દર વર્ષે વિશ્વભરમાં 7 જૂનના દિવસે દર વર્ષે વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ એટલે ‘વર્લ્ડ ફૂડ સેફ્ટી ડે’ મનાવવામાં આવે છે. આ દિવસને મનાવવા પાછળનું કારણ ખાદ્ય સુરક્ષા પ્રત્યે તે લોકોને જાગરૂત કરવાનું છે જે ખરાબ ભોજનનું સેવન કરવાના કારણે ગંભીર રોગથી પીડાય છે. આ સાથે જ ખાતરી કરવાની છે કે દરેક વ્યક્તિને પર્યાપ્ત પ્રમાણમાં સુરક્ષિત અને પૌષ્ટિક ભોજન મળી શકે.
દર વર્ષે વર્લ્ડ ફૂડ સેફ્ટી ડે માટે એક થીમ નક્કી કરવામાં આવે છે. આ વર્ષની થીમ ‘Safer food,better health’ છે, જેનો અર્થ છે સુરક્ષિત ખોરાક, બહેતર સ્વાસ્થ્ય. આ થીમ WHOએ માર્ચમાં જાહેર કરી હતી.
વર્લ્ડ ફૂડ સેફ્ટી ડે ઉજવવાનો હેતુ
આ દિવસ દર વર્ષે 7મી જૂને ઉજવવામાં આવે છે. ખાસ કરીને આ દિવસ ખાદ્ય સુરક્ષા પ્રત્યે લોકોને જાગરૂત કરે છે અને આ દિવસને મનાવવાની જાહેરાત ડિસેમ્બર 2018માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા ખાદ્ય અને કૃષિ સંગઠનના સહયોગથી કરવામાં આવી હતી. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન તેમન ખાદ્ય અને કૃષિ સંગઠન આ ક્ષેત્રથી સંબંધિત અન્ય સંગઠનોના સહયોગથી વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ મનાવવા માટે મળીને કામ કરે છે. વિશ્વ સ્વાસ્થ્ય સભાએ વિશ્વમાં અયોગ્ય આહાર દ્વારા થતી બીમારીઓની સમસ્યાઓને ઓછી કરવા માટે ખાદ્ય સુરક્ષાની દિશામાં પ્રયત્નોને મજબૂત કરવાનો નિર્ણય કર્યો છે.
ભોજન અને પાણીજન્ય બીમારીથી લગભગ 30 લાખ લોકોના મૃત્યુ થાય છે
ખાદ્ય સુરક્ષા ખાતરી કરે છે કે ખાદ્ય સામગ્રીના વપરાશથી પ્રથમ પાકનું ઉત્પાદન, ભંડારણ અને વિતરણ સુધી ખાદ્ય શ્રૃંખલાના દરેક સ્ટેપ સંપૂર્ણપણે સુરક્ષિત હોય. આ કારણથી ખાદ્ય સુરક્ષા દિવસનું મહત્ત્વ વધી જાય છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અનુસાર દૂષિત ખાદ્ય અથવા બેક્ટેરિયા યુક્ત ખાદ્યથી દર વર્ષે 10માંથી એક વ્યક્તિ બીમાર થાય છે. વિશ્વભરમાં વિકસિત અને વિકાસશીલ દેશોમાં દર વર્ષે ભોજન અને પાણીજન્ય બીમારીથી લગભગ 30 લાખ લોકોના મૃત્યુ થાય છે.