‘હરે કૃષ્ણ, હરે રામ’નો મહામંત્ર આપનાર ચૈતન્ય મહાપ્રભુજીની આજે જન્મતિથિ
- ચૈતન્ય મહાપ્રભુજીનો પશ્ચિમ બંગાળમાં નવદ્વીપ મંડળનાં નાદિયા ગામમાં થયો હતો જન્મ
- “હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ હરે રામ રામ રામ હરે હરે”નો આપ્યો મહામંત્ર
HD ન્યૂઝ ડેસ્ક, 18 ફેબ્રુઆરી: ચૈતન્ય મહાપ્રભુજીનો જન્મ હાલનાં પશ્ચિમ બંગાળમાં નવદ્વીપ મંડળ તરીકે ઓળખાતા પ્રદેશનાં નાદિયા ગામમાં 18 ફેબ્રુઆરી, 1486ના રોજ થયો હતો. તેઓને ઇતિહાસમાં એક સંત/સંન્યાસી અને તે સમયના બંગાળ (હાલના પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશ) તથા ઓરિસ્સાના એક સમાજ સુધારક ગણવામાં આવે છે. પરંતુ ગૌડીય વૈષ્ણવો તેમને સ્વયં ભગવાન શ્રી કૃષ્ણજ રાધા રાણીના ભાવ અને રૂપમાં માને છે. “હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ હરે રામ રામ રામ હરે હરે”નો મહામંત્ર ચૈતન્ય મહાપ્રભુજી દ્વારા સમગ્ર વિશ્વને આપવામાં આવ્યો હતો. ચૈતન્ય મહાપ્રભુનાં અન્ય નામોમાં શ્રી કૃષ્ણ ચૈતન્ય મહાપ્રભુ, ગૌર ચાંદ, વિશ્વંભર, ગૌર હરિ, શચિસુત, નિમાઈ જેવા છ નામોનો સમાવેશ કરવામાં આવે છે. ચૈતન્ય મહાપ્રભુજીનું અવસાન 1534માં થયું હતું.
રાધાજીની જેમ ચૈતન્ય મહાપ્રભુજી પણ શ્રીકૃષ્ણના વિરહમાં ચોધાર આંસુએ રડતા હતા
ચૈતન્ય મહાપ્રભુજીની માતાનું નામ શચીદેવી હતું અને પિતાનું નામ જગન્નાથ મિશ્ર હતું. કહેવામાં આવે છે કે, રાધાજી જેમ શ્રીકૃષ્ણના વિરહમાં રાત-દિવસ રડતાં હતાં, તેવી જ રીતે ચૈતન્ય મહાપ્રભુજી પણ શ્રીકૃષ્ણના વિરહમાં ચોધાર આંસુએ રડતા, કયારેક નાચવા લાગતાં, કયારેક દોડવા લાગતાં, કયારેક મૂર્છા ખાઈને જમીન પર ઢળી પડતા. મહાપ્રભુજીને શ્રીકૃષ્ણના વિરહમાં રડતા જોઈને મોટા-મોટા પંડિતો પણ શ્રીકૃષ્ણની ભકિતમાં લીન થઈ જતાં. કેટલાય દુરાચારીઓ પણ મહાપ્રભુજીના સંગમાં આવીને કૃષ્ણભકત બની ગયા. મહાપ્રભુજી ન્યાય, વેદાંતના પ્રખર પંડિત હતા. તેઓ ચોવીસ વર્ષ સુધી સંસારમાં રહ્યા હતા. તેમની પહેલી પત્નીનું નામ ‘લક્ષ્મીદેવી’ હતું જેના મૃત્યુ પછી તેમણે ‘વિષ્ણુપ્રિયા’ સાથે લગ્ન કર્યાં હતા.
