આજે મોહિની એકાદશીઃ વિષ્ણુ ભગવાનના આ રૂપની કેમ થાય છે પૂજા?
- વૈશાખ મહિનાની શુક્લ પક્ષની એકાદશી એટલે મોહિની એકાદશી
- આ દિવસે એકાદશીનું વ્રત કરવાથી હજાર ગૌદાનનું ફળ મળશે
- વિષ્ણુ ભગવાનના મોહિની સ્વરૂપની પૂજા કરાય છે
વૈશાખ મહિનાના શુક્લ પક્ષની એકાદશીને મોહિની એકાદશી કહેવામાં આવે છે. સૃષ્ટિને અસુરોથી બચાવવા માટે આ દિવસે ભગવાન વિષ્ણુએ મોહિની સ્વરૂપ ધારણ કર્યુ હતુ. આ એકાદશી સમસ્ત પાપ અને દુખોનો નાશ કરનાર તથા સૌભાગ્ય અને ધનનો આશીર્વાદ આપનાર માનવામાં આવે છે. એવી માન્યતા છે કે મોહિની એકાદશીના વ્રતના પ્રતાપથી વ્યક્તિ તમામ મોહજાળમાંથી મુક્ત થઇને વૈકુંઠ ધામમાં સ્થાન પ્રાપ્ત કરે છે. જાણો મોહિની એકાદશીનું મુહુર્ત અને મહત્ત્વ.
મોહિની એકાદશીનું મુહુર્ત
પંચાંગ અનુસાર વૈશાખ મહિનાના સુદ પક્ષની એકાદશી આજે એટલે કે 1 મે સોમવારના રોજ છે. આ તિથિની શરૂઆત 30 એપ્રિલ 2023ની રાતે 8.00 વાગ્યાથી થઇ ચુકી છે. તેનું સમાપન 1 મે 2023ના દિવસે રાતે 10.09 વાગ્યે થશે. આ દિવસે ભગવાન વિષ્ણુના મોહિની રૂપની પૂજા કરવાનું મહત્ત્વ છે. આમ કરવાથી હજાર ગૌદાન સમાન ફળ મળે છે.
શું છે આજના દિવસનું મહત્ત્વ
ધાર્મિક માન્યતા અનુસાર જ્યારે સમુદ્ર મંથન દરમિયાન અમૃત નીકળ્યુ હતુ તો ભગવાન વિષ્ણુએ દૈત્યોથી તેમની રક્ષા કરવા માટે મોહિની એકાદશીની તિથિ પર મોહિની રુપ ધારણ કર્યુ હતુ. પોતાના મોહજાળમાં ફસાવીને તમામ દેવતાઓને અમૃતપાન કરાવ્યુ હતુ. બીજી માન્યતા એવી પણ છે કે ત્રેતા યુગમાં જ્યારે પત્નિ વિયોગમાં દુઃખી હતા ત્યારે મહર્ષિ વશિષ્ઠના કહેવા પર શ્રીરામે આ વ્રત કર્યુ હતુ. આ વ્રત કરવાથી અનેક દુખોનો નાશ થયો અને માતા સીતાની શોધ તેઓ યોગ્ય રીતે કરી શક્યા હતા. માણસે અજાણતા કરેલા પાપને હરવા માટે પણ મોહિની એકાદશીનું વ્રત શુભ માનવામાં આવે છે.
આ પણ વાંચોઃ ઘરના ડાઇનિંગ એરિયા સાથે પણ જોડાયેલા હોય છે વાસ્તુના નિયમો!