ગુજરાતમાં આજે ફરી એક વખત ઠંડીનો ચમકારો થયો છે. જેમાં અમદાવાદમાં 14 ડિગ્રીથી ઓછુ તાપમાન રહ્યું છે. તથા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર પૂર્ણ થતા ઠંડીનો ચમકારો રાજ્યમાં જોવા મળ્યો છે. તેમજ મોટા ભાગના શહેરોમાં તાપમાનનો પારો ગગડ્યો છે. ત્યારે સૌથી ઓછુ તાપમાન નલિયામાં 7 ડિગ્રી રહ્યું છે.
વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 2 ફેબ્રુઆરીએ સક્રિય થઈ રહ્યું છે
ત્યારે અમદાવાદ 14.9 ડિગ્રી, ગાંધીનગર 14.8 ડિગ્રી, પંચમહાલ 14.6 ડિગ્રી, દાહોદ 13.1 ડિગ્રી, છોટા ઉદેપુર 15.૦ ડિગ્રી, નર્મદા 12.4 ડિગ્રી, વલસાડ 14.9 ડિગ્રી, રાજકોટ 16.4 ડિગ્રી, સુરેન્દ્રનગર 14.4 ડિગ્રી, જામનગર 16.4 ડિગ્રી તાપમાન રહ્યું છે. તેમજ ભારતના કેટલાક રાજ્યોમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે. વરસાદના કારણે હવામાનમાં મોટા ફેરફાર જોવા મળી રહ્યા છે ત્યારે હવે હવામાન વિભાગે ફરી એક વખત વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. વરસાદને કારણે હાલ ઉત્તર ભારતમાં ઠંડીમાં વધારો જોવા મળ્યો છે ત્યારે હવામાન વિભાગની આગાહીએ ફરીથી ખેડૂતોની ચિંતા વધારી છે.
ફરીથી તાપમાનમાં ઝડપી ઘટાડો થતા ઠંડી વધશે
છેલ્લા કેટલાક દિવસોમાં દિલ્હી, પંજાબ, હરિયાણા અને યુપી-બિહાર સહિતના રાજ્યોમાં વરસાદને કારણે ઠંડી વધી છે. હવે હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યુ છે કે, વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 2 ફેબ્રુઆરીએ સક્રિય થઈ રહ્યું છે, જેના કારણે હિમાચલ પ્રદેશમાં વરસાદ અને બરફ વર્ષા જોવા મળશે. આની અસર દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં જોવા મળશે અને ફરીથી તાપમાનમાં ઝડપી ઘટાડો થતા ઠંડી વધશે.
ઉત્તરાખંડમાં હવામાન શુષ્ક રહેશે
હવામાન વિભાગે વધુમાં કહ્યું છે કે, આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે હિમાચલ પ્રદેશ, કાશ્મીર અને ઉત્તરાખંડમાં ભારે વરસાદ અને હિમવર્ષા થઈ શકે છે. આ રાજ્યોમાં એલર્ટ જારી કરાયુ છે. આ સિવાય યુપી, બિહાર, મધ્યપ્રદેશ, દિલ્હી, પંજાબ, હરિયાણા, ઝારખંડ અને છત્તીસગઢમાં પણ વરસાદની સાથે કેટલીક જગ્યાઓએ કરા પડી શકે છે. આગામી 24 કલાકમાં હિમાચલ, કાશ્મીર અને ઉત્તરાખંડમાં હવામાન શુષ્ક રહેશે અને વરસાદની સંભાવના નથી.