HD ન્યૂઝ ડેસ્ક (અમદાવાદ), 02 જાન્યુઆરી: આજથી 70 વર્ષ પહેલાં આજના જ દિવસે દેશના સૌથી સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્ન ની જાહેરાત કરવામાં આવી હતી. આ નાગરિક સન્માન રાજનીતિ, કલા, સાહિત્ય અને વિજ્ઞાનના ક્ષેત્રમાં વિચારક, વિજ્ઞાની, ઉદ્યોગપતિ, લેખક અને સામાજિક કાર્યકરને આપવામાં આવે છે. ભારત રત્ન એવોર્ડની શરૂઆત 2 જાન્યુઆરી, 1954ના રોજ તત્કાલિન રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ દ્વારા કરાઈ હતી. પ્રથમ સન્માન સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલ ચક્રવર્તી રાજગોપાલાચારી, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન અને વિજ્ઞાની ડૉ. ચંદ્રશેખર વેંકટ રામનને 1954માં આપવામાં આવ્યું હતું. ત્યારથી ઘણા લોકોને તેમના સંબંધિત ક્ષેત્રમાં તેમના ઉત્કૃષ્ટ યોગદાન માટે આ સન્માન આપવામાં આવ્યું છે. તો ચાલો જાણીએ આજે ભારત રત્નથી જોડાયેલી કેટલીક રોચક વાતો…
ભારત રત્ન સાથે જોડાયેલી રોચક વાતો
1954માં આ સન્માન જીવિત વ્યક્તિને જ આપવામાં આવ્યું હતું, પરંતુ 1955માં મરણોત્તર ભારત રત્ન આપવાની જોગવાઈ પણ ઉમેરવામાં આવી હતી.
ભારત રત્ન પ્રાપ્તકર્તાઓની સત્તાવાર જાહેરાત ગેઝેટ ઓફ ઈન્ડિયામાં સૂચના જારી કરીને કરવામાં આવે છે. આ સન્માન દર વર્ષે 26 જાન્યુઆરીએ આપવામાં આવે છે.
2013માં પ્રથમ વખત રમત-ગમતના ક્ષેત્રમાં સર્વોચ્ચ યોગદાન અને પ્રદર્શન માટે ભારત રત્ન આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
આ પછી 2014માં ક્રિકેટર સચિન તેંડુલકરને આ સન્માન આપવામાં આવ્યું હતું.
આ એવોર્ડ બિનભારતીયને પણ આપી શકાય છે. મધર ટેરેસાને 1980માં ભારત રત્ન આપવામાં આવ્યો હતો. સ્વતંત્રતા સેનાની ખાન અબ્દુલ ગફાર ખાન (આઝાદી પહેલા ભારતમાં જન્મેલા અને બાદમાં પાકિસ્તાન ગયા) અને દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ પ્રમુખ નેલ્સન મંડેલાને પણ આ સન્માન આપવામાં આવ્યું છે.
કોઈપણ એક વર્ષમાં વધુમાં વધુ ત્રણ ભારત રત્ન આપી શકાય છે.
આ સન્માનમાં વ્યક્તિને માત્ર પ્રમાણપત્ર અને મેડલ મળે છે. પૈસા મળતા નથી.
વર્ષ 1956, 1959, 1960, 1964, 1965, 1967, 1968-70, 1972-74, 1977-79, 1981, 1982, 1984-86, 1993-96, 2000, 2002-08, 2010-13, 2020-22 ભારત રત્ન આપવામાં આવ્યો ન હતો.
