ટીમ ઈન્ડિયાના એક સાથે 5 ખેલાડીઓનો આજે જન્મદિવસ
- આજે (6 ડિસેમ્બર) ટીમ ઈન્ડિયાના 5 ખેલાડીઓનો જન્મદિવસ છે, આમાંથી ઘણા ક્રિકેટ ખેલાડીઓ હજુ પણ ટીમ ઈન્ડિયા માટે રમી રહ્યા છે. ચાલો તમને જણાવીએ કે આજે કયા ખેલાડીઓનો જન્મદિવસ છે.
મુંબઈ, 06 ડિસેમ્બર: આજે ભારતીય ક્રિકેટ ટીમ માટે ખૂબ જ ‘ખાસ’ દિવસ છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ટીમ ઈન્ડિયા માટે ઝંડો ફરકાવનાર પાંચ ખેલાડીઓનો આજે જન્મદિવસ છે. જેમાંથી 3 ખેલાડીઓ ટીમ ઈન્ડિયાના મહત્વના ભાગ છે. એક ખેલાડી લાંબા સમયથી ટીમની બહાર છે. આમાંથી એક ખેલાડીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. આ પાંચ ખેલાડીઓની યાદીમાં જસપ્રિત બુમરાહ, શ્રેયસ અય્યર, રવિન્દ્ર જાડેજા, કરુણ નાયર અને આરપી સિંહના નામ સામેલ છે, જેમનો આજે જન્મદિવસ છે.
રવિન્દ્ર જાડેજા: ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા આજે 35 વર્ષનો થઈ ગયો છે. 6 ડિસેમ્બર 1988ના રોજ સૌરાષ્ટ્રમાં જન્મેલા રવિન્દ્ર જાડેજાએ 2009માં શ્રીલંકા સામે તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની શરૂઆત કરી હતી.
જાડેજાએ આ વર્લ્ડ કપમાં પોતાની બોલિંગથી પ્રભાવિત કરીને 11 મેચમાં 24.87ની એવરેજ અને 4.25ના ઈકોનોમી રેટથી 16 વિકેટ ઝડપી છે. તે હાલમાં ICC ટેસ્ટ રેન્કિંગમાં નંબર 1 બોલર છે. જાડેજાએ 2804 રન, 67 ટેસ્ટમાં 275 વિકેટ, 2756 રન, 197 વનડેમાં 220 વિકેટ અને 64 T20 આંતરરાષ્ટ્રીય મેચમાં 457 રન અને 51 વિકેટ લીધી છે.
જાડેજાએ 2005માં માતા લતાબેનને ગુમાવ્યા હતા. તે સરકારી હોસ્પિટલમાં નર્સ હતા, આ સમયે જાડેજાએ ક્રિકેટ છોડવાનો નિર્ણય લીધો હતો. પરંતુ પરિવારે તેમને હિંમત આપી. જાડેજાએ તેની શરૂઆતની ક્રિકેટ મહેન્દ્રસિંહ ચૌહાણ પાસેથી શીખી હતી. જાડેજા શરૂઆતમાં સીમ બોલિંગ કરતો હતો, પરંતુ મહેન્દ્ર સિંહના કારણે જ તેણે સ્પિન બોલિંગ શરૂ કરી હતી.
જસપ્રિત બુમરાહ: ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ આજે 30 વર્ષનો થઈ ગયો છે. 6 ડિસેમ્બર 1993ના રોજ અમદાવાદમાં જન્મેલા બુમરાહ ભારત માટે ત્રણેય ફોર્મેટ (ટેસ્ટ, ODI અને T20)માં ભાગ લે છે. પીઠની ઈજાને કારણે બુમરાહ પણ ક્રિકેટિંગ એક્શનથી દૂર રહ્યો હતો અને તે વર્લ્ડ કપ પહેલા આયર્લેન્ડ પ્રવાસ પર ટીમ ઈન્ડિયામાં પાછો ફર્યો હતો.
જસપ્રીત બુમરાહે ભારત માટે અત્યાર સુધીમાં 30 ટેસ્ટ, 89 વનડે અને 62 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. જ્યાં તેમના નામે અનુક્રમે 129, 149 અને 74 વિકેટ છે. સપ્ટેમ્બર 2019માં, જસપ્રીત બુમરાહે વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટમાં હેટ્રિક ફટકારી હતી. ક્રિકેટના સૌથી મોટા ફોર્મેટમાં હેટ્રિક લેનાર તે માત્ર ત્રીજો ભારતીય બોલર છે. જસપ્રિત બુમરાહે 2021 માં ટીવી પ્રસ્તુતકર્તા સંજના ગણેશન સાથે લગ્ન કર્યા, તેમને એક પુત્ર અંગદ પણ છે.
