ પોલિસી ૨૦૨૨-૨૦૨૭’ ઘડી છે. આ માટે ફિલ્મ અને પ્રવાસન ઉદ્યોગ સાથે સંકળાયેલા તમામ મુખ્ય હિતધારકો સાથે પરામર્શ કર્યા પછી આ પોલિસીનો મુસદ્દો તૈયાર કરવામાં આવ્યો છે. આ પોલિસીનો હેતુ ફિલ્મ શૂટિંગ માટે ઇકોસિસ્ટમને મજબૂત કરવાનો છે, જે રાજ્યમાં ફિલ્મ અને ટેલિવિઝન પ્રોડક્શન-સંબંધિત ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ પર ભાર મૂકે છે. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારે પ્રવાસનને ઉદ્યોગનો દરજ્જો આપી વર્ષ ૨૦૧૫માં સૌ પ્રથમવાર પ્રવાસન પોલિસીની જાહેરાત કરી હતી, ત્યારબાદ હોમ સ્ટે પોલિસી અને હેરિટેજ પોલિસી પણ રાજ્ય સરકારે જાહેર કરી છે.

ગુજરાતમાં કેટલાયે પ્રવાસન આકર્ષણો

ગુજરાતમાં પહાડીઓથી માંડીને દરિયાકિનારા સુધીના આકર્ષક સ્થળો, ધોળાવીરા જેવા ઐતિહાસિક સ્થળોથી લઇને મોર્ડન ગિફ્ટ સિટી, હેરિટેજ બિલ્ડીંગોથી લઇને આધુનિક બસ સ્ટેશન્સ અને બંદરો તેમજ કચ્છના સફેદ રણથી લઇને ગીરના જંગલો અને કેટલાંય અન્ય પ્રવાસન આકર્ષણો રહેલાં છે. આ બધાં પ્રવાસન આકર્ષણો તમામ મુલાકાતીઓને અનન્ય અને યાદગાર પ્રવાસનો અનુભવ પ્રદાન કરે છે, જે ફિલ્મ શૂટિંગ પ્રવાસન દ્રષ્ટિકોણથી ગુજરાતને સૌથી વધુ ઇચ્છનીય સ્થળ બનાવવામાં મદદરૂપ છે.

પોલિસી સિનેમેટિક ટુરિઝમમાં રોજગારીની નવી તકો ઊભી કરશે

રાજ્યની સૌપ્રથમ ‘સિનેમેટિક ટુરિઝમ પોલિસી ૨૦૨૨-૨૦૨૭’એ ફિલ્મો દ્વારા પ્રવાસનને પ્રોત્સાહન આપવા અને ગુજરાતના પ્રવાસન સ્થળોને એક્સપ્લોર કરવા માટે ફિલ્મ નિર્માતાઓને આકર્ષવા તરફ રાજ્ય દ્વારા લેવાયેલું એક મુખ્ય પગલું છે. આ યોજના સિનેમેટિક પ્રવૃત્તિઓ માટે આકર્ષક પ્રોત્સાહનો આપે છે જે સિનેમેટિક ટુરિઝમમાં રોજગારીની નવી તકો ઊભી કરશે. આ પોલિસી રાજ્યની જનતા માટે આર્થિક તકો ઉભી કરવામાં અને પ્રાદેશિક, બોલીવુડ, હોલીવુડ, ટીવી અને ઓટીટી ઉદ્યોગ સહિતના ફિલ્મ નિર્માતાઓ માટે ગુજરાતને પસંદગીનું પ્રવાસન સ્થળ બનાવવામાં યોગદાન આપશે.

ઓસ્કાર-નોમિનેટેડ ફિલ્મો સહિત ઘણી જાણીતી ફિલ્મોનું શૂટિંગ ગુજરાતમાં થયું

ગુજરાત હંમેશા ફિલ્મના શૂટિંગ માટે ફિલ્મ મેકર્સની પ્રાયોરિટી લિસ્ટમાં રહ્યું છે. પ્રવાસન સ્થળોનું વૈવિધ્ય, ઉચ્ચ સ્તરનીઆવાસીય અને અન્ય સુવિધાઓ, સુવિકસિત ઈન્ફ્રાસ્ટ્રક્ચર, બહેતર કનેક્ટિવિટી અને ટ્રાન્સપોર્ટેશન સાથે સરકારનો સહયોગ એ ગુજરાતને શૂટિંગ હબ તરીકે પસંદ કરવા માટેના મુખ્ય કારણો છે. ‘રામલીલા’, ‘કાઈપો છે’, ‘પીકુ’, ‘ડી-ડે’, ‘2 સ્ટેટ્સ’, ‘મોહેંજો દરો’ અને ‘લગાન’થી માંડીને ઓસ્કાર-નોમિનેટેડ ફિલ્મો સહિત ઘણી જાણીતી અને મોટા બજેટની ફિલ્મોનું શૂટિંગ ગુજરાતમાં થયું હતું.

પ્રથમ વાર હેરિટેજ પ્રવાસન નીતિ ૨૦૨૦-૨૫ અને નવી પ્રવાસન નીતિ ૨૦૨૧-૨૫ની જાહેરાત

ગુજરાતના પ્રવાસન વિભાગે રાજ્યમાં પ્રવાસન ક્ષેત્રના વિકાસ અને ડિજિટાઈઝેશન માટે વિવિધ પહેલો હાથ ધરી છે, જેમ કે હેરિટેજ પ્રોપર્ટીના વિકાસ અને પ્રવાસનના સર્વાંગી વિકાસમાં ખાનગી રોકાણોને પ્રોત્સાહન આપવા માટે પ્રથમ વાર હેરિટેજ પ્રવાસન નીતિ ૨૦૨૦-૨૫ અને નવી પ્રવાસન નીતિ ૨૦૨૧-૨૫ની જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે હવે તમામ પ્રક્રિયાઓ ઓનલાઇન વેબ પોર્ટલ દ્વારા ડિજીટાઇઝ કરવામાં આવી છે, જેના કારણે માનવ હસ્તક્ષેપ ઓછો થઈ ગયો છે. આ નીતિઓનો ઉદ્દેશવિશ્વભરમાંથી ગુજરાત આવતા પ્રવાસીઓને અનન્ય પ્રવાસન અનુભવ પ્રદાન કરવાનો છે.

આ સૂચિત યોજના રાજ્યમાં હાથ ધરાયેલા નીચે મુજબના પ્રોજેક્ટ્સને પ્રોત્સાહન આપશે

1) ફિલ્મ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સ 

  1. ફિલ્મ સિટી
  2. ફિલ્મ અને ટીવી સ્ટુડિયો
  3. ફિલ્મ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ
  4. પોસ્ટપ્રોડક્શન સુવિધાઓ

2) ફિલ્મ મેકિંગ પ્રોજેક્ટ્સ

  1. ફિલ્મ શૂટિંગ
  2. ટીવી અને વેબ સીરીઝ
  3. ડોક્યુમેન્ટરી
  4. બ્રાન્ડ એફિલિયેશન

3) બિગ બજેટ મુવીઝ અને મેગા ફિલ્મ ઇવેન્ટ્સ

  1. બિગ બજેટ મુવીઝ
  2. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરની મેગા ફિલ્મ અને મ્યૂઝિક ઇવેન્ટ્સ અને ફિલ્મ એવોર્ડ્

આ પણ વાંચો : આસામના CM હિમંતા બિસ્વા સાથે સ્ટેજ પર ગેરવર્તણૂક, માઈક તોડવાનો પ્રયાસ

Back to top button