ચૈતન્ય મહાપ્રભુજી ભક્તો સાથે સંકિર્તન કરતા હતા
ભારતના સંન્યાસીઓને શ્રીકૃષ્ણની ભકિતમાં તથા પરમ વૈરાગ્યનાં માર્ગે વાળવા માટે ચૈતન્ય મહાપ્રભુજીએ ચોવીસ વર્ષની ઉંમરે ‘કેશવ ભારતીજી’ પાસે સંન્યાસ દીક્ષા ગ્રહણ કરી સંસારનો ત્યાગ કર્યો હતો અને અનેક તીર્થોમાં ભ્રમણ કર્યું હતું. ચૈતન્ય મહાપ્રભુજીએ કેટલાય ભકતોને ચતુર્ભુજ રૂપે, દ્વિભુજ રૂપે, છડ્ભુજ રૂપે શ્રીકૃષ્ણ સ્વરૂપનાં દર્શન કરાવ્યાં હતાં. તેમણે અનેક ચમત્કારો પણ કર્યા હતા. કેટલાક રોગી, કોઢીઓને રોગમુકત કર્યા હતા. પુરાણો મુજબ, તેમણે દક્ષિણમાં એક તળાવના પાણીને ‘મધ’ બનાવ્યું હતું. આજે પણ તે તળાવ ‘મધુ પુષ્કરિણી’ના નામે દક્ષિણમાં પ્રખ્યાત છે. તેઓ પોતાના ભકતોને કહેતા હતા કે, સર્વ શાસ્ત્રોનો સાર શ્રીકૃષ્ણ નામનો જપ કરવામાં છે. તેમણે ભકતોને મહામંત્ર આપ્યો ‘હરે કૃષ્ણ! હરે કૃષ્ણ! કૃષ્ણ, કૃષ્ણ હરે હરે! હરે રામ હરે રામ! રામ, રામ! હરે હરે!’ જેને મહામંત્ર અથવા હરે કૃષ્ણ મંત્ર તરિકે લોકો વધુ સારી રીતે ઓળખે છે. ડોંગરેજી મહારાજ તેમની કથામાં જયારે આ ધૂન બોલાવતા ત્યારે કથામંડપમાં હજારો ભકતોની આંખોમાં આંસુ છલકાઇ જતાં હતા. નગર સંકીર્તનની શરૂઆત કરનાર મહાપ્રભુ છે. કેટલીકવાર જગન્નાથપુરીની ગલીઓમાં શ્રીકૃષ્ણ નામનો નાદ કરતા ચૈતન્ય મહાપ્રભુજી ગલીએ ગલીએ ફરતા હતા. તેમની આ પરંપરા આજે પણ ચાલુ છે. તેમણે લખેલું કૃષ્ણભકિતનું અષ્ટક (શિક્ષાષ્ટક) તેમનાં હૃદયનાં શુદ્ધ ભાવને પ્રગટ કરે છે.
ચૈતન્ય મહાપ્રભુજી કહે છે કે,
1. હું બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય કે શૂદ્ર નથી અને હું બ્રહ્મચારી, ગૃહસ્થ, વાનપ્રસ્થ કે સંન્યાસી પણ નથી. હું તો ગોપીજન વલ્લભ, ભગવાન શ્રીકૃષ્ણના ચરણ કમળના દાસનો પણ દાસાનુદાસ છું. તેઓ અમૃતના મહાસાગર જેવા છે અને અખિલ વિશ્વવ્યાપી પરમ આનંદના કારણ છે. તેમનું અસ્તિત્વ સદા તેજોમય રહે છે.
2. જે ભજે છે તે જ મોટો છે, જે ભક્ત નથી એ તૃચ્છ છે. શ્રીકૃષ્ણના ભજનમાં જાતિ કુળનો કોઈ વિચાર નથી.
3. જે મનુષ્ય શ્રીકૃષ્ણ ભક્તિના વિજ્ઞાનમાં નિષ્ણાત હોય તે ભલે ગમે તે જાતિનો કેમ ન હોય, તે જ વાસ્તવિક સદગુરુ છે.
હરે કૃષ્ણ! હરે કૃષ્ણ! કૃષ્ણ, કૃષ્ણ હરે હરે!
હરે રામ હરે રામ! રામ, રામ! હરે હરે!
આ મહામંત્ર આપનાર શ્રી ચૈતન્ય મહાપ્રભુજીને તેમની જન્મતિથિ પર શત શત વંદન.
(સંદર્ભ: શ્રી ચૈતન્ય-ચરિતામૃત, દલિત-દેવો ભવ-દ્વિતીય ભાગ, ભગવદ્ ગીતા તેના મૂળ રૂપે)
આ પણ જુઓ: મહાશિવરાત્રી ક્યારે ઉજવાશે? શિવજીની પૂજા માટે કેમ ખાસ છે આ દિવસ?