ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

દિલ્હીમાં સવારે હળવો વરસાદ, આ રાજ્યોમાં શીતલહેરની ચેતવણી

નવી દિલ્હી, તા.23 ડિસેમ્બર, 2024: દિલ્હીના હવામાનમાં બદલાવ આવ્યો હતો. વહેલી સવારેઅનેક વિસ્તારમાં હળવો વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગ દ્વારા અનેક રાજ્યોમાં શીતલહેરની ચેતવણી આપવામાં આવી છે.

વરસાદને કારણે દિલ્હી-એનસીઆરના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. ભારતીય હવામાન વિભાગ (આઇએમડી) એ રાજસ્થાન, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે.

ઉત્તર ભારતમાં શીતલહેર

ક્રિસમસ પહેલા ઉત્તર ભારતમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે. જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં કાતિલ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. આગામી દિવસોમાં ઠંડીનું પ્રમાણ વધવાની આગાહી કરવામાં આવી છે. પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને દિલ્હીમાં કેટલાક સ્થળોએ અને પશ્ચિમ રાજસ્થાનમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ અથવા ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે.

ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પંજાબ અને હરિયાણાના કેટલાક ભાગોમાં શીત લહેરની સ્થિતિ પ્રવર્તે છે. ચંદીગઢમાં 0.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. પંજાબના આદમપુરમાં લઘુત્તમ તાપમાન 1.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. પંજાબના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પશ્ચિમી વિક્ષેપની અસર 27 થી 31 ડિસેમ્બર સુધી રહેશે. આ સમયગાળા દરમિયાન, પર્વતીય વિસ્તારોમાં ઘણા સ્થળોએ વરસાદ અને ગાજવીજ થવાની સંભાવના છે. ઉત્તરાખંડના ઊંચા પર્વતીય વિસ્તારોમાં ઠંડીની અસર જોવા મળી રહી છે. રવિવારે રાજસ્થાનના ઘણા ભાગોમાં શીત લહેરની સ્થિતિ જોવા મળી હતી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર કરૌલીમાં લઘુત્તમ તાપમાન 4.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.

કાશ્મીરમાં તીવ્ર ઠંડીથી થોડી રાહત મળી છે, પરંતુ રવિવારે ખીણમાં તાપમાન શૂન્યથી નીચે રહ્યું હતું. અધિકારીઓએ જણાવ્યું હતું કે ભારે ઠંડીને કારણે પાણી પુરવઠાની લાઈનો થીજી ગઈ હતી. ઘણા જળાશયોની સપાટી પર બરફના પાતળા સ્તરો થીજી ગયા હતા.

નાતાલ અને નવા વર્ષની ઉજવણી કરવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓએ હિમાચલ પ્રદેશની મુલાકાત લેવાનું શરૂ કર્યું છે. શિમલા, મનાલી, ધર્મશાલા, ડેલહાઉસી, કુફરી, નારકંડા અને કસૌલી પ્રવાસીઓથી ભરચક થવા લાગ્યા છે. હવામાન વિભાગ દ્વારા 27 અને 28 ડિસેમ્બરે રાજ્યમાં હિમવર્ષાની આગાહી બાદ રાજ્યમાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.


આ પણ વાંચોઃ ગુજરાતમાં વાદળછાયુ વાતાવરણ સર્જાયું, વરસાદની આગાહીથી ખેડૂતો ચિંતિત બન્યા

Back to top button