આજે પાપમોચની એકાદશીઃ બની રહ્યાં છે ત્રણ અદ્ભુત સંયોગ
હોલિકા દહન અને ચૈત્ર નવરાત્રિ વચ્ચે આવતી એકાદશીને પાપમોચની એકાદશી કહે છે. આ સંવત વર્ષની છેલ્લી એકાદશી છે. પાપમોચની એકાદશી અંગે એવું કહેવાય છે કે જો કોઇ વ્યક્તિ આ એકાદશીનું વ્રત કરે છે તો તેને તમામ પ્રકારના પાપમાંથી મુક્તિ મળે છે. અંગ્રેજી કેલેન્ડર અનુસાર આ એકાદશી માર્ચ કે એપ્રિલ મહિનામાં આવે છે.
પાપમોચની એકાદશીના શુભ મુહુર્ત
હિંદુ પંચાંગ અનુસાર 17 માર્ચ અને શુક્રવારની રાતે 12.07 વાગ્યે એકાદશીનો પ્રારંભ થયો છે. તેનું સમાપન 18 માર્ચના રોજ રાતે 11.12 મિનિટે થશે. ઉદયા તિથિ અનુસાર 18 માર્ચે પાપમોચની એકાદશી મનાવવામાં આવશે. આ દિવસે ઓમ નમો ભગવતી વાસુદેવાય નમઃ મંત્રનો જાપ કરતા રહેવું જોઇએ. ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી તમામ પ્રકારના દોષ દુર થાય છે.
આ વર્ષે બની રહ્યા છે શુભ સંયોગ
આ વર્ષે પાપમોચિની એકાદશીના દિવસે કેટલાય અદ્ભુત સંયોગ બની રહ્યા છે. આ દિવસે શિવ યોગ, સર્વાર્થ સિદ્ધિ યોગ, દ્વિપુષ્કર યોગનો અદ્ભુત સંયોગ બની રહ્યો છે. એવી માન્યતા છે કે આ યોગમાં કરાયેલા કાર્યોમાં જાતકોને સફળતા મળે છે. ધન અને માન-સન્માનમાં વૃદ્ધિ થાય છે.
આ દિવસે આટલુ કરો
સવારે વહેલા ઉઠી સ્નાન કરીને વ્રત કરનારે સંકલ્પ લેવો જોઇએ. ત્યારબાદ પુજા કરો, આ દિવસની પુજા ષોડશોપચાર વિધિથી કરવામાં આવે છે. પુજામાં ભગવાનને ધૂપ, દીપ, દીવો, ચંદન, ફળ, ફુલ અને ભોગ ચઢાવો. આ દિવસે ભગવાન વિષ્ણુને તુલસી અર્પણ કરો. ભગવાન વિષ્ણુની પુજા કરો. આખો દિવસ ફરાળ અથવા ફળાહાર કરો. રાતે જાગરણ કરો. બ્રાહ્મણ અથવા જરૂરિયાતમંદને દાન કરો.
આ પણ વાંચોઃ ચૈત્ર નવરાત્રિ પર બે શુભ સંયોગઃ વિધિપુર્વકની પૂજા અપાવશે માં દુર્ગાની કૃપા