ભારત રત્ન પુરસ્કાર માટે પસંદગીની પ્રક્રિયા પદ્મ પુરસ્કારોથી અલગ છે. જેમાં ભારતના વડાપ્રધાન ભારત રત્ન માટે રાષ્ટ્રપતિને એક વ્યક્તિના નામની ભલામણ કરે છે. ભારત રત્ન માટે કોઈ ઔપચારિક ભલામણની જરૂર નથી. કોઈપણ વ્યક્તિ જાતિ, વ્યવસાય, સ્થિતિ અથવા લિંગના આધારે કોઈપણ ભેદભાવ વિના આ પુરસ્કાર માટે પાત્ર ગણી શકાય. વર્ષમાં માત્ર ત્રણ જ ભારત રત્ન આપવામાં આવે છે. તેમજ ભારત રત્ન એવોર્ડ દર વર્ષે આપવામાં આવે તે જરૂરી નથી. અત્યાર સુધીમાં કુલ 48 લોકોને ભારત રત્ન એનાયત કરવામાં આવ્યા છે. છેલ્લે આ સન્માન વર્ષ 2019માં આપવામાં આવ્યું હતું. 2019માં નાનાજી દેશમુખ (મરણોત્તર) ને સમાજ સેવાના ક્ષેત્રમાં ભારત રત્ન, ડૉ. ભૂપેન હજારિકા (મરણોત્તર)ને કલાના ક્ષેત્રમાં અને ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને જાહેર કાર્ય માટે ભારત રત્ન એનાયત કરવામાં આવ્યો હતો.
ભારત રત્ન મેડલની કિંમત
દેશના રાષ્ટ્રપતિ કોઈ વ્યક્તિને ભારતનું સર્વોચ્ચ નાગરિક સન્માન આપતા સમયે તેને બે વસ્તુઓ આપે છે. એક છે સનદ (પ્રમાણપત્ર). તેના પર ખુદ રાષ્ટ્રપતિની સહી હોય છે. બીજી વસ્તુ ટોન્ડ બ્રોન્ઝથી બનેલો મેડલ છે. આ મેડલ પીપળના પાનના આકારમાં બનેલો હોય છે. આગળના ભાગમાં પ્લેટિનમનો ચમકતો સૂર્ય છે. જેની નીચે ચાંદીમાં હિન્દીમાં ભારત રત્ન લખેલું હોય છે. પાછળની બાજુએ અશોક સ્તંભ છે અને તેની નીચે દેશનું સૂત્ર – સત્યમેવ જયતે – લખેલું છે. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર ભારત રત્ન મેડલ અને તેના બોક્સની કુલ કિંમત 2,57,732 રૂપિયા છે.
48 મહાનુભાવોને ભારત રત્નથી સન્માનિત કરાયા
1. પ્રણવ મુખર્જી (2019)
2. ભૂપેન હજારિકા (2019)
3. નાનાજી દેશમુખ (2019)
4. મોહન માલવિયા (2015)
5. અટલ બિહારી વાજપેયી (2015)
6. સચિન તેંડુલકર (2014)
7. CNR રાવ (2014)
8. પંડિત ભીમસેન જોશી (2008)
9. લતા દીનાનાથ મંગેશકર (2001)
10. ઉસ્તાદ બિસ્મિલ્લા ખાન (2001)
11. પ્રોફેસર અમર્ત્ય સેન (1999)
12. લોકપ્રિયા ગોપીનાથ બોરદોલોઈ (1999)
13. લોકનાયક જયપ્રકાશ નારાયણ (1999)
14. પંડિત રવિશંકર (1999)
15. ચિદમ્બરમ સુબ્રમણ્યમ (1998)
16. મદુરાઈ સન્મુખવાદિવુ સુબ્બુલક્ષ્મી (1998)
17. ડૉ. અબુલ પાકિર જૈનુલાબ્દીન અબ્દુલ કલામ (1997)
18. અરુણા અસફ અલી (1997)
19. ગુલઝારી લાલ નંદા (1997)
20. જહાંગીર રતનજી દાદાભાઈ ટાટા (1992)
21. મૌલાના અબુલ કલામ આઝાદ (1992)
22. સત્યજીત રે (1992)
