આજે વિશ્વ તમાકુ નિષેધ દિવસ; વિશ્વભરમાં વર્ષે લાખો લોકો મોતના ખપ્પરમાં હોમાય છે, કેન્સરની બીમારી કોરોના કરતાં પણ ખતરનાક
આજે 31 મે એટલે વર્લ્ડ નો ટોબેકો ડે. આ દિવસને મનાવવાનો ઉદ્દેશ્ય તમાકુનાં ખતરા વિષે જાગરૂકતા ફેલાવવાનો છે. તમાકુનું વ્યસન એ સદીની સૌથી મોટી મહામારી કોરોના કરતા પણ ખતરનાક છે. કોરોનાને લીધે 2 વર્ષ અને 2 મહિનામાં 5 લાખ 24 હજાર 611 લોકોનાં સત્તાવાર મૃત્યુ થયાં છે, જ્યારે કે તમાકુથી છેલ્લા 1 વર્ષમાં જ ભારતમાં અંદાજે 13 લાખ 50 હજાર લોકોનાં મૃત્યુ થયાં છે.
આ રીતે જોઈએ તો ભારતમાં રોજના 3 હજાર 699 લોકો તમાકુના વ્યસનથી થતી કેન્સર સહિતની અલગ-અલગ બીમારીઓના કારણે મોતને ભેટે છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અનુસાર, વિશ્વમાં દર વર્ષે લગભગ 80 લાખ લોકોના મૃત્યુ તમાકુનાં સેવનથી થનાર બીમારીઓને કારણે થાય છે. તમાકુનાં સેવનથી હૃદય રોગ, સ્ટ્રોક, કેન્સર અને ડાયાબિટીસ જેવી બીમારીઓ થાય છે. આ ઉપરાંત, આ ટાઈપ 2 ડાયાબિટીસનો ખતરો પણ વધારે છે.
તમાકુનું વ્યસન એટલે અનેક બીમારીને આમંત્રણ
એક અંદાજ મુજબ સામાન્ય રીતે તમાકુનો શિકાર 12થી 17 વર્ષની વયના યુવાનો વધુ થાય છે. તમાકુની ખરાબ અસર મુખ્યત્વે ઉધરસ અને ગાળામાં બળતરાની સાથે શરૂ થાય છે અને સમય જતાં તે હદય રોગ, શ્વાસનળીનો સોજો, ન્યુમોનિયા સ્ટ્રોક અને ઘણા પ્રકારનાં કેન્સર જેવી સ્વાસ્થ્ય સમસ્યાઓ સહિત વધુ ગંભીર પરિસ્થિતી પણ સર્જી શકે છે, જેમાં સૌથી ગંભીર અને વધુમાં વધુ જોવા મળતી સમસ્યા ઓરલ કેન્સર એટલે કે માઉથ કેન્સર છે.
શા માટે મનાવવામાં આવે છે આ દિવસ?
તમાકુનાં સેવનથી થતી બીમારીઓ અને મૃત્યુનાં વધતા આંકડાઓને કારણે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને વિશ્વ તમાકુ નિષેધ દિવસની શરૂઆત 1987માં કરી હતી. પહેલી વાર 7 એપ્રિલ 1988નાં રોજ આ દિવસ મનાવવામાં આવ્યો હતો. ત્યારબાદ 31 મે 1988નાં રોજ WHO42.19 પ્રસ્તાવ પાસ થયા બાદ આ દિવસને દર વર્ષે 31 મેનાં રોજ મનાવવામાં આવે છે.
આ દિવસને મનાવવા પાછળનો ઉદ્દેશ્ય લોકોને તમાકુનાં સેવનથી થતા નુકસાન વિષે જણાવવાનો છે. તમાકુ સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનીકારક છે. તેનું સેવન કરવાથી કેન્સર જેવી ગંભીર બીમારીઓનો સામનો કરવો પડે છે. દર વર્ષે લાખોની સંખ્યામાં લોકોના મૃત્યુ તમાકૂનાં સેવનથી થાય છે. લોકોને આ નુકસાન વિષે જણાવી તેમને તમાકુ છોડવા માટે પ્રેરિત કરવામાં આવે છે. યુવાનોને પણ આ વિષે સમજાવવામાં આવે છે.
પર્યાવરણની રક્ષા છે આ વર્ષની થીમ
દર વર્ષે કોઈને કોઈ થીમ પર તમાકુ નિષેધ દિવસ મનાવવામાં આવે છે. આ વર્ષે આ દિવસની થીમ પર્યાવરણની રક્ષા માટેની છે. ગયા વર્ષે વિશ્વ તમાકુ નિષેધ દિવસની થીમ કમિટ ટૂ ક્વિટ હતી. દર વર્ષે આ દિવસ મનાવવા માટે કાર્યક્રમ આયોજિત કરવામાં આવે છે. આ કાર્યક્રમ આ વિશેષ થીમ પર આધારિત હોય છે. આ દરમિયાન તમાકુનાં સેવનથી થતા નુકસાન અને આ આદત છોડવા માટે તમામ પ્રકારની જાણકારી આપવામાં આવે છે. યુવાનો પણ આ કાર્યક્રમમાં આગળ આવીને ભાગ લે છે. તેમને પણ આ વિષે સમજાવવામાં આવે છે.