વૃક્ષો – છોડમાં જીવન હોવાની શોધ કરનાર ભારતીય વિજ્ઞાની જગદીશચંદ્ર બોઝની આજે જન્મ જયંતી
- રેડિયો અને તરંગો શોધનાર તેમજ અમેરિકન પેટન્ટ મેળવનાર પ્રથમ ભારતીય વિજ્ઞાની હતા
- વૃક્ષો અને છોડમાં પણ મનુષ્ય જેવું જીવન હોવાની શોધ કરનાર જગદીશ ચંદ્ર બોઝ
અમદાવાદ, 30 નવેમ્બર : 1858માં જન્મેલા જગદીશ ચંદ્ર બોઝની આજે જન્મજયંતિ છે. ભારતીય વિજ્ઞાની જગદીશ ચંદ્ર બોઝે શોધ્યું હતું કે,વૃક્ષો અને છોડમાં પણ આપણા જેવું જીવન હોય છે. એટલું જ નહીં, તેમણે રેડિયો તરંગોની શોધ કરવાનો શ્રેય પણ મળે છે. તેથી, તેમને રેડિયોના પિતા પણ કહેવામાં આવે છે. તેઓ રેડિયો અને તરંગો શોધનાર પ્રથમ ભારતીય વૈજ્ઞાનિક હતા અને અમેરિકન પેટન્ટ મેળવનાર પ્રથમ ભારતીય વૈજ્ઞાનિક પણ હતા. જગદીશચંદ્ર બોઝે રેડિયો અને માઇક્રોવેવ ઓપ્ટિક્સની તપાસની પહેલ કરી હતી. જગદીશચંદ્ર બોઝનું 23 નવેમ્બર, 1937ના રોજ નિધન થયું હતું.
ઢાકાના મૈમનસિંહમાં જગદીશચંદ્ર બોઝનો થયો હતો જન્મ
મહાન ભારતીય વિજ્ઞાની જગદીશ ચંદ્ર બસુ અથવા બોઝનો જન્મ 30 નવેમ્બર 1858ના રોજ બાંગ્લાદેશમાં ઢાકા જિલ્લાના મૈમનસિંહ, ફરીદપુરમાં એક કાયસ્થ પરિવારમાં થયો હતો. તેમના પિતા અંગ્રેજો માટે કામ કરતા હતા. અને તે જાણતા હતા કે જગદીશચંદ્ર પણ સરકારી નોકરી તરફ ઝુકાવ ધરાવે છે, પરંતુ તેના પિતાએ તેને વિજ્ઞાન ભણવાની અને જાતે જ કંઈક કામ કરવાની સલાહ આપી હતી. જગદીશચંદ્ર બોઝનું પ્રાથમિક શિક્ષણ ગામમાં થયું હતું, ત્યારબાદ તેઓ અભ્યાસ માટે લંડન ગયા હતા. તે લંડન યુનિવર્સિટીમાં મેડિસિનનો અભ્યાસ કરવા ગયા હતા, પરંતુ તબિયત ખરાબ હોવાને કારણે તેમણે ભારત પરત ફરવું પડ્યું હતું. આ પછી, તેમણે પ્રેસિડેન્સી કોલેજમાં ભૌતિકશાસ્ત્રના પ્રોફેસરનું પદ સંભાળ્યું હતું. જો કે, વંશીય ભેદભાવનો ભોગ બનવાને કારણે તેમણે તેમના પદ પરથી રાજીનામું આપી દીધું અને તેમનું સંપૂર્ણ ધ્યાન સંશોધન કાર્ય પર કેન્દ્રિત કર્યું.
જગદીશચંદ્ર બોઝને જીવવિજ્ઞાન, વનસ્પતિ અને ભૌતિકશાસ્ત્રનું ઊંડું જ્ઞાન હતું અને તેઓ પુરાતત્ત્વશાસ્ત્ર વિશે પણ જાણતાં હતા. જગદીશચંદ્ર બોઝ તેમનો મોટાભાગનો સમય કામમાં વિતાવતા હતા. જગદીશ ચંદ્ર બોઝે વાયરસના તરંગો માટે અથાગ પ્રયત્નો કર્યા હતા. સામાન્ય ટેલિકોમ્યુનિકેશનના સંકેતને શોધવામાં પણ સફળતા મેળવી અને તેણે આ શોધને સાર્વજનિક કરી હતી, જેથી અન્ય વૈજ્ઞાનિકો તેના પર સંશોધન કરી શકે. વર્ષ 1899માં, લંડનમાં રોયલ સોસાયટી સમક્ષ તેમના સંશોધન પત્રમાં, તેમણે એક સંવેદનશીલ ઉપકરણની શોધની જાહેરાત કરી, જેણે લાંબા અંતરના વાયરલેસ સંચારને શક્ય બનાવ્યું.
બંગાળી વિજ્ઞાન સાહિત્યના પિતા એટલે જગદીશચંદ્ર બોઝ
જગદીશ ચંદ્ર બોઝને બંગાળી વિજ્ઞાન સાહિત્યના પિતા પણ માનવામાં આવે છે, કારણ કે સાહિત્યમાં તેમના સારા જ્ઞાનને કારણે, તેમણે ઘણી વૈજ્ઞાનિક વાર્તાઓ લખી છે જે આજે પણ આપણને પ્રેરણા આપે છે. 1997માં, ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયર્સ દ્વારા બોઝને ‘રેડિયો વિજ્ઞાનના પિતા’ તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. રેડિયો સાયન્સમાં સિદ્ધિની સાથે તેમણે વનસ્પતિશાસ્ત્રમાં પણ સફળતા મેળવી અને આ રીતે ક્રેસ્કોગ્રાફની મદદથી સમજાયું કે વૃક્ષો અને છોડમાં પણ જીવન છે. તેમણે કહ્યું કે વૃક્ષો પણ પીડા અનુભવે છે, તેમનું જીવન તાપમાન-પ્રકાશ અને ફેરફારોથી પણ પ્રભાવિત થાય છે. જગદીશ ચંદ્ર બોઝ પ્રથમ વૈજ્ઞાનિક હતા જેમણે કહ્યું કે વૃક્ષો અને છોડ પણ પીડા અનુભવે છે. તેમને 1916માં નાઈટહૂડ અને 1920માં બ્રિટનમાં રોયલ સોસાયટી ઓફ સાયન્સના ફેલોથી નવાજવામાં આવ્યા હતા. જગદીશ ચંદ્ર બસુનું 23 નવેમ્બર 1937ના રોજ અવસાન થયું હતું.
આ પણ વાંચો :ભારતના મહાન વિજ્ઞાની જગદીશચંદ્ર બોઝની આજે પૂણ્યતિથિ, આવો જાણીએ એમના વિશે