આદિવાસી અને વાલ્મિકી સમાજના મસિહા ઠક્કરબાપાની આજે 155મી જન્મજયંતી, જાણો તેમના વિશે
- ઠક્કરબાપાનો જન્મ 29 નવેમ્બર, 1869ના રોજ ગુજરાતના ભાવનગરમાં થયો હતો
HD ન્યૂઝ ડેસ્ક, 29 નવેમ્બર: આદિવાસી અને વાલ્મિકી સમાજના મસિહા અમૃતલાલ વિઠ્ઠલદાસ ઠક્કર એટલે ઠક્કરબાપાની આજે શુક્રવારે 155મી જન્મજયંતી છે. ઠક્કરબાપાની જન્મજયંતી નિમિતે ગુજરાત વિધાનસભા પોડિયમમાં આવેલા તેમના તૈલચિત્રને વિધાનસભાના ઇન્ચાર્જ સચિવ ચેતન પંડ્યા સહિત અધિકારી-કર્મચારીઓએ પુષ્પાંજલિ આપી શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા. ઠક્કરબાપા એવા ભારતીય સામાજિક કાર્યકર તરીકે જાણીતા હતા જેમણે ભારતના ગુજરાત રાજ્યમાં આદિવાસી લોકોના ઉત્થાન માટે કામ કર્યું હતું. તેમનો જન્મ 29 નવેમ્બર, 1869ના રોજ ગુજરાતના ભાવનગરમાં થયો હતો.
‘હરિજન’, ‘ધ સર્વન્ટ ઑવ્ ઇન્ડિયા’ અને ‘હિન્દુસ્તાન ટાઇમ્સ’ જેવાં, સામયિકોમાં તેઓ લેખો લખતા. તેમની ડાયરી, ભારતના આદિવાસીઓના પ્રશ્નો અંગેના તેમના ‘કાળે મેમૉરિયલ વ્યાખ્યાન’ અને ‘ભારતની આદિમ જાતિઓ’ જેવાં પુસ્તક દ્વારા તેમની માનવતાપ્રેમી નીતિ અને સદભાવનાનો પરિચય થાય છે.
અમૃતલાલ વિઠ્ઠલદાસ ઠક્કર એટલે ઠક્કરબાપા વિશે જાણો
ઠક્કરબાપાનો જન્મ પિતા વિઠ્ઠલદાસ અને માતા મૂળીબાઈના સંસ્કારી લોહાણા કુટુંબમાં થયો હતો. આ લોહાણા કુટુંબના છ પુત્રો અને એક પુત્રી પૈકી તેઓ બીજું સંતાન હતા. તેમણે પ્રાથમિક શિક્ષણ ભાવનગર અને ધોલેરામાં લીધું હતું. મૅટ્રિક સુધીનો અભ્યાસ ભાવનગરની આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં કર્યો હતો. મુંબઈ યુનિવર્સિટીની મૅટ્રિકની પરીક્ષામાં સમગ્ર રાજ્યમાં પ્રથમ નંબરે આવી તેમણે જશવંતસિંહજી સ્કૉલરશિપ મેળવી. 1887માં પુણેની ઇજનેરી કૉલેજમાં દાખલ થઈને 1890માં LCEની ઇજનેરી ડિગ્રી પ્રાપ્ત કરી.
લોહાણા છાત્રાલયના ગૃહપતિ તરીકે કામ કરનાર પિતા વિઠ્ઠલદાસે 1900માં છપ્પનિયા દુકાળ વખતે જ્ઞાતિના ગરીબ લોકો માટે રાહતકેન્દ્ર ખોલ્યું હતું. માતા પણ પાડોશમાં રહેતા ગરીબોની સેવા માટે તત્પર હતાં. તેથી અમૃતલાલમાં સેવાનો ગુણ ઊતર્યો હતો. 1890થી 1900 દરમિયાન તેમણે વઢવાણ રાજ્ય, યુગાન્ડા રેલવે (1890), સાંગલી દેશી રિયાસત તથા મુંબઈ મ્યુનિસિપાલિટીના ઇજનેર તરીકે નોકરી કરી હતી.
1913માં પિતાના મૃત્યુ પછી તેઓએ નોકરી છોડી દીધી. ત્યારબાદ ગોપાલ કૃષ્ણ ગોખલે દ્વારા સ્થાપિત સર્વન્ટ્સ ઓફ ઇન્ડિયા સોસાયટીમાં જોડાઈને તેમણે ઉત્તર પ્રદેશના ગોકુળ અને મથુરામાં દુષ્કાળ રાહતકાર્ય સંભાળ્યું. 1915–16માં મુંબઈના સફાઈ-કામદારોની સહકારી સોસાયટી સ્થાપી અને અમદાવાદમાં મિલમજૂરોનાં બાળકો માટે શાળા શરૂ કરી. 1917માં દેવધર અને જોશીની સાથે રહીને ખેડામાં મહેસૂલ ધારા અંગેના તપાસપંચની કાર્યવહીમાં ભાગ લીધો.
