ધર્મ

આજે રાંધણછઠ્ઠ અને કાલે શીતળા સાતમ, શું છે તેનો ઇતિહાસ ? અને આજની પેઢી કેવી રીતે ઉજવે છે ?

Text To Speech

શ્રાવણ મહિનામાં સાતમ આઠમના તહેવારોની લોકો રાહ જોતા હોય છે તેમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્રવાસીઓ. કારણ કે, આ સપ્તાહમાં બહારગામમાં વસવાટ કરતા લોકો પોતાના વતન જાય છે અને ત્યાં પરિવારજનો સાથે તહેવારોની ઉજવણી કરતા હોય છે. આજે અમે તમને આ મહિનાના પવિત્ર તહેવાર રાંધણ છઠ્ઠની વિશે જણાવશું. તેનો શું ઇતિહાસ છે ? કઈ રીતે તેની ઉજવણી કરવામાં આવે છે ? આજની પેઢી તેને કઈ રીતે ઉજવે છે ?

આ વર્ષે ક્યારે છે રાંધણ છઠ્ઠ ? શું છે તેનો ઈતિહાસ ?
દર વર્ષે શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની છઠ્ઠની તિથિને રાંધણ છઠ તરીકે મનાવવામાં આવે છે. આ વર્ષે આ તહેવાર 17 ઑગષ્ટ એટલે કે આજે મનાવવામાં આવી રહ્યો છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, આ દિવસે શ્રીકૃષ્ણના મોટા ભાઇ બલરામનો જન્મ થયો હતો. એટલા માટે મહિલાઓ પોતાના પુત્રના લાંબા આયુષ્ય અને સમૃદ્ધિની કામના માટે ઉપવાસ રાખે છે.

અલગ અલગ રાજ્યમાં તેનું નામ જુદુ જુદુ !
આ તહેવાર અલગ-અલગ રાજ્યમાં અલગ-અલગ નામે મનાવવામાં આવે છે. કેટલાક રાજ્યોમાં આ પર્વને હલષષ્ઠી, હળછઠ, હરછઠ વ્રત, ચંદન છઠ, તિનછઠી, તિન્નિ છઠ, લલહી છઠ, કમર છઠ, અથવા ખમર છઠના નામથી પણ ઓળખવામાં આવે છે. હળછઠ અથવા રાંધણ છઠના દિવસે મહિલાઓ પુત્રના હિસાબથી છ મોટા માટીનાં વાસણમાં પાંચ અથવા સાત અનાજ અથવા મેવા ભરે છે. ગુજરાતમાં આ દિવસે રાંધણ છઠનો તહેવાર મનાવવામાં આવે છે.

શીતળા સાતમ પ્રતિકાત્મક તસ્વીર
શીતળા સાતમ પ્રતિકાત્મક તસ્વીર

બીજા દિવસે મનાવવામાં આવે છે શીતળા સાતમ, શું છે તેની માન્યતાઓ ?
રાંધણ છઠના બીજા દિવસે શીતળા સાતમે શીતળા માતાની પૂજા કરવામાં આવે છે અહીં સાતમના દિવસે ઘરમાં રસોઇ ન કરવાની પરંપરાનું પાલન કરવામાં આવે છે એટલા માટે રાંધણ છઠના દિવસે મહિલાઓ રાંધીને બીજા દિવસ માટેનું ભોજન તૈયાર કરી રાખે છે અને સાતમના દિવસે મંદિરમાં કથા સાંભળ્યા બાદ પહેલાથી તૈયાર કરેલ ઠંડું ભોજન ગ્રહણ કરવામાં આવે છે. રાંધણ છઠ્ઠના દિવસે લોકો ઘરે ઘરે નવા નવા પકવાન અને વ્યંજન બનાવતા હોય છે. આ દિવસે આખો દિવસ દરેક ઘરમાં નવી નવી વાનગી બનાવવામાં આવે છે અને બીજા દિવસે એટલે કે શીતળા સાતમના દિવસે છઠના દિવસે બનાવેલ ભોજન અને પકવાન માણવાનો મહિમા છે. જે વર્ષો જૂની ધાર્મિક પરંપરા છે. શીતળા સાતમના દિવસે શીતળા માતાની પૂજા કરી ઠંડા ભોજન આરોગવામાં આવે છે. આ બધી વાનગીઓ બનાવ્યા પછી રાંધણ છઠની રાત્રે ઘરના ચૂલ્હાની સાફ સાફાઈ કરાય છે. સફાઈ કર્યા પછી ચૂલાને ઠારવામાં આવે છે. રાંધણ ગેસ કે ચૂલ્હાની પૂજા કરે છે. ચૂલો ઠંડા કર્યા પછી તેનો ઉપયોગ કરવામાં આવતો નથી. માન્યતા એવી છે કે આ દિવસે માતા શીતળા ચુલે આળોટવા માટે આવે છે. તેથી રસોઈ આગલા દિવસે બનાવી નાખવાની હોય છે અને ચુલો ઠંડો કરી દેવામાં આવે છે.

21મી સદીની પેઢી મોજશોખ માટે ઉજવે છે આ તહેવારો
આપણે રાંધણ છઠ્ઠ અને શીતળા સાતમના ઈતિહાસ વિશે તો જોઈ લીધું પરંતુ આજની પેઢીઓ આ દિવસને કઈ રીતે ઉજવે છે તે તમને બતાવીએ. આજની પેઢીમાં તહેવારોમાં હરવા ફરવાનું ખાસુ મહત્વ છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના જે લોકો અન્ય શહેરોમાં કે અન્ય રાજ્યોમાં વસવાટ કરે છે તેઓ આ અઠવાડિયામાં પોતાના વતન જાય છે અને ભાઈ ભાંડેરાઓને મળે છે તેમજ તેમની સાથે સમય વ્યતીત કરે છે. આજની પેઢી રાંધણ છઠ્ઠ અને શીતળા સાતમને અલગ રીતે જુએ છે. તેઓ બોળચોથ અથવા પાંચમથી જ ફરવા નીકળી જાય છે તેમજ રાંધણછઠ્ઠ તથા શીતળા સાતમ માટે અગાઉથી નાસ્તાઓ બનાવી લે છે અને તે બધું જ લઈને બહારગામ ફરવા અથવા મેળામાં ઉપડી જાય છે. આજની પેઢી અગાઉની જેમ ઘરે બેસવામાં માનતી નથી. તેઓને બસ રજાનો સમય મળે એટલે પોતાના મોજશોખ પુરા કરવા છે. વર્ષમાં એક અઠવાડિયું એવું આવે છે કે જેમાં તેઓ પોતાના પરિવારજનો સાથે આ સમય વિતાવી શકે છે.

Back to top button