રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની આજે 128મી જન્મજયંતી, જાણો તેમના વિશે
- ઝવેરચંદ મેઘાણીનો જન્મ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાં 28 ઓગસ્ટ, 1896ના રોજ થયો હતો
અમદાવાદ, 28 ઓગસ્ટ: રાષ્ટ્રીય શાયર તરીકે સમગ્ર વિશ્વ જેમને ઓળખે છે એવા લોકપ્રિય સાહિત્યકાર ઝવેરચંદ મેઘાણીની આજે 128મી જન્મજયંતી છે. દાયકાઓથી ઝવેરચંદ મેઘાણીના સાહિત્યની લોકપ્રિયતા અણનમ રહી છે અને આજે પણ ઝવેરચંદ મેઘાણીનું સાહિત્ય એટલી જ લોકચાહના ધરાવે છે. પાળિયાને પણ બેઠા કરનાર અને લોકસાહિત્યના મોતી ઘર ઘર સુધી પહોંચાડનાર ઝવેરચંદ મેઘાણી ગુજરાતી સાહિત્યમાં અતૂટ વારસો ધરાવે છે. કવિ, લેખક, પત્રકાર, વિવેચક અને લોકસાહિત્યના સંશોધક-સંપાદક જેવી બહુમુખી પ્રતિભા ધરાવતાં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનો જન્મ 28 ઓગસ્ટ, 1896ના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે થયો હતો.
ઝવેરચંદ મેઘાણીનો અભ્યાસ અને તેમની રચના
ઝવેરચંદ મેઘાણીએ ઇ.સ.1912થી 1916ના સમયગાળા દરમિયાન સંસ્કૃત તથા અંગ્રેજીના પાઠ ભાવનગરની શામળદાસ કોલેજમાં ભણ્યા હતા અને અહીંથી જ તેઓએ સ્નાતકની પદવી હાંસલ કરી હતી. ભાવનગર સહિત સૌરાષ્ટ્રના ગામડાઓ ખૂંદી વળી ઐતિહાસિક અને દુર્લભ સાહિત્યનું સંકલન કરવાનું ભગીરથ કાર્ય તેમના દ્વારા પૂર્ણ કરવામાં આવ્યું છે. તેમની સૌરાષ્ટ્રની રસધાર, સોરઠી બહારવટિયા, સોરઠી સંતો, ધરતીનું ધાવણ, માણસાઈના દિવા વગેરે રચનાઓ આજે પણ લોકોને વીરતા, પ્રેમ, કરૂણા, દયાભાવ અને ખાનદાનીના પાઠ શીખવે છે.
ઝવેરચંદ મેઘાણીના પિતાનું નામ કાળીદાસ અને માતાનું નામ ધોળીબાઈ હતું. મૂળ અમરેલી જિલ્લાના બગસરા પંથકના વતની જૈન વણિક પરિવારના પિતા કાળીદાસ મેઘાણી બ્રિટિશ કાઠિયાવાડ એજન્સી પોલીસમાં ફોજદાર તરીકે ફરજ બજાવતાં હતાં.
ઝવેરચંદ મેઘાણી વિવિધ પુસ્તકો લખ્યા
ઝવેરચંદ મેઘાણીએ નવલકથા, નવલિકા, નાટક, જીવન-ચરિત્ર, ઇતિહાસ, પ્રવાસ-વર્ણન તેમજ સંશોધિત-સંપાદિત લોકસાહિત્ય, વિવેચન,લોકકથા અને લોકગીત જેવા વિવિધ વિષયોના આશરે ૮૮ જેટલાં પુસ્તકોનું લેખન કર્યું, આ પુસ્તકો રજૂ થયા અને ખૂબ જ આવકાર પામ્યા હતાં. લોકસાહિત્યના સંશોધન કાર્ય માટે તેઓને સર્વ પ્રથમ રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવ્યો હતો. તેઓની સ્મૃતિમાં ભારતીય ટપાલ વિભાગ દ્વારા ઈ.સ. 1999માં ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી. તા. 09 માર્ચ,1947ની મધ્યરાત્રિએ બોટાદ ખાતે હૃદયરોગને કારણે ઝવેરચંદ મેઘાણીનું અંતિમ શ્વાસ લીધા હતા.
આ પણ જૂઓ: શ્રી કૃષ્ણ પર બનેલી પ્રથમ ફિલ્મ માત્ર 12 મિનિટની, જાણો રસપ્રદ કહાની