આજે શ્રાવણ માસનો ત્રીજો દિવસ, જાણો શ્રાવણમાં આવતા તહેવારો વિશે
શ્રાવણ મહિનાની શરૂઆત થઇ ગઈ છે.શિવમંદિરો ભકતોથી ઉભરાઈ રહ્યા છે ત્યારે આજે અમે તમને શ્રાવણમાં આવતા તહેવારો વિશે.
શ્રાવણ માસમાં તહેવારોની હારમાળા
શ્રાવણ મહિનામાં બહુ બધા તહેવારો આવતા હોય છે. શ્રાવણ મહિનો ચોમાસામાં આવે છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઈએ તો ચોમાસામાં ઉપવાસ કરવો ફાયદાકારક છે. જેને લીધે જ આપણા ઋષિમુનીઓએ વ્રત, જપ, તપ અને ભગવાનની ઉપાસના માટે શ્રાવણ માસ પસંદ કર્યો છે. જેને પગલે આ પરંપરા ચાલી આવી છે કે શ્રાવણ મહિનામાં ઉપવાસ કરવા. જેથી સ્વાસ્થ્ય પણ સારૂ રહે અને ભગવાનને પણ ભજી શકાય.
રક્ષાબંધનઃ રક્ષાબંધનનો તહેવાર શ્રાવણ પૂર્ણિમાએ આવે છે. ભાઈ બહેનના પવિત્ર પ્રેમની નિશાની તરીકે બહેન રાખડી મોકલે અથવા રાખડી બાંધે. બહેન વર્ષ દરમિયાન ન મળી હોય પણ રક્ષાબંધને અવશ્ય ભાઈને મળવા આવે જ. પરંપરાગત આ તહેવારની કડી કુંતામાતા અને અભિમન્યુ સાથે જોડાયેલી છે. કુંતામાતા અભિમન્યુને યુદ્ધમાં જતી વખતે રાખડી બાંધે છે. ક્યાંક વિધર્મી ભાઈ હોય તો પણ ધર્મ અને જ્ઞાતીના વાડા તોડી પવિત્ર પ્રેમ પ્રગટ થાય છે તે આપણે જોઈએ છીએ.
નાગપંચમીઃ શ્રાવણ વદી પાંચમે નાગપંચમીનો તહેવાર આવે છે ત્યારે ‘કુલેર’નો લાડુ બનાવી, નાગદેવતાનું પૂજન કરી બહેનો વ્રત ઉજવે છે. નાગદેવતા ભગવાન શંકરના ગળાનો હાર છે તેથી શ્રધ્ધાળુ ભક્તો આ તહેવાર ભગવાન શીવજીને યાદ કરી પૂજન કરે છે.
રાંધણ છઠઃ શીતળા માતાને યાદ કરી એક દિવસ ઠંડું ખાવાનો રીવાજ છે તેથી રાંધણ છઠના દિવસે અનેક જાતના પકવાનો કરી બીજે દિવસે લોકો ઠંડું ખાય છે.
શીતળા સાતમ: જુના વખતમાં નાના મોટા ગમે તેવા માણસને આખા શરીરે મકાઈના દાણા જેવા ફોડલા થાય ત્યારે શીતળા માતાની બાધા રાખી ઠંડુ ખાવાનું રાખતા હતાં અને શીતળા સાતમે સાત ઘરે જમવાનું માંગીને ખાતા અને શીતળા માતાના મંદિરે જઈ માનતા પુરી કરતા હતા. આજે પણ શીતળા માતાના મંદિરે લોકો દર્શન કરવા જાય છે.
જન્માષ્ટમીઃ ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ દિવસ હોઈ આ દિવસે મંદિરોમાં ભગવાનનો જન્મોત્સવ ઉજવાય છે. મંદિરોમાં નાનકડા પારણામાં ભગવાનને હિંચકા નાખી આનંદ મેળવનાર શ્રધ્ધાળુઓ જાગરણ કરે છે. દ્વારિકા અને ડાકોર જેવા મોટા મંદિરોમાં ઉજવાતા કૃષ્ણ જન્મોત્સવનો ઉજવવામાં આવે છે. કેટલાક ભક્તો રાત્રે કૃષ્ણ જન્મ પછી ભોજન કરી ઉપવાસનાં પારણાં કરે છે તો કોઈ બીજે દિવસે પારણાં કરે છે.
મેળાઓઃ શ્રાવણ માસમાં છેલ્લા સોમવારે ઘણા ગામડાં અને શહેરોમાં નાના મોટા મેળાઓ ભરાય છે. જ્યાં લોકો પરિવાર અને મિત્રો સાથે જાય છે ભગવાનના દર્શન કરી મેળાની મજા માણે છે.
આ રીતે પવિત્ર શ્રાવણ માસ અનેક તહેવારોની હારમાળા લઈને આવે છે અને દેવમંદિરો પણ ભક્તોથી ઉભરાય છે. લોકો ભગવાનની પૂજા અર્ચના કરી પુણ્યનું ભાથું બાંધે છે.