જસપ્રિત બુમરાહના ક્રિકેટર બનવાની કહાની ખૂબ જ સંઘર્ષભરી રહી છે. તે પાંચ વર્ષનો હતો ત્યારે તેના પિતાનું અવસાન થયું. તેની માતા અમદાવાદમાં શિક્ષિકા હતી. નાની ઉંમરમાં જ તેના પિતાના અવસાનથી બુમરાહના પરિવારને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. 14 વર્ષની ઉંમરે બુમરાહે ક્રિકેટર બનવાનું સપનું જોયું હતું. બુમરાહ માટે તેની માતાને મનાવવાનું સરળ નહોતું પરંતુ માતા તેના પુત્રના સપના માટે રાજી થઈ ગઈ. પછી બુમરાહને ક્રિકેટર બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો, બુમરાહે જે પણ કર્યું તે બધું આપણી સામે છે.
શ્રેયસ અય્યર: મુંબઈનો આ બેટ્સમેન આજે 29 વર્ષનો થઈ ગયો છે. શ્રેયસ અય્યર ભારત માટે અત્યાર સુધીમાં 10 ટેસ્ટ, 58 વનડે અને 51 T-20 રમી ચૂક્યો છે. જેમાં તેમના નામ અનુક્રમે 666, 2331 રન છે. શ્રેયસે આ વર્લ્ડ કપમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે 11 મેચમાં 66.25ની એવરેજ અને 113.24ની સ્ટ્રાઈક રેટથી 530 રન બનાવ્યા હતા.
કરુણ નાયર: કરુણ નાયર મૂળ કર્ણાટકના છે, તેમનો જન્મ રાજસ્થાનના જોધપુરમાં થયો હતો. 32 વર્ષીય કરુણ નાયર વીરેન્દ્ર સેહવાગ પછી ટેસ્ટ ક્રિકેટમાં ત્રેવડી સદી ફટકારનાર બીજો ભારતીય ક્રિકેટર છે. જોકે, તેમને ઘણી તકો મળી નથી અને તે 2017થી આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી દૂર છે.
તેણે પોતાની કારકિર્દીની માત્ર ત્રીજી ટેસ્ટ મેચમાં ત્રેવડી સદી ફટકારી હતી. પરંતુ ત્યારપછી તે માત્ર ત્રણ ટેસ્ટ મેચ રમી શક્યા છે. નાયરના નામે છ ટેસ્ટ મેચમાં 62.33ની એવરેજથી 374 રન છે. આ સિવાય તેમણે બે વન-ડેમાં પણ ભાગ લીધો હતો, જેમાં તેમણે કુલ 46 રન બનાવ્યા હતા. કરુણ નાયર IPL 2022માં રાજસ્થાન રોયલ્સનો ભાગ હતો. તે પંજાબ કિંગ્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ, આરસીબી જેવી ટીમોમાં પણ રમી ચૂક્યો છે.
RP સિંહ: રાયબરેલીમાં જન્મેલા RP સિંહ આજે 38 વર્ષના થયા. ઉત્તર પ્રદેશના આ ફાસ્ટ બોલરે પોતાની ક્રિકેટ કારકિર્દીની શરૂઆત ધમાકેદાર રીતે કરી હતી.
આરપીને 2006માં પાકિસ્તાન વિરુદ્ધ ફૈસલાબાદ ટેસ્ટમાં ડેબ્યૂ કરવાની તક મળી હતી. તે પોતાની પહેલી જ મેચમાં ‘મેન ઓફ ધ મેચ’ બન્યો હતો. 2007માં પ્રથમ T20 વર્લ્ડ કપમાં ભારતને ચેમ્પિયન બનાવવામાં આરપીએ મહત્વની ભૂમિકા ભજવી હતી. આરપીએ 14 ટેસ્ટ મેચમાં 40 વિકેટ લીધી હતી. ઇનિંગ્સમાં તેની સર્વશ્રેષ્ઠ બોલિંગ 5/59 હતી. આ સિવાય તેણે 58 વનડેમાં 69 અને 10 T20 ઈન્ટરનેશનલમાં 15 વિકેટ ઝડપી છે. નિવૃત્તિ બાદ RP સિંહ કોમેન્ટ્રીની દુનિયામાં ઘણું નામ કમાઈ રહ્યા છે.
આ પણ વાંચો: IPL 2024 : ત્રણ નવા કેપ્ટન સાથે ઉતરશે આ 3 ટીમો