23. મોરારજી રણછોડજી દેસાઈ (1991)
24. રાજીવ ગાંધી (1991)
25. સરદાર વલ્લભભાઈ પટેલ (1991)
26. ડૉ. ભીમરાવ રામજી આંબેડકર (1990)
27. ડૉ. નેલ્સન રોલિહલાહલા મંડેલા (1990)
28. મરુદુર ગોપાલન રામચંદ્રન (1988)
29. ખાન અબ્દુલ ગફાર ખાન (1987)
30. આચાર્ય વિનોબા ભાવે (1983)
31. મધર ટેરેસા (1980)
32. કુમારસ્વામી કામરાજ (1976)
33. વરાહગીરી વેંકટ ગીરી (1975)
34. ઇન્દિરા ગાંધી (1971)
35. લાલ બહાદુર શાસ્ત્રી (1966)
36. ડૉ. પાંડુરંગ વામન કાણે (1963)
37. ડૉ. ઝાકિર હુસૈન (1963)
38. ડૉ. રાજેન્દ્ર પ્રસાદ (1962)
39. ડૉ.બિધાન ચંદ્ર રોય (1961)
40. પુરુષોત્તમ દાસ ટંડન (1961)
41. ડૉ.ધોંડે કેશવ કર્વે (1958)
42. પં. ગોવિંદ બલ્લભ પંત (1957)
43. ડૉ. ભગવાન દાસ (1955)
44. જવાહરલાલ નેહરુ (1955)
45. ડૉ. મોક્ષગુંડમ વિવેશ્વરાય (1955)
46. ચક્રવર્તી રાજગોપાલાચારી (1954)
47. ડૉ. ચંદ્રશેખર વેંકટ રામન (1954)
48. ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન (1954)
આ સન્માન મેળવનારને સરકાર કેટલીક સુવિધા પ્રદાન કરે છે
આ સન્માન મેળવનાર વ્યક્તિઓનું સમાજમાં સન્માન વધે છે. જો કે, સત્તાવાર રીતે આ સન્માન નામની આગળ કે પછી ઉમેરી શકાય નહીં. જેમ કે, મહાન ક્રિકેટ બેટ્સમેન સચિન તેંડુલકરને વર્ષ 2014માં ભારત રત્ન એવોર્ડ મળ્યો હતો. કાયદેસર રીતે તે પોતાના નામની આગળ કે પછી ભારત રત્ન ઉમેરી શકે નહીં. આ નિયમ બંધારણની કલમ 18(1) મુજબ બનાવવામાં આવ્યો છે. જો કે, જો પુરસ્કાર મેળવનારને જરૂર લાગે, તો તેઓ પોતાના બાયો-ડેટા, લેટરહેડ અથવા વિઝિટિંગ કાર્ડ – ‘રાષ્ટ્રપતિ દ્વારા ભારત રત્ન એનાયત’ અથવા ‘ભારત રત્ન પ્રાપ્તકર્તા’ લખી શકે છે.
ભારત રત્ન પુરસ્કારમાં વ્યક્તિને પૈસા નથી મળતા. પરંતુ, ભારત રત્નથી સન્માનિત વ્યક્તિને આખી જિંદગી એર ઈન્ડિયાના એક્ઝિક્યુટિવ ક્લાસમાં મફત મુસાફરીની સુવિધા મળે છે.ભારતનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર મેળવનારને ભારતની અંદરના કોઈપણ રાજ્યની મુલાકાત વખતે રાજ્ય અતિથિનો દરજ્જો આપવામાં આવે છે. રાજ્યના મહેમાનોનું રાજ્યમાં સ્વાગત, વાહનવ્યવહાર, ભોજન અને રહેવાની સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. તેમને નિયમોના આધારે સુરક્ષા પણ આપવામાં આવે છે. દેશમાં બહુ ઓછા લોકોને આ સન્માન મળે છે. આ સિવાય ભારતના રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને વડાપ્રધાન જેવી મોટી હસ્તીઓને જ સ્ટેટ ગેસ્ટનો દરજ્જો મળે છે.