આજે વસંતપંચમીઃ આ મુહુર્તમાં કરી શકશો કોઇ પણ શુભ કાર્ય
હિન્દુ પંચાંગ અનુસાર મહા મહિનાના શુક્લ પક્ષની પાંચમને દર વર્ષે વસંત પંચમી તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે વસંત પંચમી 26 જાન્યુઆરીએ મનાવાઇ રહી છે. વસંત પંચમીને શ્રી પંચમી કે જ્ઞાન પંચમી પણ કહેવાય છે. આજના દિવસને વણજોયા મુહુર્તનો દિવસ કહેવાય છે. આ દિવસને લગ્ન કરવા માટે પણ ઉત્તમ દિવસ માનવામાં આવે છે. કોઇ વસ્તુની ખરીદી કરવી હોય તો પણ આ દિવસ શુભ કહેવાય છે.
લોકો મહા માસના લગ્નગાળામાં વસંત પંચમીને વધુ પસંદ કરતા હોય છે. આ ઉપરાંત સરસ્વતી દેવીની ભક્તિ લોકો જ્ઞાન મેળવવાના આશયથી કરતા હોય છે. જેઓ વિદ્યાર્થી છે, અભ્યાસુ છે તેમના માટે આ દિવસ ભક્તિ કરવા માટે ઉત્તમ ગણાય છે. સોનુ, ચાંદી, વાહન, વગેરે જેવી વસ્તુ ખરીદવા માટે પણ આજનો દિવસ ઉત્તમ માનવામાં આવે છે. યંત્ર, તંત્ર, મંત્રમાં રસ ધરાવનારી વ્યક્તિઓ આ દિવસે કોઈ યંત્ર, સોના, ચાંદી કે અન્ય ધાતુની ખરીદી કરી તેનું પૂજન કરીને તેને સિધ્ધ કરતા હોય છે. તંત્ર શાસ્ત્રના કેટલાક વિદ્વાનો આ દિવસે રાહુ શાંતિ માટે સરસ્વતી દેવીની ભક્તિ પણ કરે છે.
આજના શુભ મુહુર્ત
મહા મહિનાની શુક્લ પંચમી 25 જાન્યુઆરી 2023ના રોજ બપોરે 12.34 વાગ્યે શરૂ થશે અને તેનુ સમાપન 26 જાન્યુઆરી સવારે 10.28 વાગ્યે થશે. જોકે ઉદયા તિથિ અનુસાર આ તહેવાર આજે જ મનાવાશે. 26 જાન્યુઆરીએ પુજાનું મુહુર્ત સવારે 7.07થી લઇને બપોરે 12.12 વાગ્યા સુધી રહેશે. પુજા માટે આ સૌથી ઉત્તમ સમય છે.
આ પણ વાંચોઃ વસંતપંચમી વિદ્યાર્થીઓ માટે હોય છે ખાસઃ રાશિ પ્રમાણે કરો પૂજા