1918માં વિઠ્ઠલભાઈ પટેલે મુંબઈ ધારાસભામાં પ્રાથમિક શિક્ષણ ફરજિયાત કરવા માટેનું બિલ પેશ કર્યું ત્યારે ઠક્કરબાપાએ સમગ્ર ગુજરાતમાં પ્રવાસ ખેડીને આ પ્રદેશમાં પ્રવર્તતી શૈક્ષણિક સગવડો અંગેની માહિતી એકત્ર કરી. જમશેદપુરના ટાટાના લોખંડના કારખાનાના કામદારોની સ્થિતિ સુધારવા કયાં યોગ્ય પગલાં લઈ શકાય તે સૂચવવા માટે તેમણે સેવા આપી હતી. આ સાથે પંચમહાલમાં દુષ્કાળરાહતનું કાર્ય પણ સંભાળ્યું હતું. અહીં તેમને ભીલ લોકોની ગરીબીનો પરિચય થયો હતો. 1920માં ઓરિસામાં દુષ્કાળરાહતનું કામ સંભાળ્યું. 1921માં તેમણે સૌરાષ્ટ્રમાં ખાદીપ્રચારનું કાર્ય સંભાળ્યા બાદ પંચમહાલમાં 1922માં સખત દુષ્કાળ પડતાં રાહતકાર્ય કર્યું અને ભીલ સેવા મંડળની સ્થાપના કરી.
1930માં સવિનય કાનૂન ભંગના આંદોલન દરમિયાન ખેડા જિલ્લામાં મહેમદાવાદ ખાતે દારૂની દુકાનો ઉપર પિકેટિેંગ કરવા બદલ તેમને છ માસની સખત મજૂરી સાથે જેલની સજા થઈ. 40 દિવસ પછી સરકારે તેમને મુક્ત કર્યા હતા. ઠક્કરબાપાએ અખિલ હિન્દ હરિજન સેવક સંઘના મંત્રી અને બંધારણસભાના સભ્ય બનીને વાલ્મિકી સમાજના લોકો અને આદિવાસીઓ માટેના વિશિષ્ટ કલ્યાણ કામો કર્યા હતા. 1932માં સવિનય કાનૂનભંગની લડત દરમિયાન સરકારે વાલ્મિકી સમાજના લોકોને અલગ મતાધિકાર આપવાની નીતિ જાહેર કરતાં તે બંધ રખાવવા ગાંધીજીએ 21 દિવસના ઉપવાસ કર્યા. ડૉ. બાબાસાહેબ આંબેડકર જેવા વાલ્મિકી સમાજના નેતાઓ સાથે મસલત કરી સમાધાન કરાવવા ઠક્કરબાપાએ ઘણી જહેમત ઉઠાવી હતી. પરિણામે ‘પૂના કરાર’ થયો અને તે પ્રમાણે વાલ્મિકી સમાજના લોકોને ચોક્કસ મતવિસ્તારની ધારાસભાની બેઠકો મળી. તેઓ આ વર્ષે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી દ્વારા સ્થાપિત હરિજન સેવક સંઘના મહાસચિવ બન્યા. તેમની પહેલ પર 24 ઓક્ટોબર 1948ના રોજ ભારતીય આદિમજાતિ સેવક સંઘની સ્થાપના કરવામાં આવી હતી. મહાત્મા ગાંધી તેમને ‘બાપા’ કહેતા હતા. તેઓ હંમેશા રેલવેના થર્ડ કલાસમાં મુસાફરી કરતા હતા. ઠક્કરબાપાએ તેમના જીવનના 35 વર્ષ આદિવાસી અને વાલ્મિકી સમાજની સેવામાં વિતાવ્યા હતા.
29 નવેમ્બર, 1949ના રોજ ઠક્કરબાપાને 80 વર્ષ પૂર્ણ થતાં સરદાર વલ્લભભાઈ પટેલના હસ્તે દિલ્હીની જાહેર સભામાં સ્મારક ગ્રંથ અર્પણ કરવામાં આવ્યો હતો. જીવનના અંત સુધી તેઓ તરછોડાયેલા અને કચડાયેલા વર્ગના પ્રશ્નો હલ કરવામાં વ્યસ્ત રહ્યા હતા. તેમનું અવસાન 20 જાન્યુઆરી, 1951ના રોજ ગુજરાતના ગોધરા ખાતે થયું હતું.
આ પણ જૂઓ:IPS નીરજા ગોટરૂની ગુજરાત પોલીસ ભરતી બોર્ડના ચેરમેન તરીકે નિમણૂંક